Rajkot Baba Bageshwar: રાજકોટના ઐતિહાસિક રેસકોર્સ મેદાનમાં આયોજિત બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ‘દિવ્ય દરબાર’માં અચાનક જ ભારે હોબાળો અને અરાજકતાનો માહોલ સર્જાયો હતો. કથા દરમિયાન બાબા બાગેશ્વરના એક હુંકાર બાદ પંડાલમાં હાજર કેટલાક લોકો અચાનક ઉગ્રતાથી ધૂણવા લાગ્યા હતા. આ દરમિયાન એક મહિલા ધૂણતાં ધૂણતાં ત્યાં કવરેજ કરી રહેલા મીડિયાકર્મીઓ તરફ ધસી ગઈ હતી અને પત્રકારો પર હુમલો કરી દીધો હતો, જેમાં કેટલાક પત્રકારોને ઈજાઓ પહોંચી છે. આ સાથે જ એક નિર્દોષ નાના બાળકને પણ ધૂણાવવામાં આવતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર ગુજરાતમાં અંધશ્રદ્ધાના મુદ્દે મોટો વિવાદ ફાટી નીકળ્યો છે.
- આ દિવ્ય દરબાર નહીં પણ ‘પ્રેત દરબાર’ છે: પુરુષોત્તમ પીપળીયા
- વિજ્ઞાનના યુગમાં બાળકને ધૂણાવવાનું કૃત્ય અત્યંત હીન અને શરમજનક
- ચિઠ્ઠી-ચબરખીના નામે જાદુગરીનો ખેલ, બાબાને હનુમાન ચરિત્રનું જ્ઞાન જ નથી
- રાત્રે ૧૦ વાગ્યા પછી પણ કથા ચાલુ રાખી જાહેરનામાનો ભંગ કર્યાની વિજ્ઞાન જાથાની ફરિયાદ
- આયોજકોનો બચાવ: અમે કોઈને ધૂણવા માટે આમંત્રણ આપ્યું નહોતું
- પુરુષોત્તમ પીપળીયાની અટકાયત અને બાબા બાગેશ્વરને ‘સામસામે’ ચર્ચાનો ખુલ્લો પડકાર
આ દિવ્ય દરબાર નહીં પણ ‘પ્રેત દરબાર’ છે: પુરુષોત્તમ પીપળીયા
સૌરાષ્ટ્રના જાણીતા સહકારી અને પાટીદાર અગ્રણી પુરુષોત્તમભાઈ પીપળીયાએ આ સમગ્ર ઘટનાની આકરા શબ્દોમાં ટીકા કરી છે. તેમણે ધીરેન્દ્ર શાસ્ત્રી સામે સીધો મોરચો માંડતા આક્ષેપ કર્યો છે કે, આ કોઈ દિવ્ય દરબાર નથી પરંતુ સરેઆમ ‘પ્રેત દરબાર’ છે. બાબાએ પંડાલમાં ડાકીની, સાકીની અને પિચાશીની જેવી પ્રેત આત્માઓને આહવાન આપીને લોકોને ધૂણાવ્યા છે. પીપળીયાએ આ સમગ્ર મામલાને પૂર્વનિયોજિત અને ‘પ્લાન્ટેડ ઢોંગ’ ગણાવ્યો છે. તેમણે ઉમેર્યું કે, ધૂણતા લોકોને માત્ર પત્રકારો જ દેખાતા હતા અને તેઓ જોઈ-જોઈને મીડિયા પર હુમલા કરતા હતા, જે બતાવે છે કે પત્રકારોને ભગાડવા આ બધું ગોઠવાયેલું હતું.
વિજ્ઞાનના યુગમાં બાળકને ધૂણાવવાનું કૃત્ય અત્યંત હીન અને શરમજનક
કાર્યક્રમમાં એક નાના બાળકને ધૂણાવવાની ઘટના સામે પાટીદાર નેતાએ સખત આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે, આપણે આપણા બાળકોને વૈજ્ઞાનિક અને એન્જિનિયર બનાવવા છે કે પછી અંધશ્રદ્ધાના અંધારા ખાડામાં ધકેલી દેવા છે? આજે જ્યારે શાળાઓમાં બાળકોને વિજ્ઞાન અને ટેકનોલોજીના પાઠ ભણાવવામાં આવે છે, ત્યારે આવા બાબાઓ આવીને બાળકોના મગજ સાથે ખિલવાડ કરે તે અત્યંત હીન કૃત્ય છે. પીપળીયાએ માંગ કરી છે કે પોલીસે વાતાવરણ બગાડવા બદલ અને અંધશ્રદ્ધા ફેલાવવા બદલ ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ તાત્કાલિક પોતાની મેળે ‘સુઓમોટો’ ગુનો દાખલ કરવો જોઈએ.
ચિઠ્ઠી-ચબરખીના નામે જાદુગરીનો ખેલ, બાબાને હનુમાન ચરિત્રનું જ્ઞાન જ નથી
પુરુષોત્તમ પીપળીયાએ બાબાની કથાના જ્ઞાન પર પણ આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે બે દિવસની કથા જોતા સ્પષ્ટ થાય છે કે બાબાને હનુમાન ચરિત્રમાં કોઈ રસ નથી અને તેમને તેનું પૂરતું જ્ઞાન પણ નથી. દરબારમાં ચિઠ્ઠીઓ ઉછાળવી અને લોકોના ભવિષ્યના વરતારા આપવા તે માત્ર એક સામાન્ય જાદુગરી અને ધતિંગ છે. જાદુગરો પણ આવી અદ્ભુત ટ્રિક્સ અને ટેકનિક બતાવે છે, પરંતુ તેઓ ક્યારેય એવો દાવો નથી કરતા કે તેમની પાસે કોઈ ઈશ્વરીય ચમત્કારિક શક્તિ છે. રાજકીય નેતાઓ અને સેલિબ્રિટીઓ આવા બાબાઓને પ્રોત્સાહન આપીને સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
રાત્રે ૧૦ વાગ્યા પછી પણ કથા ચાલુ રાખી જાહેરનામાનો ભંગ કર્યાની વિજ્ઞાન જાથાની ફરિયાદ
બીજી તરફ, અંધશ્રદ્ધા નિર્મૂલન માટે કામ કરતી સંસ્થા ‘ગુજરાત વિજ્ઞાન જાથા’ના પ્રમુખ જયંત પંડ્યાએ પણ આ મામલે પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરી છે. વિજ્ઞાન જાથાએ આક્ષેપ કર્યો છે કે પવિત્ર સનાતન કથાના નામે લવ જેહાદ અને માનસિક રોગીઓ સાથે ક્રૂર ખિલવાડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કથા સક્ષમ સત્તાધિકારી તરફથી માત્ર રાત્રે ૧૦ વાગ્યા સુધી જ માન્ય હતી, છતાં નિયમોનો ભંગ કરીને મોડે સુધી કાર્યક્રમ ચાલુ રખાયો હોવાથી આયોજકો અને બાબા સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધવાની માંગ કરાઈ છે.
આયોજકોનો બચાવ: અમે કોઈને ધૂણવા માટે આમંત્રણ આપ્યું નહોતું
આ તમામ ગંભીર આક્ષેપો અને હોબાળા વચ્ચે કથાના મુખ્ય આયોજક મંગેશ દેસાઈએ પક્ષ રજૂ કરતા જણાવ્યું છે કે, આયોજક સમિતિ કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કોઈને પણ પંડાલમાં ધૂણવા માટે કોઈ વ્યક્તિગત આમંત્રણ આપ્યું નહોતું. બાબા જ્યારે મંત્રોચ્ચાર કરી રહ્યા હતા ત્યારે કેટલાક લોકો પોતાની મેળે જ ધૂણવા લાગ્યા હતા. તેમણે વિજ્ઞાન જાથા પર કટાક્ષ કરતા કહ્યું કે વિજ્ઞાન પણ આપણા પ્રાચીન વેદોમાંથી જ જન્મ્યું છે અને આદિ અનાદિ કાળથી દરેક ધર્મમાં આવી ધૂણવાની પ્રથાઓ અસ્તિત્વ ધરાવે છે. તેમણે ઉમેર્યું કે જો કોઈ કાનૂની ફરિયાદ થશે તો તેઓ કોર્ટમાં તેનો કાયદાકીય જવાબ આપશે.
પુરુષોત્તમ પીપળીયાની અટકાયત અને બાબા બાગેશ્વરને ‘સામસામે’ ચર્ચાનો ખુલ્લો પડકાર
નોંધનીય છે કે વિરોધ પ્રદર્શન કરવા માટે પુરુષોત્તમ પીપળીયા જ્યારે પોતાના ઘરેથી રેસકોર્સ જવા નીકળ્યા, ત્યારે જ તેમની ઘરની બહાર તૈનાત પોલીસ કાફલાએ કાયદો અને વ્યવસ્થા જાળવવાના નામે તેમની અટકાયત કરી લીધી હતી અને બોલેરો ગાડીમાં બેસાડી દીધા હતા. જોકે, પોલીસ અટકાયતમાં હોવા છતાં પીપળીયાએ સોશિયલ મીડિયા પર બાબા બાગેશ્વરને ખુલ્લો પડકાર ફેંકતા લખ્યું છે કે, “જો તમારામાં સાચી તાકાત હોય તો સત્તાધારીઓના પ્રોટેક્શન વગર, પોતાની પસંદગીના કોઈપણ મીડિયા હાઉસમાં આવીને મારી સાથે ‘મોરે મોરો’ (સામસામે) શાસ્ત્રાર્થ અને ચર્ચા કરવા બેસો.” આ ઘટનાથી રાજકોટ સહિત આખા સૌરાષ્ટ્રના સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જાગી છે.

