Surat Suspicious Paneer: સુરતમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા સામે સવાલ ઊભા કરતી ઘટના સામે આવી છે. શહેરના બમરોલી રોડ પર આવેલી એક મિલ્ક પ્રોડક્ટ બનાવતી પેઢી પર વિવિધ સરકારી વિભાગોની સંયુક્ત ટીમે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન 398 કિલો શંકાસ્પદ પનીર મળી આવતાં અધિકારીઓએ તેનો જથ્થો જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત અંદાજે રૂ. 1.11 લાખ હોવાનું જાણવા મળ્યું છે.
અમૃત મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટમાં તપાસ
મળતી માહિતી મુજબ, બમરોલી રોડ પર આવેલી એશિયાડ ઇન્ડસ્ટ્રીઝમાં કાર્યરત અમૃત મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ ખાતે ક્રાઈમ બ્રાન્ચ, ગાંધીનગર સ્ટાફ અને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય તથા ફૂડ વિભાગે સંયુક્ત તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મોટી માત્રામાં શંકાસ્પદ પનીર મળી આવ્યું હતું.
પનીરના નમૂના લેબોરેટરીમાં મોકલાયા
અધિકારીઓએ સ્થળ પરથી લો ફેટ ફ્રેશ પનીરના નમૂના લઈને સુરત મહાનગરપાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા છે. પનીરમાં ભેળસેળ છે કે નહીં તે અંગેનો ખુલાસો લેબોરેટરીના અહેવાલ બાદ થશે.
સંસ્થાને નોટિસ, આગળની કાર્યવાહી રિપોર્ટના આધારે
આરોગ્ય વિભાગે સંબંધિત સંસ્થાને નોટિસ ફટકારી છે. હાલ પનીર ભેળસેળયુક્ત હોવાની પુષ્ટિ થઈ નથી. તપાસના પરિણામના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાએ ફરી એકવાર ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને લોકોના આરોગ્યની સુરક્ષાને લઈને ચિંતા ઊભી કરી છે.

