Canada Study Permit ના નિયમો વધુ કડક, હવે ફંડ અને તેની આવકના સ્ત્રોતની થશે ઊંડી તપાસ
Canada Study Permit: કેનેડામાં અભ્યાસ કરવા માટે સ્ટડી પરમિટની જરૂર પડે છે અને તે ત્યારે જ મળે છે, જ્યારે વિદ્યાર્થી અભ્યાસ ઉપરાંત રહેવા અને ભોજનના ખર્ચનો પુરાવો આપી શકે. પરંતુ હવે કેનેડાના ઇમિગ્રેશન વિભાગ એટલે કે IRCC એ એક નવું અપડેટ જાહેર કર્યું છે. તેમાં જણાવાયું છે કે હવે કેનેડાનો સ્ટડી પરમિટ મેળવવા માટે વધુ કડક ચકાસણીમાંથી પસાર થવું પડશે. ઇમિગ્રેશન વિભાગ દ્વારા આ અપડેટ તાજેતરમાં જ જાહેર કરવામાં આવ્યું હતું.
આઈઆરસીસીના અપડેટમાં અધિકારીઓ માટેની માર્ગદર્શિકામાં સરકારી વેબસાઇટ પર આ કડક મૂલ્યાંકન પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. નવી ગાઇડલાઇન્સનું નામ છે- Study permits: Assessing the application. તેમાં અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે અરજદારોના ફંડની રકમ અને તેના સ્ત્રોતની વિગતવાર તપાસ કરવામાં આવે. તેમાં એ પણ જણાવાયું છે કે દરેક પ્રકારના કેસમાં ફંડના સ્ત્રોતનું મૂલ્યાંકન કરવું જરૂરી રહેશે.
પરિવારની આર્થિક સ્થિતિની સમીક્ષા જરૂરી
નવી ગાઇડલાઇન્સમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે માત્ર એવા વિદ્યાર્થીઓને જ સ્ટડી પરમિટ આપવામાં આવે, જે પોતે પોતાના સમગ્ર કોર્સનો ખર્ચ ઉઠાવી શકે. તેના માટે પરિવારની આર્થિક સ્થિતિ અને રોજગાર સંબંધિત દસ્તાવેજોની સમીક્ષા તથા તેની ચકાસણી કરવી જરૂરી બની શકે છે. ગાઇડલાઇન્સના જૂના સંસ્કરણમાં માત્ર કેટલાક ઊંચા જોખમ ધરાવતા વિસ્તારોમાં જ વધારાના દસ્તાવેજોની તપાસ કરવાની વાત હતી, જેને આ અપડેટમાં દૂર કરવામાં આવી છે.
ગાઇડલાઇન્સમાં શું-શું જણાવાયું છે?
નવા અપડેટમાં જણાવાયું છે કે અધિકારીઓ પોતાના વિવેકાધિકારના આધારે વધારાના દસ્તાવેજો માગી શકે છે.
પ્રૂફ ઑફ ફંડ એટલે કે ફંડના પુરાવા માટે હવે 6 મહિનાના બેંક સ્ટેટમેન્ટ રજૂ કરવાની વાત કરવામાં આવી છે.
બેંક સ્ટેટમેન્ટની અવધિ અરજી સબમિટ કરાયેલા મહિના અથવા તે પહેલાંના મહિનાથી શરૂ થઈ શકે છે. અગાઉ માત્ર 4 મહિનાના બેંક સ્ટેટમેન્ટની જરૂર પડતી હતી.
નવી સૂચનાઓમાં એ પણ જણાવાયું છે કે સ્ટડી પરમિટના રિન્યુઅલના કિસ્સામાં ફંડની રકમનું મૂલ્યાંકન એક્સ્ટેન્શન પછીના પ્રથમ વર્ષના આધારે કરવામાં આવશે.
પ્રૂફ ઑફ ફંડ માટે નાણાકીય દસ્તાવેજોના બે નવા ઉદાહરણો પણ ઉમેરવામાં આવ્યા છે, જે અગાઉના સંસ્કરણમાં નહોતા. તેમાં પેન્શનમાંથી થતી આવક અને ભાડાની મિલકતમાંથી થતી આવકનો સમાવેશ થાય છે.
કેનેડિયન ડૉલરમાં રૂપાંતરિત કરી શકાય તેવા બેંક ડ્રાફ્ટનું ઉદાહરણ, જે અગાઉના સંસ્કરણમાં સામેલ હતું, તેને હવે પ્રૂફ ઑફ ફંડના દસ્તાવેજોની યાદીમાંથી દૂર કરવામાં આવ્યું છે.
સ્ટડી પરમિટ માટે કેટલા પૈસા હોવા જોઈએ?
નવા અપડેટમાં સ્ટડી પરમિટ માટે જરૂરી ફંડની મર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. વિદ્યાર્થીઓએ ટ્યુશન ફી અને કેનેડા આવવા-જવાના ખર્ચ ઉપરાંત એક વર્ષનો જીવનનિર્વાહ ખર્ચ ઉઠાવી શકે એટલી નિર્ધારિત રકમ દર્શાવવી જરૂરી છે. આ રકમ વિદ્યાર્થી સાથે આવતા પરિવારના સભ્યોના આધારે અલગ-અલગ હોય છે. જો કોઈ વિદ્યાર્થી એકલો જ અભ્યાસ માટે આવી રહ્યો હોય, તો તેને 22,895 કેનેડિયન ડૉલર (અંદાજે 15.60 લાખ રૂપિયા) દર્શાવવાની જરૂર પડશે. ત્યાર બાદ જ તેને સ્ટડી પરમિટ આપવામાં આવશે.

