ન્યૂઝીલેન્ડની ધરતી પર ભારતીય બેટ્સમેનોનો ધમાકો, ટોપ-4 ખેલાડીઓની અડધી સદીથી 94 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો
India Test Cricket Record: ન્યૂઝીલેન્ડ સામે વેલિંગ્ટનના બેસિન રિઝર્વ મેદાન પર રમાઈ રહેલી બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય બેટ્સમેનોનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. યજમાન ટીમની પ્રથમ ઇનિંગ્સ 368 રનમાં સમેટ્યા બાદ ભારતે બીજા દિવસે 159/1ના સ્કોરથી આગળ રમતાં ત્રીજા દિવસે 105 ઓવર પૂરી થતાં સુધીમાં 3 વિકેટ ગુમાવીને 389 રન બનાવી લીધા હતા અને મેચ પર મજબૂત પકડ મેળવી હતી. કિવી બોલરો સામે ભારતીય ટોપ ઓર્ડરના બેટ્સમેનોએ એક એવો ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે, જે છેલ્લા 94 વર્ષના ટેસ્ટ ઇતિહાસમાં અગાઉ ક્યારેય જોવા મળ્યો નહોતો.
94 વર્ષમાં પ્રથમવાર બન્યું આવું
ખરેખર, વેલિંગ્ટન ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં ભારતના ટોપ-4 બેટ્સમેનોએ 50 કે તેથી વધુ રન બનાવીને નવો ઇતિહાસ રચ્યો છે. ભારતીય ટેસ્ટ ક્રિકેટના 94 વર્ષના ઇતિહાસમાં આ પ્રથમ પ્રસંગ છે, જ્યારે સેના દેશો એટલે કે દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઑસ્ટ્રેલિયાની ધરતી પર ભારતના ટોપ-4 બેટ્સમેનોએ એક જ ઇનિંગ્સમાં અડધી સદીનો આંકડો પાર કર્યો હોય.
સમગ્ર ટેસ્ટ ઇતિહાસમાં આ 12મો પ્રસંગ છે, જ્યારે ભારતના ટોપ ઓર્ડરના ચારેય બેટ્સમેનોએ 50થી વધુ રન બનાવ્યા છે. જ્યારે એશિયાની બહાર આવું માત્ર બીજી વખત બન્યું છે. આ પહેલાં વર્ષ 2006માં વેસ્ટ ઇન્ડીઝ સામે બેસેટેરમાં આવું જોવા મળ્યું હતું.
જયસ્વાલ અને રાહુલનું શાનદાર પ્રદર્શન
ભારતીય બેટ્સમેનોના આ યાદગાર પ્રદર્શનનો પાયો ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલે નાખ્યો હતો. શુક્રવારે જયસ્વાલે 89 બોલમાં 85 રનની આક્રમક ઇનિંગ્સ રમીને રાહુલ સાથે પ્રથમ વિકેટ માટે 130 રનની ભાગીદારી કરી હતી. જોકે, તે પોતાની સદી પૂરી કરી શક્યો નહોતો.
ત્યારબાદ ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવેલા દેવદત્ત પડિક્કલે પણ શાનદાર સંયમ બતાવીને 80 રનની ઇનિંગ્સ રમી હતી અને રાહુલ સાથે બીજી વિકેટ માટે 165 રન જોડ્યા હતા. પડિક્કલ પણ સદીની નજીક પહોંચીને આઉટ થયો હતો.
જોકે, ચોથા ક્રમે બેટિંગ કરવા આવેલા કેપ્ટન શુભમન ગિલે આક્રમક અંદાજ બતાવ્યો હતો. તેણે 101મી ઓવરમાં જેકબ ડફીની બોલ પર છગ્ગો ફટકારીને માત્ર 66 બોલમાં ન્યૂઝીલેન્ડની ધરતી પર પોતાની પ્રથમ ટેસ્ટ અડધી સદી પૂરી કરી હતી.
કેએલ રાહુલની શાનદાર સદી
ભારતીય ઇનિંગ્સનો સૌથી મોટો નાયક કેએલ રાહુલ રહ્યો હતો. તેણે 136 રનની શાનદાર સદી ફટકારીને અનેક મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા.
આ સદી સાથે જ રાહુલ ન્યૂઝીલેન્ડની ધરતી પર પોતાની પ્રથમ જ ટેસ્ટ ઇનિંગ્સમાં સદી ફટકારનાર માત્ર ત્રીજો ભારતીય બેટ્સમેન બન્યો છે. તેના પહેલાં આ ખાસ સિદ્ધિ માત્ર દિગ્ગજ સુનીલ ગાવસ્કર અને સુરિન્દર અમરનાથના નામે નોંધાયેલી હતી.
વર્ષ 1976માં ઑકલૅન્ડના ઈડન પાર્કમાં રમાયેલી પોતાની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં સુનીલ ગાવસ્કરે 116 રન અને સુરિન્દર અમરનાથે 124 રન બનાવીને સદી ફટકારી હતી.

