Vedanta Delhi Half Marathon 2026: દિલ્હી હાફ મેરેથોનમાં કેન્યાના ચાર્લ્સ મટાટાએ બનાવ્યો નવો રેકોર્ડ, 58 મિનિટ 52 સેકન્ડમાં પૂરી કરી દોડ

Arati Parmar
4 Min Read

Vedanta Delhi Half Marathon 2026: વેદાંતા દિલ્હી હાફ મેરેથોનમાં કેન્યાના ચાર્લ્સ મટાટાએ નવો રેકોર્ડ બનાવ્યો છે. તેમણે રવિવારે 58 મિનિટ 52 સેકન્ડમાં દોડ પૂરી કરીને નવો કોર્સ રેકોર્ડ બનાવ્યો. આ સાથે તેમણે પુરુષ એલીટ વર્ગનો ખિતાબ પોતાના નામે કર્યો. બીજી તરફ, ઇથિયોપિયાની વુડિનેશ અલેામુએ મહિલા એલીટ વર્ગમાં ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું. મટાટાએ વર્ષ 2020માં ઇથિયોપિયાના અમેદેવોર્ક વાલેલેગ્ને બનાવેલા 58 મિનિટ 53 સેકન્ડના રેકોર્ડને એક સેકન્ડથી પાછળ છોડી દીધો.

આ સિદ્ધિ માટે તેમને વિજેતાને મળતી 27,000 ડૉલર (લગભગ 25.64 લાખ રૂપિયા)ની ઇનામી રકમ ઉપરાંત રેકોર્ડ તોડવા બદલ વધારાના 12,000 ડૉલર (લગભગ 11.40 લાખ રૂપિયા) મળશે. રસપ્રદ વાત એ છે કે મટાટાના જોડિયા ભાઈ એલેક્સ મટાટાએ વર્ષ 2025માં 59 મિનિટ 50 સેકન્ડના સમય સાથે આ ખિતાબ જીત્યો હતો.

- Advertisement -

કેન્યાનો રહ્યો દબદબો

પુરુષ એલીટ વર્ગમાં કેન્યાના દોડવીરોનો દબદબો રહ્યો. સેમવેલ ન્યામાઈ મેલુએ 59 મિનિટ 24 સેકન્ડના સમય સાથે બીજું સ્થાન મેળવ્યું, જ્યારે સ્ટેનલી વાઇથાકા મ્બુરુએ 59 મિનિટ 33 સેકન્ડમાં દોડ પૂરી કરીને ત્રીજું સ્થાન મેળવ્યું. મહિલા એલીટ વર્ગમાં ઇથિયોપિયાની વુડિનેશ અલેામુએ એક કલાક છ મિનિટ 35 સેકન્ડમાં દોડ પૂરી કરીને ખિતાબ જીત્યો. કેન્યાની સેલાહ બુસિનેઈ એક કલાક સાત મિનિટ એક સેકન્ડના સમય સાથે બીજા સ્થાને રહી અને સિન્થિયા ચેલંગાટ ચેપક્વોનીએ એક કલાક સાત મિનિટ 32 સેકન્ડમાં દોડ પૂરી કરીને ત્રીજું સ્થાન મેળવ્યું.

- Advertisement -

ભારતીયોમાં શૈલેશ બન્યા ચેમ્પિયન

શૈલેશ કુશવાહાએ ભારતીય પુરુષ એલીટ વર્ગમાં એક કલાક પાંચ મિનિટ પાંચ સેકન્ડના સમય સાથે પ્રથમ સ્થાન મેળવ્યું. ગૌરવ માથુર એક કલાક પાંચ મિનિટ 11 સેકન્ડના સમય સાથે બીજા અને હેમંત કુમાર એક કલાક પાંચ મિનિટ 37 સેકન્ડના સમય સાથે ત્રીજા સ્થાને રહ્યા. ભારતીય મહિલા એલીટ વર્ગમાં અંકિતા ધ્યાની એક કલાક 12 મિનિટ 46 સેકન્ડમાં દોડ પૂરી કરીને પ્રથમ સ્થાને રહી. સોનિયા એક કલાક 14 મિનિટ 56 સેકન્ડના સમય સાથે બીજા અને ભાગીરથી એક કલાક 15 મિનિટ 51 સેકન્ડના સમય સાથે ત્રીજા સ્થાને રહી.

- Advertisement -

ચેમ્પિયનો પર ઇનામી રકમનો વરસાદ

વેદાંતા દિલ્હી હાફ મેરેથોન 2026માં કુલ 2,75,732 ડૉલરની ઇનામી રકમ રાખવામાં આવી હતી. પુરુષ અને મહિલા એલીટ વર્ગના વિજેતાઓને 27,000-27,000 ડૉલર આપવામાં આવ્યા. ભારતીય એલીટ પુરુષ અને મહિલા વર્ગમાં પ્રથમ ત્રણ સ્થાન મેળવનારા દોડવીરોને અનુક્રમે 3.50 લાખ, 2.50 લાખ અને 1.50 લાખ રૂપિયાની ઇનામી રકમ મળશે. વર્લ્ડ એથ્લેટિક્સ ગોલ્ડ લેબલ રેસમાં ભાગ લેવા માટે રાષ્ટ્રીય રાજધાનીના રસ્તાઓ પર 40,000થી વધુ દોડવીરો ઉતર્યા. આ વખતે સ્પર્ધાનો માર્ગ બદલવામાં આવ્યો હતો. હાફ મેરેથોન અને ઓપન 10 કિલોમીટર દોડ સહિત તમામ મુખ્ય સ્પર્ધાઓ જવાહરલાલ નેહરુ સ્ટેડિયમથી શરૂ થઈ અને ત્યાં જ પૂરી થઈ.

Share This Article