IRCTC Unauthorized Food Websites List: ટ્રેનમાં લાંબી મુસાફરી દરમિયાન પોતાની સીટ પર જમવાનું મંગાવવાની સુવિધા ઘણા મુસાફરો માટે ઉપયોગી બની છે. જોકે, ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતી વખતે થતી છેતરપિંડીથી બચવું પણ એટલું જ જરૂરી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)એ મુસાફરો માટે મહત્ત્વની ચેતવણી જાહેર કરી છે. IRCTCએ 14 અનધિકૃત ફૂડ ડિલિવરી વેબસાઇટ્સની યાદી બહાર પાડી છે અને મુસાફરોને આ વેબસાઇટ્સ પરથી જમવાનું મંગાવવાનું ટાળવાની સલાહ આપી છે.
લાંબી મુસાફરી દરમિયાન મુસાફરો ઘણીવાર મોબાઇલ એપ્લિકેશન અને વેબસાઇટ દ્વારા ભોજનનો ઓર્ડર આપે છે. પરંતુ દરેક વેબસાઇટ વિશ્વસનીય હોય તે જરૂરી નથી. કેટલીક બિનસત્તાવાર સેવાઓ દ્વારા મુસાફરોને નબળી ગુણવત્તાનું ભોજન મળવાની સાથે તેમની અંગત માહિતી અને નાણાં પણ જોખમમાં મુકાઈ શકે છે.
ખરાબ ગુણવત્તાના ભોજનથી આરોગ્યને નુકસાન થવાની શક્યતા
IRCTCના જણાવ્યા અનુસાર, કેટલીક અનધિકૃત વેબસાઇટ્સ એવા રેસ્ટોરન્ટ્સ સાથે જોડાયેલી હોય છે, જેમની પાસે જરૂરી ફૂડ લાઇસન્સ હોતું નથી અથવા જેઓ FSSAIના નિયમોનું પાલન કરતા નથી. આવી જગ્યાએ ભોજન બનાવતી વખતે સ્વચ્છતા અને ગુણવત્તા અંગે પૂરતી કાળજી લેવામાં ન આવતી હોવાની શક્યતા રહે છે. ભોજન તૈયાર કરનારા કર્મચારીઓની જરૂરી તબીબી તપાસ ન થવાને કારણે પણ મુસાફરોના આરોગ્ય સામે જોખમ ઊભું થઈ શકે છે.
ઓનલાઈન પેમેન્ટમાં છેતરપિંડીનું જોખમ
અનધિકૃત વેબસાઇટ્સ પર ઓર્ડર આપતી વખતે મુસાફરોની બેન્કિંગ વિગતો, PNR નંબર અને ઈ-મેઇલ જેવી અંગત માહિતીનો દુરુપયોગ થઈ શકે છે. પરિણામે સાયબર છેતરપિંડી થવાની શક્યતા રહે છે.
કેટલાક કિસ્સાઓમાં ઓર્ડર સમયસર પહોંચતો નથી અથવા છેલ્લી ઘડીએ રદ થઈ જાય છે. આવી સ્થિતિમાં યોગ્ય ગ્રાહક સેવા ન મળવાથી રિફંડ મેળવવામાં પણ મુશ્કેલી પડી શકે છે.
IRCTCએ જાહેર કરી 14 અનધિકૃત વેબસાઇટ્સની યાદી
IRCTCએ મુસાફરોને નીચેની વેબસાઇટ્સથી દૂર રહેવાની સલાહ આપી છે.
RAILRESTRO.COM
RAILRESTRO.IN
RAILMITRA.COM
TRAVELKHANA.COM
TRAIN SCAFE.COM
DIBRAIL.COM
RAILFOOD.NET
TRAVELERFOOD.COM
FOODONTRACK.IN
ECATERING.APP
KHANAONLINE.IN
TRAINWAY.IN
RAILMEAL.COM
TRAINMENU.COM
ટ્રેનમાં જમવાનું મંગાવવા માટે કયા વિકલ્પો પસંદ કરવા?
IRCTCએ મુસાફરોને અધિકૃત માધ્યમો દ્વારા જ ભોજનનો ઓર્ડર આપવા જણાવ્યું છે. મુસાફરો IRCTCની ઈ-કેટરિંગ વેબસાઇટ ecatering.irctc.co.in પર જઈને પોતાનો PNR નંબર દાખલ કરી ભોજન બુક કરાવી શકે છે. આ ઉપરાંત ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પરથી ‘Food on Track’ એપ ડાઉનલોડ કરીને પણ ઓર્ડર આપી શકાય છે.
મુસાફરો ઈ-કેટરિંગ હેલ્પલાઇન નંબર 1323 પર સંપર્ક કરીને પણ પોતાની સીટ પર ભોજન મંગાવી શકે છે. IRCTCએ Zomato, Swiggy, Zoop, RailYatri અને RailRecipe જેવા અધિકૃત ફૂડ ડિલિવરી પાર્ટનર્સનો ઉપયોગ કરવાની સલાહ આપી છે.
આથી, ટ્રેનમાં ઓનલાઈન જમવાનું મંગાવતા પહેલાં વેબસાઇટ અથવા એપની અધિકૃતતા તપાસવી જરૂરી છે. થોડી સાવચેતી રાખવાથી મુસાફરો ભોજનની સાથે પોતાની અંગત માહિતી અને નાણાં પણ સુરક્ષિત રાખી શકે છે.

