Ajay Jadeja got angry on Shubman Gill: જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં 28 એપ્રિલના રોજ IPL 2025ની 47મી મેચમાં વૈભવ સૂર્યવંશીએ તોફાન મચાવી દીધું હતું. વૈભવે માત્ર 38 બોલમાં 101 રન બનાવીને ગુજરાત ટાઈટન્સને એકતરફી મેચમાં 8 વિકેટથી હરાવી દીધુ હતું. આ 14 વર્ષના બેટ્સમેને ગુજરાત ટાઈટન્સ સામે ઘણા રેકોર્ડ બનાવ્યા છે. મેચ બાદ ટીમની હારથી નિરાશ ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે રાજસ્થાન રોયલ્સના ઓપનર બેટ્સમેન વૈભવ સૂર્યવંશીની ઈનિંગ વિશે કંઈક એવું કહી દીધું કે જેનાથી પૂર્વ ભારતીય ક્રિકેટર અજય જાડેજા પણ ભડકી ગયો. તેણે GTના કેપ્ટનને ખૂબ ખરીખોટી સંભળાવી.
શુભમન ગિલ પર કેમ ભડક્યો જાડેજા?
રાજસ્થાન રોયલ્સ સામે મળેલી હાર બાદ GTના કેપ્ટન શુભમન ગિલે કહ્યું કે, વૈભવ સૂર્યવંશીનો ‘લકી દિવસ’ હતો. તે જે રીતે શોટ ફટકારી રહ્યો હતો તે જોવું અદ્ભૂત હતું. તેણે પોતાના દિવસનો સંપૂર્ણ ફાયદો ઉઠાવ્યો. ગિલે આગળ કહ્યું કે, RRના ઓપનર બેટ્સમેને પાવર પ્લેમાં જ અમારી પાસેથી મેચ છીનવી લીધી. અમે આનાથી શ્રેષ્ઠ કરી શકતા હતા, પણ ન કરી શક્યા.
વૈભવ સૂર્યવંશી વિશે શુભમન ગિલનું આ નિવેદન કે, ‘આજે તેનો લકી દિવસ હતો’, તેના પર ભારતીય ક્રિકેટર અજય જાડેજા ભડકી ગયો. તેણે કહ્યું કે, ‘વૈભવની આ શાનદાર ઈનિંગને “લકી દિવસ” કહેવું યોગ્ય નથી. સૂર્યવંશીનું પ્રદર્શન ખૂબ શાનદાર હતું. તેણે મેદાનની ચારે બાજુ સારા શોટ લગાવ્યા. તેની પ્રતિભાને નકારી ન શકાય. આપણે આવા ખેલાડીઓનું સન્માન કરવું જોઈએ.’
વૈભવે 35 બોલમાં સદી ફટકારી
રાજસ્થાન રોયલ્સના ઓપનર વૈભવ સૂર્યવંશીએ ગુજરાત ટાઈટન્સની ફાસ્ટ બોલિંગ લાઈનઅપ સામે ઘણા રન બનાવ્યા. તેણે મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને ઈશાંત શર્મા જેવા સિનિયર બોલરો પર કોઈ દયા ન દાખવી અને ઝડપથી રન બનાવ્યા. તમને જણાવી દઈએ કે RRના ઓપનર વૈભવ સૂર્યવંશીએ માત્ર 15 બોલમાં અડધી સદી ફટકારી હતી અને પછી 35 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. સૂર્યવંશીએ 38 બોલમાં 101 રનની ઈનિંગ રમી, જેમાં 7 ચોગ્ગા અને 11 છગ્ગા સામેલ છે. તેણે યશસ્વી જયસ્વાલ સાથે મળીને પ્રથમ વિકેટ માટે 71 બોલમાં 166 રનની ભાગીદારી કરીને મેચનું પાસું જ પલટાવી નાખ્યું હતું.