South Africa vs Bangaldesh Test: દક્ષિણ આફ્રિકાએ શાનદાર દેખાવ કરીને બીજી ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશને એક ઇનિંગ અને 219 રનથી હરાવ્યું. સુપર સ્પોર્ટ્સ પાર્કના મેદાન પર બાંગ્લાદેશના બેટ્સમેનોનું બીજી ઇનિંગમાં પણ નિરાશાજનક પ્રદર્શન રહ્યું અને આખી ટીમ માત્ર 184 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ.
બીજી ઇનિંગમાં બાંગ્લાદેશ તરફથી તન્ઝિદ હસન તમીમ અને મહફિઝુલ ઇસ્લામે સંભાળીને શરૂઆત કરી હતી અને પ્રથમ વિકેટ માટે 58 રન જોડ્યા હતા. તન્ઝિદ 29 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે મહફિઝુલ 38 રન કર્યા બાદ પેવેલિયન પરત ફર્યો હતો. મોમિનુલ હક પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહોતો. બીજી તરફ, કેપ્ટન નજમુલ હુસૈન શાંતો 34 રન બનાવ્યા બાદ વિયાન મુલ્ડરનો શિકાર બન્યો હતો. તૌહીદ હૃદય પણ સારી શરૂઆતનો લાભ ઉઠાવી શક્યો નહોતો અને 33 બોલમાં 41 રન બનાવીને આઉટ થયો હતો.
લિટન દાસે 15 રન બનાવ્યા હતા, જ્યારે જાકેર અલી માત્ર 2 રન જ કરી શક્યો હતો. શરીફુલ ઇસ્લામ (0) અને તસ્કીન અહમદ (10 રન) પણ બેટિંગમાં ખાસ કમાલ કરી શક્યા નહોતા. ખલીલ અહમદ 5 રન બનાવીને આઉટ થયો હતો.
બીજી ઇનિંગમાં દક્ષિણ આફ્રિકા તરફથી વિયાન મુલ્ડરે શાનદાર બોલિંગ કરતાં 11 ઓવરના સ્પેલમાં 31 રન આપીને 7 વિકેટ ઝડપી હતી, જ્યારે માર્કો યાનસને 2 વિકેટ પોતાના નામે કરી હતી. કાગિસો રબાડાએ એક વિકેટ ઝડપી હતી.
પ્રથમ ઇનિંગમાં 91 રનમાં સમેટાઈ હતી બાંગ્લાદેશની ટીમ
બાંગ્લાદેશની આખી ટીમ પ્રથમ ઇનિંગમાં માત્ર 91 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 7 વિકેટ ગુમાવીને 494 રન બનાવ્યા બાદ પોતાની ઇનિંગ જાહેર કરી હતી.
દક્ષિણ આફ્રિકા તરફથી માર્ક્વેસ એકરમેને 150 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે વિયાન મુલ્ડરે પણ સદી ફટકારી હતી. ટોની ડી જ્યોર્જી (66 રન) અને માર્કો યાનસન (અણનમ 67 રન)એ પણ અડધી સદી ફટકારી હતી.
મેચમાં 8 વિકેટ ઝડપવાની સાથે સદી ફટકારવા બદલ વિયાન મુલ્ડરને ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો હતો. આ જીત સાથે જ દક્ષિણ આફ્રિકાએ બે મેચની ટેસ્ટ શ્રેણી 2-0થી પોતાના નામે કરી હતી. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ટેસ્ટ મેચ 9 વિકેટથી જીતી હતી.

