જબલપુર, તા. 11 : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અધ્યક્ષ મોહન ભાગવતે જણાવ્યું હતું કે, ત્રીજાં વિશ્વયુદ્ધની આશંકા ઊભી થઈ છે. અત્યારે આખી દુનિયા શાંતિની આશા માટે ભારત તરફ જોઈ રહી છે. સંઘ સુપ્રીમોએ વધુ એકવાર કહ્યું હતું કે, ભારત દેશ વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યો છે. શાંતિ બહાલ કરવાના પ્રયાસોમાં કેટલાક લોકો અવરોધ ઊભા કરે છે.
મધ્યપ્રદેશના જબલપુરમાં સંઘ નેતા ડો. ઉર્મિલા જામદારની સ્મૃતિમાં યોજિત સમારોહને સંબોધતાં ભાગવતે જણાવ્યું હતું કે, યુક્રેન-રશિયા અને ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ત્રીજાં વિશ્વયુદ્ધનો ઓછાયો છે. તેમણે કહ્યું હતું કે, વિશ્વમાં વિજ્ઞાને ગણી પ્રગતિ કરી છે, પરંતુ તેનો પૂરો લાભ હજુ ગરીબ વર્ગ સુધી પહોંચ્યો નથી. કેટલીક બીમારીઓ માટે દવાઓ ભલે દેશનાં ગામડાંઓ સુધી નથી પહોંચતી, પરંતુ અપરાધી પ્રવૃત્તિ માટે હથિયાર પહોંચી જાય છે. સંઘ વડાએ પર્યાવરણની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, પ્રદૂષણે પર્યાવરણની તબિયત બગાડતાં માણસજાત બીમારીઓથી બેહાલ છે.

