સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ ચાલી રહેલા સુધારાઓને ચાલુ રાખવા માટે એક મહત્વપૂર્ણ ડ્રાફ્ટને મંજૂરી આપી દીધી છે. જેમાં CBSE બોર્ડની ધોરણ 10 ની પરીક્ષા વર્ષમાં બે વાર લેવાશે
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ ચાલી રહેલા સુધારાઓને ચાલુ રાખવા માટે એક મહત્વપૂર્ણ ડ્રાફ્ટને મંજૂરી આપી દીધી છે. શિક્ષણ મંત્રાલયની અધ્યક્ષતામાં મળેલી મહત્વની બેઠકમાં બોર્ડના ડ્રાફ્ટને મંજૂરી આપવામાં આવી હતી, જેમાં 10માં બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવાની દરખાસ્ત કરવામાં આવી હતી. બોર્ડે સીબીએસઈ ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાઓ 2026માં બે વાર લેવાનો પ્રસ્તાવ મુક્યો છે.
શિક્ષણ મંત્રાલયે શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં આ નીતિ પરિવર્તન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસ્તાવનો હેતુ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાઓમાં પોતાનું પ્રદર્શન સુધારવાની તક આપવાનો છે, જેથી વિદ્યાર્થીઓ પર દબાણ અને તણાવ ઓછો થાય. શિક્ષણ મંત્રાલયે બોર્ડના આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. વર્ષ 2026થી ધોરણ 10ની બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવાશે.
પરીક્ષા ક્યારે યોજાશે?
બોર્ડના આ ડ્રાફ્ટ મુજબ 2026થી 10માંની બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવાશે. બોર્ડની પરીક્ષાનો પ્રથમ તબક્કો ફેબ્રુઆરી-માર્ચમાં અને બીજા તબક્કો મે મહિનામાં નિર્ધારિત રહેશે. બંને પરીક્ષાઓમાં સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ કરવામાં આવશે, જે વિદ્યાર્થીઓના જ્ઞાન અને કુશળતાનું વિસ્તૃત મૂલ્યાંકન સુનિશ્ચિત કરશે. બંને તબક્કાની પરીક્ષાના પરિણામો પણ અલગ-અલગ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત પ્રેક્ટિકલ પરીક્ષા કે ઈન્ટરનલ એસેસમેન્ટ માત્ર એક જ વખત કરવામાં આવશે.
આ પણ વાંચો – આખી રાત અભ્યાસ કરવા માટે ડિનરમાં શું ખાવું? આ ટિપ્સ સાથે કરો બોર્ડની પરીક્ષાની તૈયારી
પ્રેક્ટિકલ અને ઇન્ટરનલ એસેસમેન્ટ ફક્ત એક જ વાર કરવામાં આવશે
બોર્ડના ડ્રાફ્ટ મુજબ 10માની પરીક્ષાઓ વર્ષમાં બે વખત લેવાશે, પરંતુ પ્રેક્ટિકલ અને ઇન્ટરનલ એસેસમેન્ટ વર્ષમાં એક જ વખત લેવામાં આવશે. નવા માળખાનો હેતુ વિદ્યાર્થીઓને વધુ રાહત પૂરી પાડવાનો અને વર્ષમાં એકવાર બોર્ડની પરીક્ષા આપવાનું દબાણ ઘટાડવાનો છે. વિદ્યાર્થીઓને બંને સત્રોમાં ભાગ લેવાની અને તેમની તૈયારી માટે સૌથી યોગ્ય સત્ર પસંદ કરવાની તક મળશે.
CBSE એ 9 માર્ચ સુધીમાં આ દરખાસ્ત પર લોકો પાસેથી પ્રતિસાદ માંગ્યો
બોર્ડે મંગળવારે પ્રસ્તાવિત બે બોર્ડ પરીક્ષા પ્રણાલી પર આપેલી પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે પહેલી પરીક્ષાનું પરિણામ 20 એપ્રિલ સુધીમાં અને બીજી પરીક્ષાનું પરિણામ 30 જૂન સુધીમાં જાહેર કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ બંને પરીક્ષા આપવાનું પસંદ કરશે તેમના શ્રેષ્ઠ સ્કોર અંતિમ માર્કશીટમાં દેખાશે. CBSE એ 9 માર્ચ સુધીમાં આ દરખાસ્ત પર જાહેર જનતા પાસેથી પ્રતિસાદ માંગ્યો છે.
સીબીએસઈના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અમે એપ્રિલમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલાં યોજનાને અંતિમ સ્વરૂપ આપવા માંગીએ છીએ.
પ્રસ્તાવિત સમયપત્રક મુજબ, પરીક્ષાઓ વધુ ઝડપથી પૂર્ણ થશે. 2026 માં ધોરણ 10 બોર્ડ મૂલ્યાંકનનો પ્રથમ તબક્કો ફક્ત 18 દિવસ (17 ફેબ્રુઆરી થી 6 માર્ચ) સુધી ચાલશે, જે વર્તમાન 32 દિવસના સમયગાળા કરતા લગભગ અડધો છે. બીજો તબક્કો 16 દિવસ (5 મે થી 20 મે) સુધી ચાલશે. આનો અર્થ એ છે કે વિદ્યાર્થીઓ પાસે તેમની વિષય પસંદગીઓના આધારે સળંગ પેપરો વચ્ચે ફક્ત એક કે બે દિવસનો સમય હશે. જે વર્તમાન અંતરાલ કરતા ઘણો ઓછો હશે, જે પાંચ કે દસ દિવસ સુધી પણ લંબાવી શકાય છે.