Surat Digital Arrest Fraud Case: સુરત શહેરમાં સાયબર માફિયાઓએ એક 72 વર્ષીય વૃદ્ધને પોતાની જાળમાં ફસાવીને આશરે ₹1.47 કરોડની જંગી રકમ પડાવી લેવાનું સનસનીખેજ કૌભાંડ આચર્યું છે. મની લોન્ડરિંગના ખોટા કેસમાં સંડોવણી હોવાનો ડર બતાવી આરોપીઓએ પીડિત વૃદ્ધને સતત 28 દિવસ સુધી ‘ડિજિટલ એરેસ્ટ’ હેઠળ રાખ્યા હતા. આ મામલે સુરત સાયબર ક્રાઈમ સેલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે અમદાવાદના ગોતા વિસ્તારમાંથી મુખ્ય આરોપી ઉર્જિત કવિની ધરપકડ કરી છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે સાયબર ગુનેગારો હવે મનોવૈજ્ઞાનિક દબાણ લાવીને લોકોને લૂંટી રહ્યા છે.
મુંબઈ પોલીસ અને CBI ઓફિસરના નામે ડરાવવાની મોડસ ઓપરેન્ડી
આ કેસની વિગત મુજબ, સાયબર ગઠિયાઓએ વૃદ્ધને ફોન કરીને પોતે મુંબઈ સાયબર ક્રાઈમ અને CBI (સીબીઆઈ) ના ઉચ્ચ અધિકારી હોવાની ઓળખ આપી હતી. તેમણે વૃદ્ધને એવી ધમકી આપી હતી કે તેમના નામે લેવાયેલા સીમકાર્ડનો ઉપયોગ જેટ એરવેઝના ભૂતપૂર્વ ચેરમેન નરેશ ગોયલના મની લોન્ડરિંગ કેસમાં થયો છે. પીડિતને વિશ્વાસમાં લેવા માટે આરોપીઓએ વોટ્સએપ પર પોલીસ અને ક્રાઈમ બ્રાંચના સિક્કાવાળા બનાવટી લેટર્સ પણ મોકલ્યા હતા. આ ડર અને સરકારી એજન્સીઓના નામે ચાલતા નાટકમાં વૃદ્ધ એવી રીતે ફસાયા કે તેમણે આરોપીઓની દરેક વાત માનવાનું શરૂ કરી દીધું હતું.
28 દિવસ સુધી વીડિયો કોલ પર નજરકેદ અને કરોડોનું ટ્રાન્ઝેક્શન
આરોપીઓએ વૃદ્ધને એટલી હદે ડરાવી દીધા હતા કે તેમને સતત 28 દિવસ સુધી વીડિયો કોલ પર પોતાની નજર હેઠળ રાખ્યા હતા, જેને ‘ડિજિટલ એરેસ્ટ’ કહેવામાં આવે છે. તેમને એવી સૂચના અપાઈ હતી કે જો તેઓ ધરપકડથી બચવા માંગતા હોય, તો તેમના તમામ બેંક એકાઉન્ટ અને શેરબજારના પોર્ટફોલિયો લિક્વિડેટ કરી એટલે કે ખાલી કરીને નાણાં આરબીઆઈ (RBI) માં વેરીફિકેશન માટે મોકલવા પડશે. તપાસ પૂર્ણ થયા બાદ પૈસા પાછા મળી જશે તેવી લાલચ અને જેલના ડરના કારણે વૃદ્ધે કુલ ₹1,47,40,000 ટ્રાન્ઝેક્શન દ્વારા આરોપીઓના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા.
આરોપી ઉર્જિત કવિની ધરપકડ અને દેશવ્યાપી નેટવર્કનો ખુલાસો
સુરત સાયબર ક્રાઈમ દ્વારા પકડાયેલ મુખ્ય આરોપી ઉર્જિત સચિતઆનંદ કવિ અમદાવાદના ગોતામાં આવેલા સેવી સ્વરાજ-1 માં રહે છે અને તે હાલ બેરોજગાર છે. તપાસમાં બહાર આવ્યું છે કે તેના આઈસીઆઈસીઆઈ (ICICI) બેંકના ખાતામાં વૃદ્ધના ₹39 લાખ સીધા ટ્રાન્સફર થયા હતા. આ એક જ ખાતામાં અત્યાર સુધીમાં ₹2.84 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું અને તેની સામે દેશના અલગ-અલગ રાજ્યોમાં 12 જેટલી ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે. ડીસીપી બિશાખા જૈને નાગરિકોને ચેતવતા કહ્યું છે કે કોઈ પણ એજન્સી વીડિયો કોલ પર ધરપકડ કરતી નથી, માટે આવી કોઈ ધમકી મળે તો તુરંત 1930 હેલ્પલાઈન પર સંપર્ક કરવો જોઈએ.

