બેંગ્લોર, તા. 26 : એમયુડીએના જમીન કૌભાંડમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે કેસ ચલાવવા માટે હાઈકોર્ટે મંજૂરી આપી દીધી છે અને ભાજપે સીબીઆઈ તપાસની માંગ કરી છે એવા સમયે જ રાજ્ય સરકારે કર્ણાટકમાં સીબીઆઈને કેસોની બેરોકટોક તપાસ કરવાની પરવાનગી પાછી ખેંચવાનો નિર્ણય લીધો હતો. કર્ણાટકના ગૃહમંત્રી એચ.કે. પાટિલે આ નિર્ણયનો ખુલાસો કરતાં આક્ષેપ કર્યો હતો કે સીબીઆઈનો દુરુપયોગ થઈ રહ્યો છે. એજન્સીએ જે કેસોની તપાસ કરી તેમાં આરોપનામું પણ દાખલ કર્યું નથી.

આ નિર્ણયને એમયુડીએના મામલા સાથે કોઈ સંબંધ નથી. સીબીઆઈ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ (ડીપીએસઈએ) હેઠળ કામ કરે છે અને નિયમ મુજબ તે દિલ્હી પોલીસનું ખાસ એકમ ગણાય છે એટલે જ તેણે રાજ્યોમાં કેસોની તપાસ અને કાર્યવાહી માટે જે-તે રાજ્ય સરકારની પરવાનગીની જરૂર પડે છે.
ઉલ્લેખનીય છે કે, એમયુડીએના જમીન કેસમાં અદાલતે બુધવારે ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થા લોકાયુક્તને મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વિરુદ્ધ તપાસ કરવાનો આદેશ કર્યો હતો અને ભાજપે સીબીઆઈ તપાસની માંગ કરી છે ત્યારે જ રાજ્ય સરકારે સીબીઆઈને કર્ણાટકમાં તપાસની પરવાનગી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ સીબીઆઈને તપાસની સહમતી રદ કરનારું કર્ણાટક પશ્ચિમ બંગાળ, તામિલનાડુ અને કેરલ બાદ ચોથું રાજ્ય બન્યું છે. સિદ્ધારમૈયાના પત્નીને જમીનનો મોટો ટુકડો ખોટી રીતે અપાયો હોવાનો આક્ષેપ છે. મુખ્યમંત્રીએ આરોપો નકાર્યા છે.
રાજ્યપાલે મુખ્યમંત્રી સામે કેસ ચલાવવાની પરવાનગી આપ્યા બાદ મુખ્યમંત્રીએ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. અદાલતે પણ સિદ્ધારમૈયા સામે કેસ ચલાવાની છૂટ આપી હતી. સિદ્ધારમૈયાએ આજે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું નિર્દોષ છું. રાજીનામું આપીશ નહીં. અનેક ભાજપ નેતા જામીન પર બહાર છે. કોઈએ રાજીનામું આપ્યું છે ? તેમને શરમ નથી આવતી ?

