ઓલા-ઉબરના ઓછા ભાડા અને ખાનગી વાહનો સામે રોષ, અમદાવાદમાં 17 યુનિયનના રિક્ષા-ટેક્સી ચાલકોનું પ્રદર્શન
Ahmedabad auto taxi protest RTO: અમદાવાદમાં રિક્ષા અને ટેક્સી ચાલકોના પડતર પ્રશ્નોને લઈને બુધવારે 25 નવેમ્બરે સુભાષ બ્રિજ સ્થિત RTO કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઓનલાઈન બુકિંગમાં ઓછું ભાડું મળતું હોવાની ફરિયાદ અને ખાનગી નંબર પ્લેટ ધરાવતાં વાહનો ટેક્સી તરીકે ચલાવવામાં આવતા હોવાના આક્ષેપ સાથે 17 યુનિયનના ચાલકો એકઠા થયા હતા. ચાલકોએ તંત્ર સામે સૂત્રોચ્ચાર કરીને પોતાની માગણીઓનો વહેલી તકે ઉકેલ લાવવાની માગ કરી હતી.
ઓલા, ઉબર અને રેપિડો સામે નારાજગી
રિક્ષા-ટેક્સી યુનિયનોના જણાવ્યા અનુસાર, ઓલા, ઉબર અને રેપિડો જેવી કંપનીઓના માધ્યમથી બુક થતી રિક્ષા અને ટેક્સીમાં મળતા ઓછા ભાડાને કારણે ચાલકોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. આ ઉપરાંત સફેદ નંબર પ્લેટ ધરાવતાં ખાનગી વાહનોનો ટેક્સી તરીકે ઉપયોગ થતો હોવાનો પણ તેમનો આક્ષેપ છે. યુનિયનોની માગ છે કે આવા વાહનો સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે.
ત્રણ દિવસનું અલ્ટીમેટમ, 6 બ્રિજ બંધ કરવાની ચીમકી
પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં ચાલકો બોર્ડ અને બેનર સાથે RTO કચેરી પહોંચ્યા હતા. સ્થિતિ ઉગ્ર બનતાં RTO અધિકારીઓએ બહાર આવી ચાલકો સાથે વાતચીત કરી અને પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી.
પ્રગતિ રિક્ષાચાલક યુનિયનના પ્રમુખે ચીમકી આપી છે કે જો ત્રણ દિવસમાં કોઈ નિર્ણય નહીં આવે તો સાબરમતી નદી પરના પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડતા તમામ છ બ્રિજ પર વાહનવ્યવહાર રોકીને વિરોધ કરવામાં આવશે.
કંપનીઓને નોટિસ, શનિવારે નિર્ણયની શક્યતા
આ પ્રશ્નોને લઈને યુનિયનો સપ્ટેમ્બર મહિનાથી રજૂઆતો કરી રહ્યાં છે. RTOએ 27 ઓક્ટોબરે ઓલા, ઉબર અને રેપિડો કંપનીઓના એગ્રિગેટરને શો-કોઝ નોટિસ આપી હતી. કંપનીઓએ પોતાના જવાબ પણ રજૂ કર્યા છે.
RTO ઇન્સ્પેક્ટરના જણાવ્યા અનુસાર, કંપનીઓના ખુલાસાની તપાસ બાદ શનિવાર સુધીમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. હવે તંત્રની કાર્યવાહીથી ચાલકોના પ્રશ્નો ઉકેલાય છે કે નહીં તેના પર સૌની નજર છે.

