Punam Raut Retirement: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ટોચના ક્રમની બેટર પૂનમ રાઉતે ગુરુવારે તાત્કાલિક અસરથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટનાં તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી. 37 વર્ષીય પૂનમે 2009થી 2021 દરમિયાન ભારત માટે ચાર ટેસ્ટ, 73 વનડે અને 35 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા પોતાની નિવૃત્તિની જાહેરાત કરી.
સોશિયલ મીડિયા પર લાંબી પોસ્ટ લખી
પૂનમે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર એક પોસ્ટમાં જણાવ્યું, ‘ઘણા વિચારવિમર્શ અને આત્મમંથન પછી મેં રમતનાં તમામ ફોર્મેટમાંથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય લીધો છે.’ તેણે કહ્યું, ‘ભારતનું પ્રતિનિધિત્વ કરવું મારા જીવનનું સૌથી મોટું સન્માન રહ્યું છે. ક્રિકેટ મારા માટે માત્ર એક રમત નહોતી, પરંતુ તેણે મારા વ્યક્તિત્વને નિખાર્યું, મને મુશ્કેલ પરિસ્થિતિઓમાં અડગ રહેવાનું શીખવ્યું અને એવી યાદો આપી, જેને હું હંમેશાં સાચવી રાખીશ. મેં જ્યારે પણ ભારતીય જર્સી પહેરી, ત્યારે દરેક વખતે અપાર ગર્વ અને કૃતજ્ઞતા સાથે પહેરી.’
ભારતીય જર્સી પહેરવાનું મારું સપનું હતું
પૂનમે કહ્યું, ‘ભારતીય જર્સી પહેરવાનું મારું સપનું હતું, જે હકીકતમાં સાકાર થયું. મને જે વિશ્વાસ અને સમર્થન મળ્યું, તેના માટે હું હંમેશાં આભારી રહીશ.’
પૂનમે પોતાની કારકિર્દીને ઘડવામાં સ્થાનિક ટીમના યોગદાનને પણ યાદ કર્યું. તેણે કહ્યું, ‘મારી શરૂઆતનાં વર્ષોમાં મારા પર વિશ્વાસ મૂકવા બદલ હું મુંબઈ ક્રિકેટ એસોસિયેશનની હૃદયપૂર્વક આભારી છું. ત્યાં મળેલી તકો અને માર્ગદર્શનથી મારી ક્રિકેટ કારકિર્દીનો પાયો નંખાયો.’
View this post on Instagram
શાનદાર રહી છે કારકિર્દી
પૂનમ રાઉતની આંતરરાષ્ટ્રીય કારકિર્દી સિદ્ધિઓથી ભરેલી રહી છે. તેણે ભારત માટે 73 વનડે મેચમાં 2,299 રન બનાવ્યા, જ્યારે 35 T20I મેચમાં તેના બેટમાંથી 719 રન નીકળ્યા. બીજી તરફ, રમેલી ચાર ટેસ્ટ મેચમાં તેણે 264 રન બનાવ્યા.
પોતાની કારકિર્દીમાં તેણે કુલ ચાર આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી, જેમાં ત્રણ વનડેમાં અને એક ટેસ્ટ ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકા સામે 2014માં ફટકારી હતી. આ ઉપરાંત, તેના નામે વનડેમાં 15 અને T20માં ચાર અડધી સદી પણ નોંધાયેલી છે. પૂનમે પોતાની છેલ્લી મેચ જૂન 2021માં ઇંગ્લેન્ડ સામે વનડે તરીકે રમી હતી.
ભારતીય મહિલા ટીમને 2017ના વર્લ્ડ કપની ફાઇનલ સુધી પહોંચાડવામાં પૂનમ રાઉતની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ રહી હતી. સમગ્ર સ્પર્ધામાં તેણે 381 રન બનાવ્યા હતા. લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ઇંગ્લેન્ડ સામે રમાયેલી ફાઇનલ મેચમાં તેણે 86 રનની સંઘર્ષપૂર્ણ ઇનિંગ રમી હતી. જોકે, ભારત આ મુકાબલો માત્ર નવ રનથી હારી ગયું હતું.
એ જ વર્લ્ડ કપમાં આયર્લેન્ડ સામેની મેચ દરમિયાન તેણે દીપ્તિ શર્મા સાથે મળીને પ્રથમ વિકેટ માટે 320 રનની વિક્રમજનક ભાગીદારી કરી હતી. આ ભાગીદારીમાં પૂનમે 109 રનની યાદગાર ઇનિંગ રમી હતી.

