`નીટ’ની પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે સુપ્રીમ કોર્ટનું કડક વલણ

Reena Brahmbhatt
2 Min Read

નવી દિલ્હી, તા. 18 : નીટ પરીક્ષામાં ગેરરીતિને લઈને સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું હતું કે, સિસ્ટમ સાથે ચેડાં કરીને કોઈ ડોક્ટર બની ગયું તો એ બહુ ખોટું થશે. નીટ-યુજી 2024ની પરીક્ષામાં ક્યાંય પણ 0.001 ટકા પણ ખોટું થયું હોય તો તેની સંપૂર્ણ તપાસ કરી પગલાં લેવાં જોઇએ. અદાલતે આ મામલે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) અને કેન્દ્ર સરકારનો જવાબ માગ્યો છે અને આઠમી જુલાઈએ ફરી સુનાવણી કરશે. આવી પરીક્ષાની તૈયારીઓ માટે વિદ્યાર્થીઓ સખત મહેનત કરે છે એમ જણાવીને સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, તેમની મહેનતને નજરઅંદાજ કરી શકાય નહીં. જો સિસ્ટમમાં કંઈક ખોટું કરીને કોઈ તબીબ બની ગયું તો સમાજ માટે અત્યંત જોખમી બાબત બની જશે. જો નીટ પરીક્ષાનાં સંચાલનમાં 0.001 ટકા પણ ગરબડ કે ગેરરીતિ હોય તો તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. ન્યાયાધીશ વિક્રમનાથ અને ન્યાયાધીશ એસ.વી.એન. ભટ્ટીની ખંડપીઠે એનટીએના વકીલોને જણાવ્યું હતું કે, પરીક્ષા આયોજિત કરનારી જવાબદાર એજન્સી તરીકે તેમાં જો કંઈ ભૂલ થઈ હોય તો તમારે દૃઢ રહીને કહેવું જોઈએ કે હા ભૂલ થઈ છે અને અમે આ પગલાં લેવાં જઈ રહ્યાં છીએ. તેનાથી કમ સે કમ તમારી કામગીરીમાં વિશ્વાસ તો ઊભો થશે.

neet twice a year health ministry says this

- Advertisement -

એનટીએ અને કેન્દ્ર તેમનો નવો જવાબ બે સપ્તાહમાં રજૂ કરશે. નીટ પરીક્ષામાં પહેલીવાર એવું થયું હતું કે, 67 ઉમેદવારને 720માંથી 720 ગુણ મળ્યા હતા. છ ટોપર હરિયાણાના બહાદુરગઢના હરદયાલ પબ્લિક સ્કૂલના હતા અને શંકાના ઘેરામાં આવેલી આ સ્કૂલ ભાજપના યુવા મોરચાના ઝજ્જર જિલ્લા પ્રમુખ શેખર યાદવના પરિવારની છે. અહીં પ04 ઉમેદવારે નીટની પરીક્ષા આપી હતી. ઉલ્લેખનીય છે કે, દેશના શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સ્વીકાર્યું છે કે, નીટ પરીક્ષાનાં પરિણામમાં કેટલીક ગરબડો થઇ છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)માં સુધારા કરવાની જરૂરત છે, તેવું પણ પ્રધાને માન્યું હતું. તેમણે કહ્યું હતું કે, જે પણ મોટા અધિકારી તેમાં સામેલ હશે, તેમને છોડી નહીં દેવાય.

Share This Article