નવી દિલ્હી, તા. 15 : મોંઘવારીનો માર સહેતી જનતા પર વધુ બોજો વધારતા હેવાલમાં જૂનમાં જથ્થાબંધ મોંઘવારીનો દર 16 મહિનાની ઊંચાઈએ પહોંચ્યો હતો. સોમવારે જારી કરાયેલા આંકડામાં જથ્થાબંધ મોંઘવારી વધીને 3.36 ટકા થઈ હતી, જેથી ખાદ્ય પદાર્થો મોંઘા થયા હતા. સાબુ-તેલ જેવી રોજિંદી વપરાશની વસ્તુઓના ભાવ પણ વધ્યા હતા. ગત ફેબ્રુઆરી-23માં હોલસેલ ફુગાવાનો દર 3.85 ટકા હતો. બીજી બાજુ ઈંધણ અને પાવરનો જથ્થાબંધ ફુગાવો 1.35 ટકાથી ઘટીને 1.03 ટકા થયો હતો.

એક મીડિયા હેવાલ મુજબ, મે મહિનામાં જથ્થાબંધ ફુગાવો વધીને 2.61 ટકાની 15 મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. અગાઉ એપ્રિલ માસમાં ફુગાવો 1.26 ટકા હતો. બીજી તરફ શુક્રવારે છૂટક મોંઘવારી દરમાં પણ વધારો નોંધાયો હતો. જૂનમાં ખાદ્ય ફુગાવાનો દર 1.28 ટકા વધતાં મે માસની સરખામણીએ 7.40 ટકાથી વધીને 8.68 ટકા થયો હતો. દૈનિક આવશ્યક ચીજવસ્તુઓનો મોંઘવારી દર 7.20 ટકાથી વધીને 8.80 ટકા થયો છે. જથ્થાબંધ મોંઘવારીમાં લાંબા સમય સુધી વધારાથી મોટા ભાગના ઉત્પાદક ક્ષેત્રો પર નકારાત્મક અસર પડે છે, જેનો બોજ ગ્રાહકો પર પડે છે.

