Dhanush Supports Sai Pallavi As Sita: ‘રામાયણમ્’માં માતા સીતાના પાત્ર માટે સાઈ પલ્લવીના નામની જાહેરાત થઈ ત્યારથી જ તેની પસંદગીને લઈને ટીકા શરૂ થઈ હતી. ઘણા લોકોએ તેમની સરખામણી રામાનંદ સાગરની ‘સીતા’ દીપિકા ચિખલિયા સાથે કરી હતી. હવે ફિલ્મ રિલીઝ થયા પછી પણ ટીકાકારો કહી રહ્યા છે કે સાઈના દેખાવ અને વાંકડિયા વાળ માતા સીતાની પરંપરાગત અને ‘દિવ્ય’ છબી સાથે મેળ ખાતા નથી. જોકે, આ બધાની વચ્ચે તમિલ સુપરસ્ટાર ધનુષે સાઈ પલ્લવીનું સમર્થન કર્યું છે. 43 વર્ષના ધનુષે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આખા ભારતમાં શોધવામાં આવ્યું હોત તો પણ માતા સીતાના પાત્રને એટલો ન્યાય બીજું કોઈ આપી શક્યું ન હોત, જેટલો સાઈ પલ્લવીએ આપ્યો છે.
ધનુષનું આ સમર્થન એવા સમયે આવ્યું છે, જ્યારે નિતેશ તિવારીના દિગ્દર્શનમાં બનેલી ‘રામાયણમ્’ના એક દૃશ્યમાં માતા સીતા (સાઈ પલ્લવી)ને ભગવાન રામ (રણબીર કપૂર) સાથે રાક્ષસોની સેના સામે તલવાર લઈને લડતાં યોદ્ધા તરીકે દર્શાવવામાં આવ્યાં છે. દર્શકો અને સમીક્ષકોનું કહેવું છે કે વાલ્મીકિની ‘રામાયણ’માં ક્યાંય પણ સીતાએ યુદ્ધ લડ્યું હોવાનો ઉલ્લેખ નથી. જોકે, નિતેશ તિવારીએ સ્પષ્ટ કર્યું છે કે ફિલ્મ માટે તેમણે ‘અદ્ભુત રામાયણ’ ગ્રંથમાંથી પ્રેરણા લીધી છે, જેમાં માતા સીતાને યોદ્ધા રાજકુમારી તરીકે દર્શાવવામાં આવ્યાં છે.
ધનુષે કહ્યું- ‘રામાયણમ્’માં સાઈ પલ્લવીની પસંદગી અંગેની ચર્ચા સમજાતી નથી
ધનુષ આ દિવસોમાં પોતાની ફિલ્મ ‘ઓમ: ચેપ્ટર 1’ના પ્રચારમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેમની સાથે સાઈ પલ્લવી પણ છે. ધનુષના રાજકારણમાં પ્રવેશની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. ધનુષે સાઈ પલ્લવીની પ્રામાણિકતા અને પ્રતિભાનાં પણ ખુલ્લા મનથી વખાણ કર્યાં છે. અભિનેતાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, ‘મને ‘રામાયણમ્’માં સીતાની ભૂમિકા માટે સાઈ પલ્લવીની પસંદગી કરવામાં આવી તેને લઈને થઈ રહેલી ચર્ચા સમજાતી નથી. મને લાગે છે કે આખા ભારતમાં શોધવામાં આવ્યું હોત તો પણ આ પાત્રને આટલો યોગ્ય ન્યાય બીજું કોઈ આપી શક્યું ન હોત.’
ધનુષે જણાવ્યું- સેટ પરના વિરામ દરમિયાન પણ સાઈ પ્રાર્થના કરતાં રહે છે
ધનુષે ‘ઓમ’ના ફિલ્મ રિલીઝ પહેલાં યોજાયેલા કાર્યક્રમમાં પહેલાં તો ‘રામાયણમ્’ની રિલીઝ માટે સાઈ પલ્લવીને શુભેચ્છાઓ આપી. ત્યાર બાદ તેમણે કહ્યું, ‘તેમના સીતાના પાત્રને લઈને ખૂબ હોબાળો થઈ રહ્યો છે. મને આ સમજાતું નથી. શૂટિંગ દરમિયાન વિરામના સમયે પણ તેઓ સતત પ્રાર્થના કરતાં રહેતાં હતાં. તેઓ ઈશ્વરમાં ઊંડી શ્રદ્ધા ધરાવતી અને ખૂબ જ પવિત્ર હૃદય ધરાવતી વ્યક્તિ છે. તેઓ ખૂબ સુંદર દેખાય છે અને એક ઉત્તમ કલાકાર છે.’
‘આ પાત્ર ભજવવું સરળ નહોતું, તેમણે હિંમતથી તક સ્વીકારી’
છ વખત નેશનલ ફિલ્મ અવોર્ડ જીતી ચૂકેલા ધનુષે ‘મારી 2’માં સાઈ સાથે કામ કરવાના અનુભવને યાદ કરતાં કહ્યું, ‘તે સમયે સાઈ પલ્લવી કેમેરાની પાછળ ખૂબ શાંત રહેતાં હતાં અને બહુ ઓછું બોલતાં હતાં. નવ વર્ષ પછી જ્યારે અમે ‘OM’માં ફરી સાથે કામ કરી રહ્યા છીએ, ત્યારે હું જોઈ રહ્યો છું કે તેમના આત્મવિશ્વાસમાં ઘણો બદલાવ આવ્યો છે. તેઓ ત્યાં એવી રીતે ઊભાં હતાં, જાણે તેમણે સિનેમાની કળામાં સંપૂર્ણ નિપુણતા મેળવી લીધી હોય. તેમના હાવભાવ અને અંદાજમાં અદ્ભુત આત્મવિશ્વાસ હતો. આ ખરેખર આશ્ચર્યજનક હતું. આ પાત્ર ભજવવું બિલકુલ સરળ નહોતું, પરંતુ તેમણે હિંમતથી આ તક સ્વીકારી અને તેને ખૂબ સારી રીતે ભજવ્યું.’
‘ઓમ: ચેપ્ટર 1’માં CBI અધિકારી બન્યાં છે સાઈ પલ્લવી
ધનુષની ફિલ્મ ‘ઓમ: ચેપ્ટર 1’માં સાઈ પલ્લવીએ CBI અધિકારી નિત્યા રેડ્ડીની ભૂમિકા ભજવી છે. તેમને ફિલ્મમાં લાલ ચંદનની ગેરકાયદે હેરાફેરીની તપાસની જવાબદારી સોંપવામાં આવી છે. ફિલ્મની પહેલી ઝલકમાં તેમના પાત્રના ભૂતકાળની પણ એક ઝલક જોવા મળે છે, જેમાં તેમણે એવી કોઈ વસ્તુ ગુમાવી છે, જેની ભરપાઈ થઈ શકે તેમ નથી. ‘ઓમ: ચેપ્ટર 1 – ઉધિરમ: ધ બ્લડ વુડ’ એક એક્શન-ડ્રામા થ્રિલર ફિલ્મ છે, જે 20 નવેમ્બર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તેનું દિગ્દર્શન રાજકુમાર પેરિયાસામીએ કર્યું છે. ફિલ્મમાં ધનુષ અને સાઈ પલ્લવી ઉપરાંત મમૂટી, શ્રીલીલા અને નસીરુદ્દીન શાહ પણ છે.

