ગાંધીધામ, તા. 28 : ભચાઉ તાલુકાના સામખિયાળી પોલીસ મથક નજીક બસના પીકઅપ સ્ટેન્ડમાં સુતેલા શખ્સને પૂર્વ કચ્છ એસ.ઓ.જી.એ પકડી પાડી આ શખ્સ પાસેથી રૂા. 23,91,500નું માદક પદાર્થ હેરોઇન જપ્ત કર્યું હતું. સામખિયાળી ટોલ પ્લાઝાથી સામખિયાળી ગામ તરફ જતાં રાષ્ટ્રીય ધોર માર્ગ સર્વિસ રોડ પોલીસ મથક નજીક એક શખ્સ માદક પદાર્થનો જથ્થો રાખી તેના વેંચાણની ફિરાકમાં હોવાની પૂર્વ બાતમી એસ.ઓ.જી.ને મળી હતી. પોલીસ અહીં પહોંચતા બસના પીકઅપ સ્ટેન્ડમાં કેસરી રંગની પાઘડી તથા સફેદ ઝબ્બો, લેંઘો પહેરેલ એક શખ્સ મળી આવ્યો હતો. અહીં સુતેલા આ શખ્સને જગાડી પોલીસે તેની તપાસ હાથ ધરી હતી. તેના ઝબ્બાના બંને ખિસ્સામાંથી બે પરદર્શક પ્લાસ્ટીકની કોથળી મળી આવી હતી.
ગાંઠ વાળેલી કોથળી ખોલી તેમાં તપાસ કરાતા તેમાં સફેદ રંગના જુદા જુદા આકારના ગાંગડા મળી આવ્યા હતા. તેમજ બીજી કોથળીમાં આછા બદામી રંગનો ગઠો મળી આવ્યો હતો. દરમ્યાન પોલીસે એફ.એસ. એલ. અધિકારીને ખરાઇ માટે સ્થાનીકે બોલાવ્યા હતા. એફ.એસ.એલ. અધિકારીઓ પ્રાથમિક પૃથ્થકરણ કરતા આ માદક પદાર્થ હેરોઇન હોવાનું બહાર આવ્યું હતું. દિવાળીના પર્વ પહેલાં લાખોનો માદક પદાર્થ ઝડપાતાં ભારે ચકચાર પ્રસરી હતી. પકડાયેલા પંજાબ તરન તારનના પરગટસિંઘ સુલેખાનસિંઘ નામના આ શખ્સ પાસેથી પોલીસે 47.830 ગ્રામનો રૂા. 23,91,500નો હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો હતો. આ શખ્સ અગાઉ ગાંધીધામ વગેરે જગ્યાએ ડ્રાઇવર તરીકે કામ કરી ગયો છે.
તેને અહીં આ માદક પદાર્થના ગ્રાહક મળી રહેવાની આશા સાથે તે અહીં આવ્યો હતો. આ શખ્સ પોતાના ગ્રાહકોને નાની ગોળી બનાવી વેંચવાની પેરવીમાં હતો તે પહેલા પોલીસે તેને દબોચી લીધો હતો. આ શખ્સ તા. 6-10ના ફીરોઝપુર છાવનીથી પાલનપુર અને તા. 7-10ના પાલનપુરથી ગાંધીધામ જંકશનની ટિકિટ લઇને અહીં આવ્યો હતો. આ બંને ટિકિટ, એક મોબાઇલ પણ પોલીસે જપ્ત કર્યો હતો. આટલી મોટી માત્રામાં હેરોઇનનો જથ્થો તેણે કયાંથી લીધો હતો. અને અહીં ખરેખર કોને આપવાનો હતો તે અંગે પુછપરછ દરમ્યાન તેણે સાચી હકીકત જણાવી નહોતી. મીઠી રોહરની પછવાડે 830 કરોડનો માદક પદાર્થ, ખારી રોહર નજીક બે વખત કરોડોનું ડ્રગ્સ અને જોગળીનાર નજીક કરોડોના માદક પદાર્થ બીન વારસુ મળી આવ્યા હતા. પૂર્વ કચ્છમાં સમયાંતરે હેરોઇન, ગાંજો, કોકેઇન વગેરે માદક પદાર્થો ઝડપાયા છે. કરોડોની કિંમતના આવા પદાર્થો ઝડપાયા છે. ત્યારે આવા ડ્રગ્સ સાંગોપાંગ નીકળી ગયા હશે તે કેટલી કિંમતના હશે તે પ્રશ્ન છે પૂર્વ કચ્છમાં આવા માદક પદાર્થોનું ચલણ વધ્યું છે. ખૂબ જ ચિંતાજનક બાબત હોવાનું જાણકાર લોકો જણાવી રહ્યાં છે

