પાકિસ્તાનમાં 8 મહિનામાં 990 આતંકી હુમલા, ખૈબર પખ્તૂનખ્વા અને બલૂચિસ્તાન સૌથી વધુ નિશાન પર
Pakistan Mosque Blast: પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતની એક મસ્જિદમાં આત્મઘાતી હુમલો થયો છે. આ ભીષણ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 15 લોકોનાં મોત થયાં છે જ્યારે અન્ય અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. વિસ્ફોટ પ્રાંતના કોહાટ જિલ્લામાં ઓલ્ડ પોલીસ લાઇનની નજીક થયો. અત્યાર સુધી આ વિસ્ફોટની જવાબદારી કોઈ પણ સંગઠને લીધી નથી. વિસ્ફોટકોથી ભરેલું એક વાહન ઓલ્ડ પોલીસ લાઇન્સ પાસે અથડાયું અને જોરદાર વિસ્ફોટ થયો. પાકિસ્તાનમાં આ વર્ષે 990થી વધુ આતંકી હુમલા થયા છે. વર્ષોથી ભારતમાં આતંક ફેલાવવા અને આપણા સૈનિકોને મારવાની નાપાક કોશિશ કરતો આપણો પાડોશી દેશ હવે પોતે જ આતંકની ઝપેટમાં આવી રહ્યો છે.
આજે થયેલા આ હુમલા અંગે ખૈબર પખ્તૂનખ્વાની 1122 રેસ્ક્યૂ ટીમના પ્રવક્તા બિલાલ અહમદ ફૈઝલે જણાવ્યું કે બચાવકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આ ઘટનામાં જે લોકો ઘાયલ થયા છે તેમને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.
એક વર્ષમાં 990 આતંકી હુમલા
પાકિસ્તાનમાં આ વર્ષે આતંકી ઘટનાઓમાં અચાનક ઘણો વધારો જોવા મળી રહ્યો છે. પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ફોર કોન્ફ્લિક્ટ એન્ડ સિક્યુરિટી સ્ટડીઝ (PICSS) અનુસાર, જાન્યુઆરીથી ઓગસ્ટ 2026 સુધી સમગ્ર પાકિસ્તાનમાં 990 આતંકી હુમલા નોંધાયા છે. તેમાં 1126 લોકોનાં મોત થયાં છે. અહીં ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ 199 હુમલા થયા છે. જ્યારે જુલાઈમાં 144 આતંકી હુમલા નોંધાયા હતા. તેમાં ઓગસ્ટમાં 158 લોકોનાં મોત થયાં હતા, જ્યારે જુલાઈમાં હુમલાઓ સાથે જોડાયેલા 268 મોત નોંધાયા હતા.
દુનિયાનો બીજો સૌથી વધુ આતંકવાદ પ્રભાવિત દેશ છે પાકિસ્તાન
ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2025નો રિપોર્ટ પાકિસ્તાન માટે ગંભીર ચેતવણી લઈને આવ્યો છે. રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન હવે દુનિયાનો બીજો સૌથી વધુ આતંકવાદ પ્રભાવિત દેશ બની ગયો છે. એક વર્ષ પહેલાં એટલે કે 2024માં તે ચોથા ક્રમે હતો, પરંતુ આતંકી ઘટનાઓ અને મોતમાં ઝડપી વધારાને કારણે તેની રેન્કિંગ વધુ ખરાબ થઈ ગઈ.
રિપોર્ટ જણાવે છે કે પાકિસ્તાનમાં સક્રિય આતંકી સંગઠનોએ છેલ્લા એક વર્ષમાં પોતાની પ્રવૃત્તિઓમાં ઘણો વધારો કર્યો છે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના હુમલામાં આશરે 90 ટકાનો વધારો નોંધાયો છે, જ્યારે બલૂચ લિબરેશન આર્મી (BLA)ના હુમલા લગભગ 60 ટકા વધ્યા છે. બીજી તરફ, ઇસ્લામિક સ્ટેટ-ખુરાસાન (IS-K) પણ હવે પોતાની પહોંચ વધારીને માત્ર સરહદી વિસ્તારો સુધી મર્યાદિત રહ્યું નથી અને તેણે પાકિસ્તાનના મોટા શહેરોને પણ નિશાન બનાવવાનું શરૂ કર્યું છે.
ખૈબર પખ્તૂનખ્વા અને બલૂચિસ્તાન સૌથી વધુ નિશાન પર
આતંકવાદની સૌથી વધુ અસર પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા અને બલૂચિસ્તાન પ્રાંતોમાં જોવા મળી છે. રિપોર્ટ અનુસાર, દેશભરમાં થયેલી કુલ આતંકી ઘટનાઓમાંથી લગભગ 90 ટકા આ બંને વિસ્તારોમાં થઈ છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાનના પશ્ચિમી અને ઉત્તર-પશ્ચિમી વિસ્તારો હજુ પણ સુરક્ષા એજન્સીઓ માટે સૌથી મોટો પડકાર બની રહ્યા છે.
રિપોર્ટમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ને સતત બીજા વર્ષે દેશનું સૌથી ખતરનાક આતંકી સંગઠન ગણાવવામાં આવ્યું છે. આંકડા અનુસાર, 2024માં આ સંગઠને 482 હુમલા કર્યા હતા, જેમાં 558 લોકોનાં મોત થયાં હતાં. આ સંખ્યા 2023ની સરખામણીમાં 91 ટકા વધુ છે. નિષ્ણાતોનું માનવું છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનની વાપસી બાદ પ્રાદેશિક સુરક્ષા સમીકરણ બદલાવાથી TTPને નવી તાકાત અને કામગીરીની વધુ સ્વતંત્રતા મળી છે, જેની અસર પાકિસ્તાનની આંતરિક સુરક્ષા પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે.

