Gujarat Govt Grants Center of Excellence Status: ગુજરાત સરકાર દ્વારા રાજ્યની 10 ખાનગી યુનિ.ઓને સેન્ટર ઑફ એક્સલેન્સનું સ્ટેટસ આપી દેવામાં આવ્યું છે અને તેનું જાહેરનામું પણ આજે શિક્ષણ વિભાગ દ્વારા કરી દેવામા આવ્યુ છે. અગાઉ સરકારે 3 વર્ષ માટે 7 યુનિ.ને સ્ટેટસ આપ્યું હતું અને હવે 3 યુનિ.ઓ વધી છે એટલે કે વધુ 3 યુનિ.ને સરકાર દ્વારા લ્હાણી કરાઈ છે. જોકે, એક રાજકીય નેતાની યુનિ.ની બાકાત રહી છે.
આ યુનિવર્સિટીઓને મળ્યો લાભ
રાજ્ય સરકાર દ્વારા ખાનગી યુનિ.ઓ માટે જાહેર કરાયેલી સેન્ટર ઑફ એક્સલન્સ સ્કીમ અંતર્ગત અગાઉ 2022 થી 2024 સુધીના ત્રણ વર્ષ માટે રાજ્યની સાત ખાનગી યુનિ.ને સેન્ટર ઑફ એક્સલેન્સ અપાયું હતું. જે ડિસેમ્બરમાં પૂર્ણ થઈ ગયુ હતુ અને ત્યારબાદ વધુ સેન્ટરો સંસ્થાઓ-યુનિ.ઓ પાસેથી અરજીઓ મંગાવાઈ હતી, જેમાં 12 યુનિ.એ અરજી કરી હતી. જેમાંથી એક યુનિ.એ અરજી પાછી ખેંચી હતી અને 11ની સ્ક્રુટિની પ્રક્રિયામાં અંતે સરકારે 10 યુનિ.ને સેન્ટરનો દરજ્જો આપી દીધો છે. અગાઉ સેપ્ટ, અમદાવાદ, પીડીઈયુ, ડીએઆઈઆસીટી, નિરમા ,મારવાડી અને ચારૂસેટ સહિતની સાત યુનિ.ઓ હતી. આ 7 ઉપરાંત વધુ 3 યુનિ.ને સ્ટેટસ મળ્યું છે. જેમાં પારૂલ, ગણપત અને અનંત યુનિ.નો સમાવેશ થાય છે. જ્યારે એક રાજકીય નેતાની યુનિ.ને સ્ટેટસ મળ્યું નથી. સરકાર દ્વારા છ વર્ષ માટે સ્ટેટસ અપાયું છે અને 75 ટકા સુધીની બેઠકોથી માંડી સ્કોલરશિપ સહિતના નિયમો કરાયા છે.