Hirosaki Castle: જાપાનના 400 વર્ષ જૂના કિલ્લાને 78 મીટર ખસેડવામાં આવી રહ્યો છે, 4100 લોકો લગાવી રહ્યા છે જોર
Hirosaki Castle: જાપાનના આઓમોરી પ્રાંતનો 400 વર્ષ જૂનો હિરોસાકી કિલ્લો હાલમાં ચર્ચામાં છે. તેનું મુખ્ય કારણ છે કિલ્લાનો ટાવર, જેને તોડ્યા વિના 78 મીટર દૂર ખસેડવામાં આવી રહ્યો છે. તેને 4100 લોકો ખેંચવામાં જોડાયા છે. 360 ટન વજન ધરાવતી આ ઇમારતને દોરડાની મદદથી ખસેડવામાં આવી રહી છે. હવે આ ટાવરને તેની મૂળ જગ્યાએ પહોંચાડવામાં આવી રહ્યો છે. તેને 2015માં એટલા માટે ખસેડવામાં આવ્યો હતો, જેથી પથ્થરની તે દીવાલની મરામત કરી શકાય, જેને ભૂકંપમાં નુકસાન થયું હતું.
ખાસ વાત એ છે કે આ ઇમારતને સુરક્ષિત રાખવા માટે જાપાનની પરંપરાગત હિકિયા તકનીકની મદદ લેવામાં આવી રહી છે. આ તકનીકમાં ઇમારતને તોડવાને બદલે રોલર પર રાખીને એક સ્થાનથી બીજા સ્થાન સુધી પહોંચાડવામાં આવે છે. મેનેજમેન્ટ અનુસાર આ ટાવર એક સંરક્ષિત ધરોહર છે, તેથી તેને નુકસાન પહોંચાડ્યા વિના ખસેડવામાં આવી રહ્યો છે. એક સમયે 1800 લોકો આ કામ કરી રહ્યા છે, જ્યારે અલગ-અલગ ભાગોમાં કુલ 4100 લોકો આ અભિયાનમાં ભાગ લેશે.
શું છે હિરોસાકી કિલ્લો?
હિરોસાકી કિલ્લો જાપાનના આઓમોરી પ્રીફેક્ચરમાં આવેલો છે. તેનું નિર્માણ ત્સુગારુ કુળે 1611માં કરાવ્યું હતું. તે સમયે તે ઉત્તર જાપાનમાં રાજકીય અને સૈન્ય શક્તિનું મુખ્ય કેન્દ્ર હતું. જોકે આજે જે ટાવર જોવા મળે છે તે મૂળ રચના નથી. 1627માં કિલ્લાના દારૂગોળાના ભંડાર પર વીજળી પડવાને કારણે તેમાં આગ લાગી હતી અને મૂળ ટાવર નષ્ટ થઈ ગયો હતો. તેના લગભગ 183 વર્ષ બાદ 1810માં વર્તમાન ત્રણ માળનો ટાવર બનાવવામાં આવ્યો હતો, જેને ધરોહર તરીકે સુરક્ષિત રાખવામાં આવ્યો છે.
કિલ્લાને ખસેડવાની જરૂર શા માટે પડી?
હિરોસાકી કિલ્લો જે પથ્થરની દીવાલ પર ઊભો છે, તે સમયની સાથે નબળી થઈ રહી હતી. 2011માં જ્યારે પૂર્વી જાપાનમાં ભૂકંપ આવ્યો ત્યારે તેને નુકસાન થયું હતું. તેનાથી દીવાલ નમી જવાની અને ક્ષતિગ્રસ્ત થવાની આશંકા વધી ગઈ હતી. એક્સપર્ટ્સે શોધી કાઢ્યું કે જો તેની મરામત કરવામાં નહીં આવે તો આ ઐતિહાસિક રચના જોખમમાં પડી શકે છે. સમસ્યા એ હતી કે દીવાલની મરામત કરવા માટે ટાવરને હટાવવો જરૂરી હતો. સામાન્ય રીતે આવી ઇમારતને તોડીને ફરી બનાવવામાં આવે છે, પરંતુ ધરોહર હોવાને કારણે આવું કરવું શક્ય નહોતું. 2015માં તેને મૂળ સ્થાનથી 78 મીટર ખસેડવામાં આવ્યો હતો, જેને હવે પાછો તેની જગ્યાએ પહોંચાડવામાં આવી રહ્યો છે.
360 ટનનો ટાવર કેવી રીતે ખસેડવામાં આવી રહ્યો છે?
જાપાનમાં કોઈ ઇમારતને બીજી જગ્યાએ ખસેડવાની પરંપરાગત પદ્ધતિને હિકિયા કહેવામાં આવે છે. આ પ્રક્રિયામાં ઇમારતને જેવી છે તેવી જ એક સ્થાનથી બીજા સ્થાન સુધી પહોંચાડવામાં આવે છે. તેમાં ઇમારતને અલગ-અલગ ભાગોમાં તોડવામાં આવતી નથી. આ પ્રક્રિયામાં પહેલાં ઇમારતની નીચે મજબૂત સ્ટીલ ફ્રેમ લગાવવામાં આવે છે, ત્યારબાદ તેને સાવધાનીપૂર્વક જેકની મદદથી ઊંચકવામાં આવે છે. ત્યારબાદ નીચે ખાસ રોલર, રેલ અને સ્લાઇડિંગ સિસ્ટમ લગાવવામાં આવે છે. ખૂબ જ ધીમે-ધીમે સમગ્ર માળખાને થોડા સેન્ટિમીટરની ઝડપે આગળ વધારવામાં આવે છે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન એન્જિનિયર્સ સતત ઇમારતના સંતુલન અને દબાણની દેખરેખ રાખે છે.
2,185 પથ્થરો કાઢીને ફરી લગાવવામાં આવ્યા
2015માં ટાવરને હટાવ્યા બાદ તેના પાયા અને દીવાલની ફરીથી મરામત કરવામાં આવી. દીવાલના તમામ 2,185 પથ્થરોને એક પછી એક કાઢવામાં આવ્યા. દરેક પથ્થરની સ્થિતિ નોંધવામાં આવી, જેથી બાદમાં તેને બરાબર તે જ જગ્યાએ ફરીથી લગાવી શકાય. ઘણા વર્ષો સુધી ચાલેલા આ કામ બાદ ડિસેમ્બર 2024માં દીવાલની મરામત પૂર્ણ થઈ અને તમામ પથ્થરોને યોગ્ય રીતે સ્થાપિત કરવામાં આવ્યા. હવે તેને પાછો લાવવાને એક સામુદાયિક ઉત્સવનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. તેમાં લોકો પાસેથી આ કામમાં સહયોગ માટે અરજીઓ મંગાવવામાં આવી હતી, જેના માટે 8000થી વધુ લોકોએ અરજી કરી હતી. તેમાંથી પસંદ કરાયેલા 4100 લોકોને દોરડાથી ટાવર ખેંચવાની તક આપવામાં આવી રહી છે.
5 મીટર લોકો ખેંચશે, બાકીના 73 મીટર મશીન
ગારાર્ડિયને 61 વર્ષીય મોટોહારુ નાકાતાના હવાલાથી લખ્યું છે કે આવો અવસર ફરી નહીં મળે. તેઓ હિરોશિમાથી આ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા છે. તેઓ કહે છે કે 11 વર્ષ પહેલાં પણ 2015માં તેમણે આ કિલ્લાને ખેંચ્યો હતો. ફરીથી તેમાં સામેલ થવું અત્યંત ભાવુક કરનાર ક્ષણ છે. 78 મીટરમાંથી 5 મીટર સુધી આ કિલ્લાને ખેંચવાનું કામ ઓગસ્ટના અંત સુધી કરવામાં આવશે, ત્યારબાદ બાકીના 73 મીટરના અંતર સુધી મશીનો તેને ખેંચશે.

