નવી દિલ્હી, તા. 28 : વાયનાડ લોકસભા સીટથી ચૂંટાયેલા પ્રિયંકા ગાંધીએ સાંસદ તરીકે શપથ લઈ લીધા છે. કોંગ્રેસ નેતાએ શપથ દરમિયાન હાથમાં બંધારણની નકલ રાખી હતી. આ રીતે સંવિધાનના દાવને શપથ સાથે ચાલવાનો પ્રયાસ કર્યો હતો. આમ સંસદમાં ગાંધી પરિવારના ત્રણ સભ્યો હવે સાંસદ છે.
રાહુલ ગાંધી રાયબરેલી લોકસભા બેઠકથી સાંસદ છે. સોનિયા ગાંધી રાજ્યસભાના સભ્ય છે. પ્રિયંકા ગાંધીએ લોકસભા સીટની પેટાચૂંટણી 4.10 લાખ મતે જીતી છે. પ્રિયંકા ગાંધીએ સીપીઆઈના ઉમેદવાર સત્યન મોકેરીને હરાવીને લોકસભામાં એન્ટ્રી કરી છે. સંસદમાં શપથ દરમિયાન પ્રિયંકા ગાંધીએ બંધારણની નકલ હાથમાં રાખી હતી. અગાઉ લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસે બંધારણનો મુદ્દો ઉઠાવ્યો હતો. બાદમાં લોકસભા સત્ર શરૂ થયું ત્યારે પણ તમામ સાંસદોએ બંધારણની નકલ હાથમાં રાખીને શપથ લીધા હતા.

