Rajkot Expert ISS Radio Contact: કલાકના 28,000 કિમીની ઝડપે ફરતા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે જીવંત સંપર્કનું નિદર્શન
Rajkot Expert ISS Radio Contact: રાજકોટના એક ટેક્નોલોજી નિષ્ણાત હવે અવકાશમાં પૃથ્વીથી આશરે 400 કિલોમીટરની ઊંચાઈએ કલાકના 28,000 કિલોમીટરની ઝડપે ફરી રહેલા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) સાથે સીધો રેડિયો સંપર્ક સ્થાપિત કરવાનું જીવંત નિદર્શન કરશે. આ પ્રયોગ દ્વારા અવકાશી સંચારની ટેક્નોલોજીનો પરિચય દેશ-વિદેશના નિષ્ણાતોને મળશે.
સ્પેસ સ્ટેશન સાથે સીધો રેડિયો સંપર્ક
રાજકોટના હેમ રેડિયો અને સેટેલાઇટ કમ્યુનિકેશન નિષ્ણાત રાજેશ વાગાડિયાને કર્ણાટકના મેંગલુરુમાં 28 અને 29 નવેમ્બરે યોજાનારા હેમફેસ્ટ ઇન્ડિયા-2026માં વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ દેશભરના હેમ રેડિયો ઓપરેટરો, અવકાશપ્રેમીઓ અને ટેક્નોલોજી નિષ્ણાતો સમક્ષ અવકાશી સંચારનું જીવંત નિદર્શન કરશે.
આ ઉપરાંત, તેઓ રશિયન ઉપગ્રહ UMX-1A દ્વારા લેવામાં આવેલી તસવીરો પણ મેળવીને બતાવશે. આ પ્રયોગ માટે રાજેશ વાગાડિયા રાજકોટથી પોતાનું સંપૂર્ણ પોર્ટેબલ સેટેલાઇટ સ્ટેશન મેંગલુરુ લઈ ગયા છે. તેમાં હેન્ડહેલ્ડ રેડિયો, ટ્રાન્સસીવર, વિશેષ એન્ટેના અને સેટેલાઇટ ટ્રેકિંગ સિસ્ટમનો સમાવેશ થાય છે.
દુનિયાભરના હેમ રેડિયો ઓપરેટરો જોડાશે
હેમફેસ્ટ ઇન્ડિયા-2026ના આ જીવંત નિદર્શન માટે ભારત સહિત વિદેશના હેમ રેડિયો ઓપરેટરોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. રાજેશ વાગાડિયા પોતાના કોલસાઇનથી સંપર્ક માટે સિગ્નલ મોકલશે, જેના જવાબમાં દુનિયાભરના ઓપરેટરો રેડિયો દ્વારા સંપર્ક કરશે. સફળતાપૂર્વક સંપર્કની પુષ્ટિ કરનારા ઓપરેટરોને વિશેષ QSL કાર્ડ પણ આપવામાં આવશે.
એન્ટેના અને ફ્રિકવન્સીનું સચોટ નિયંત્રણ જરૂરી
ISS સાથે સીધો સંપર્ક સ્થાપિત કરવા માટે એન્ટેનાની દિશા અને રેડિયો ફ્રિકવન્સીનું ચોક્કસ નિયંત્રણ જરૂરી છે. અવકાશ મથક ખૂબ જ ઝડપથી પૃથ્વીની પરિક્રમા કરતું હોવાથી સંપર્ક સ્થાપિત કરવો ટેક્નિકલ રીતે પડકારજનક છે. આ સમગ્ર પ્રક્રિયા નિષ્ણાતો સમક્ષ રજૂ કરવામાં આવશે.
રશિયન ઉપગ્રહ દર 94.6 મિનિટે પૃથ્વીનું ચક્કર લગાવે છે
રશિયન ઉપગ્રહ પૃથ્વીથી આશરે 491થી 506 કિલોમીટરની ઊંચાઈએ ફરે છે. તે દર 94.6 મિનિટે પૃથ્વીનું એક ચક્કર પૂર્ણ કરે છે. તેની ગતિ પ્રતિ સેકન્ડ આશરે 7.61 કિલોમીટર એટલે કે કલાકના લગભગ 27,400 કિલોમીટર છે. આટલી ઝડપે ફરતા ઉપગ્રહમાંથી તસવીરો મેળવવી પણ ટેક્નિકલ રીતે પડકારજનક છે.

