Stock Market Closing Bell: શેરબજારમાં ટ્રમ્પ દ્વારા ટેરિફમાં 90 દિવસની રાહતની ધમાકેદાર અસર જોવા મળી છે. સેન્સેક્સ આજે ઇન્ટ્રા ડે 1620.18 પોઇન્ટના ઉછાળા બાદ અંતે 1310.11 પોઇન્ટના ઉછાળે 75157.26 પર બંધ રહ્યો હતો. રોકાણકારોની મૂડી 7.81 લાખ કરોડ વધી છે. બુધવારે બીએસઈ માર્કેટ કેપ રૂ. 393.82 લાખ કરોડથી વધી આજે 401.54 લાખ કરોડ થયું છે.
ટ્રમ્પ દ્વારા બુધવારે 70થી વધુ દેશોને રેસિપ્રોકલ ટેરિફના અમલીકરણમાં 90 દિવસની રાહત આપતાં વૈશ્વિક શેરબજારોમાં આકર્ષક ઉછાળો જોવા મળ્યો હતો. જેના સથવારે આજે ભારતીય શેરબજારમાં પણ તેજી જોવા મળી હતી. ટ્રમ્પની આ રાહતથી ભારતના અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર મામલે આશાનું કિરણ જોવા મળ્યું છે. આ કરાર માટે ભારતને વધુ 90 દિવસનો સમય મળ્યો છે. જોકે બીજી તરફ ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડવૉરની સ્થિતિ સતત વણસી રહી હોવાથી વૈશ્વિક અનિશ્ચિતતાઓના વાદળો યથાવત્ છે.
માર્કેટ બ્રેડ્થ પોઝિટીવ
બીએસઈ ખાતે આજે માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ જોવા મળી હતી. કુલ ટ્રેડેડ 4079 શેર પૈકી 3107 શેર સુધારા તરફી બંધ રહ્યા હતા. જ્યારે માત્ર 853 શેર ઘટાડે બંધ રહ્યા હતા. આજે કુલ 331 શેરમાં અપર સર્કિટ જ્યારે 66 શેર વર્ષની ટોચે પહોંચ્યા હતા. બીજી તરફ 142 શેરમાં લોઅર સર્કિટ વાગી હતી.
મેટલ શેર્સમાં તેજી
ટ્રમ્પ દ્વારા ટેરિફમાં રાહતના સમાચાર મળતાં મેટલ શેર્સમાં આજે તોફાની તેજી આવી હતી. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ 4.5 ટકા ઉછળ્યો હતો. બીએસઈ મેટલ ઇન્ડેક્સ 4.29 ટકા (1140.97 પોઇન્ટ) ઉછળ્યો હતો. જેમાં હિન્દાલ્કો 6.49 ટકા, જેએસએલ 6.30 ટકા, ટાટા સ્ટીલ 4.87 ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ 4.71 ટકા અને કોલ ઇન્ડિયા 4.48 ટકા ઉછાળા સાથે બંધ રહ્યો હતો.
મેટલ ઉપરાંત સેક્ટોરલ ઇન્ડેક્સમાં પાવર 2.64 ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 2.92 ટકા, કેપિટલ ગુડ્સ 2.15 ટકા, ઓટો 2.02 ટકા, ટેલિકોમ્યુનિકેશન્સ 2.76 ટકા, હેલ્થકેર 2.11 ટકા, એનર્જી 2.51 ટકા ઉછાળ્યા હતા.
શેરબજારમાં આજની સ્થિતિ
વિગત | ઇન્ટ્રા ડે ઉછાળો | બંધ | ઉછાળો |
સેન્સેક્સ | 1620.18 પોઇન્ટ | 75157.26 | 1310.11 પોઇન્ટ |
નિફ્ટી50 | 524.75 પોઇન્ટ | 22828.55 | 429.40 પોઇન્ટ |