મણિપુર ફરી હિંસાની આગમાં : નેતાઓના નિવાસ પર હુમલા

Reena Brahmbhatt
2 Min Read

ઇમ્ફાલ, તા. 16 : હિંસાની આગમાં ફરી સળગવા માંડેલાં મણિપુરના જિરીબામ જિલ્લામાં એક મહિલા અને બે બાળક સહિત ત્રણ લાશ જિરી નદીમાં તરતી જોવા મળી હતી. નિર્દોષોનાં આવી રીતે મોત સામે આક્રોશ સાથે રાજ્યના અનેક જિલ્લામાં હિંસક દેખાવો શનિવારે શરૂ?થઇ ગયા હતા. રાજ્યના બે મંત્રી અને આઠ ધારાસભ્યનાં ઘરો પર હુમલા, તોડફોડ, આગ ચાંપવા સુધી હિંસા ભડકી ઊઠી હતી.

સરકારે સાત જિલ્લામાં ઇન્ટરનેટ બે દિવસ માટે બંધ કરી દીધું હતું, તો પાંચ જિલ્લામાં બેમુદ્દત કરફ્યૂનું નિયંત્રણ લાદી દેવાયું હતું. મણિપુરના કેબિનેટ મંત્રી સપમ રંજન અને થોંગમ બિસ્વજીતસિંહ તેમજ ધારાસભ્યો રાજકુમાર ઇમોસિંહ, સપમ કુંજકેશ્વર, સપમ નિશિકાંત, થાંગજન અરુણકુમાર, સાગોલશેમ કેબીદેવી, ખૈરખપમ રઘુમનીસિંહ, એસીલોકન અને કરમશ્યામનાં ઘરો પર પ્રદર્શનકારીઓએ હુમલા કરી, તોડફોડ કરી હતી, તો અનેક સ્થળો પર પથ્થરમારો, આગ ચાંપી હતી. ટાયરો સળગાવી માર્ગો પર અવરોધો સર્જ્યા હતા. આ મૃતદેહ ગત સોમવારે ભીષણ ઘર્ષણ બાદ લાપતા બનેલા લોકોના હોવાની આશંકા વ્યક્ત કરાઇ હતી. આઇજી અને ડીઆઇજી સ્તરના અધિકારીઓ જિરીબામ ધસી ગયા હતા.

- Advertisement -

દરમ્યાન ઇમ્ફાલમાં મૈતેઇ સમુદાયના લોકોએ બંધકોની સુરક્ષિત વાપસીની માંગ સાથે મિણબત્તી લઇને વિરોધ પ્રદર્શન કર્યું હતું. સંદિગ્ધ કુકી ઉગ્રવાદીઓએ જિરીબામના બોરોબેકરા વિસ્તારમાંથી ગત સોમવારે ત્રણ મહિલા અને ત્રણ બાળકનાં અપહરણ કર્યાં હતાં. લાપતા મહિલાઓ અને બાળકોની સલામત વાપસીની માંગ સાથે રાજ્યના વિવિધ ભાગોમાં વિરોધ પ્રદર્શન થયાં હતાં. એક લાપતા મહિલાના પતિએ કહ્યું હતું કે, મારી પત્નીએ ફોન પર મને કહ્યું હતું કે, તે હથિયારધારી લોકોથી ઘેરાયેલી છે. પછી ફોન કપાઇ ગયો અને છેલ્લે બંધ થઇ ગયો હતો. ત્રણ લાશ મળતાં રાજ્યમાં ફરીવાર તાણ અને અજંપાની સ્થિતિ સર્જાઇ છે, મણિપુરરમાં કુકી અને મૈતેઇ સમુદાય વચ્ચે લાંબા સમયથી હિંસા જારી છે.

Share This Article