Desert Sand Bricks: હવે રણની રેતીમાંથી બનશે મજબૂત ઈંટો, UAEના સંશોધકોએ શોધી નવી ટેક્નિક, સિમેન્ટની જરૂરિયાત પણ ઘટશે

Arati Parmar
2 Min Read

Desert Sand Bricks: અત્યાર સુધી રણની રેતીને ઘર અથવા ઇમારતો બનાવવા માટે યોગ્ય માનવામાં આવતી ન હતી. તેનું કારણ એ છે કે રણની રેતીના બારીક કણો મજબૂત કૉંક્રીટ બનાવી શકતા નથી. જોકે હવે આ બદલાવા જઈ રહ્યું છે, કારણ કે UAEની યુનિવર્સિટી ઑફ શારજાહના સંશોધકોએ રણની રેતી અને ઇન્ડસ્ટ્રિયલ વેસ્ટમાંથી ટકાઉ ચણતરવાળી ઈંટો તૈયાર કરી લીધી છે. આ ટેક્નિકથી માત્ર સિમેન્ટ પરની નિર્ભરતા જ ઘટશે નહીં, પરંતુ નકામી માનવામાં આવતી રણની રેતીને પર્યાવરણને નુકસાન ન પહોંચાડતી બાંધકામ સામગ્રીમાં પણ ફેરવી શકાશે.

રેતીમાંથી કેવી રીતે તૈયાર થઈ ઈંટ?

  • સામાન્ય રણની રેતીમાં સિમેન્ટ ભેળવવું મુશ્કેલ હોય છે, તેથી સંશોધકોએ રેતીને અલ્કાલી-ઍક્ટિવેટેડ બાઇન્ડર્સ સાથે ભેળવીને ઈંટો તૈયાર કરી છે. આ બાઇન્ડર્સ રણની રેતીના કણોને એકબીજા સાથે જોડવામાં મદદ કરે છે.
  • આ બાઇન્ડર સિસ્ટમમાં ફ્લાય ઍશ અને બ્લાસ્ટ-ફર્નેસ સ્લૅગ જેવા ઇન્ડસ્ટ્રિયલ વેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. તેના કારણે રેતીમાંથી ઈંટો બનાવવામાં સિમેન્ટની જરૂર પડતી નથી.
  • આ રીતે આ ઈંટો રણની રેતીને ઉપયોગી બનાવવાની સાથે ઇન્ડસ્ટ્રિયલ વેસ્ટને પણ નકામો જવા દેતી નથી.

ભઠ્ઠી વિના થાય છે તૈયાર

આ ટેક્નિકથી તૈયાર થતી ઈંટોની ખાસિયત એ છે કે તેમને કઠોર બનાવવા માટે કોઈ ભઠ્ઠી અથવા હીટિંગની જરૂર પડતી નથી. આ ઈંટો રૂમ ટેમ્પરેચર પર જ સંપૂર્ણપણે સુકાઈને મજબૂત બની જાય છે.

- Advertisement -

આનાથી ઈંટોના ઉત્પાદન દરમિયાન વપરાતી ભારે ઊર્જા અને બળતણની મોટી બચત થાય છે. સાથે જ પર્યાવરણમાં પ્રદૂષણ પણ ફેલાતું નથી.

રણની રેતીની ઈંટો કેટલી મજબૂત છે?

સંશોધનમાં ઈંટોની મિકેનિકલ સ્ટ્રેન્થ, પાણી શોષવાની ક્ષમતા અને ટકાઉપણાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. રિપોર્ટ્સ અનુસાર આ ઈંટો સલ્ફેટ એટેકનો સામનો કરવામાં ઘણી સક્ષમ છે. તેનો અર્થ એ છે કે માટી અથવા ભૂગર્ભમાં રહેલા સલ્ફેટ કેમિકલ્સના કારણે આ ઈંટો સડતી અથવા નષ્ટ થતી નથી.

- Advertisement -

આવી સ્થિતિમાં આ ઈંટો ઇમારતોને લાંબું આયુષ્ય આપવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે. જોકે હાલમાં આ ટેક્નિક ટેસ્ટિંગ અને રિસર્ચના સ્તરે છે. તેને બજારમાં રજૂ કરતા પહેલાં મોટા પાયે ઉત્પાદન કરવાની, ખર્ચનું મૂલ્યાંકન કરવાની અને પર્યાવરણ પર પડતી અસરનું પરીક્ષણ કરવાની પડકારો હજુ સામે છે.

Share This Article