Automobile Industry: મોટરના ઉત્પાદન સાથે સંકળાયેલી અમેરિકાની કંપનીઓએ નાદારી નોંધાવવાની નોબત આવશે. આ અંગેની રજૂઆત સરકાર સમક્ષ કરતાં અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર ઓટો પાટ્ર્સ પરની આયાત ડ્યૂટી ઘટાડવા તૈયાર થઈ રહી હોવાનો નિર્દેશ મળી રહ્યો છે. એકલા ગુજરાતમાંથી અમેરિકામાં પાંચ અબજ ડોલરના મૂલ્યના ઓટો પાટ્ર્સની નિકાસ થઈ રહી છે.
મિશગનમાં બેરોજગારી વધી જવાની પણ દહેશત
ટ્રમ્પ સરકાર ખરેખર ઓટોપાટ્ર્સ પરની 25 ટકા ટેરિફ ઘટાડી દે કે પાછી ખેંચી દે તો ભારત અને ગુજરાતના ઓટો મોબાઈલ સેક્ટરને મોટી રાહત મળવાની સંભાવના છે. અમેરિકાના કોમર્સ સેક્રેટરી-વાણિજ્ય સચિવ હાવર્ડ લૂટનિકે આ નિર્દેશ આપ્યો છે. ટ્રમ્પની મિશિગનની મુલાકાત પહેલા જ ઓટો ટેરિફમાં ઘટાડો કરવાનો નિર્દેશ આપ્યો છે. મિશિગન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગનું અમેરિકાનું હબ ગણાય છે. મોટર પ્રોડક્શનના હબ ગણાતા મિશગનમાં બેરોજગારી વધી જવાની પણ દહેશત ઊભી થઈ હતી. અગાઉ કરેલી જાહેરાત મુજબ ત્રીજી મેથી ઓટો પાટ્ર્સ પર આયાત ડ્યૂટી લાદવાનો નિર્ણય કર્યો હતો. જનરલ મોટર્સ, ટોયેટા ગ્રૂપે ઓટો પાટ્ર્સ પર ટેરિફ લાદવાને પરિણામે ઓટો પાટ્ર્સની સપ્લાય ચેઈન ખોરવાઈ જવાનો ભય ઊભો થવાની શક્યતા દર્શાવી હતી.
પરિણામે ઓટોપાટ્ર્સના ભાવ પણ વધી જવાની શક્યતા દર્શાવી હતી. વાહનોના વેચાણ પછી આફ્ટર સેલ્સ સર્વિસ પણ મોંઘી થઈ જવાની દહેશત તેમણે વ્યક્ત કરી હતી. વેહિકલને સર્વિસ પૂરી પાડવામાં મોટા પડકારો ઊભા થઈ જશે તેવો ભય અમેરિકાના ઓટો પાટ્ર્સ મેન્યુફેક્ચરર્સે વ્યક્ત કર્યો છે. ટેરિફ વધી જતાં સપ્લાય ખોરવાઈ જાય તો અમેરિકાની ઓટો મોબાઈલ કંપનીઓ એટલે કે કાર બનાવનારી કંપનીઓ તેમના સપ્લાયને તરત જ વ્યવસ્થિત કરી શકે તેવી સ્થિતિમાં પણ ન હોવાનો નિર્દેશ ડોનાલ્ડ ટ્રમ્પને આપવામાં આવ્યો હતો. તેમ જ તેને માટે કરવા પડનારા વધારાના ખર્ચને પહોંચી વળવાને પણ અમેરિકાની ઓટો મોબાઈલ કંપનીઓ સમર્થ ન હોવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ટેરિફ વધી જતાં અમેરિકાની ઓટો મોબાઈલ કંપમનીઓના સપ્લાય ખોરવાઈ જાય તો તેમનું મોટરનું ઉત્પાદન ઠપ્પ થઈ જવાની શક્યતા દર્શાવી છે. આ કંપનીઓને લે ઓફ આપવાની ફરજ પડી શકે છે. તેમ જ કેટલીક કંપનીઓ નાદારી નોંધાવવાની સ્થિતિમાં આવી શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પ જાહેર કરેલા ટેરિફ પ્લાનને કારણએ સમગ્ર વિશ્વની ઓટો મોબાઈલ ઇન્ડસ્ટ્રી પર મોટી અસર પડી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકમાં આયાત થતી દરેક કાર પર 25 ટકા ટેરિફ લાદવાનો નિર્ણય કર્યો છે.
અમેરિકામાં ભારતમાંથી અને તેમાંય ખાસ કરીને ગુજરાતમાંથી 2024ના વર્ષમાં 6.79 અબજ ડોલરના મૂલ્યના ઓટો પાટ્ર્સની નિકાસ થઈ હતી. તેમાં ગુજરાતનો હિસ્સો 5 અબજ ડોલરથી વધુનો હોવાનો અંદાજ છે. તેના પર 25 ટકાના ટેરિફ લાદવાના નિર્ણયને પરિણામે ઓટો પાટ્ર્સની નિકાસ ખાસ્સી ઘટી જાય તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ટેરિફ લાદવાને કારણે ઓટો પાટ્ર્સની નિકાસ ન ઘટે તે માટે ભારતના ઉત્પાદકોએ મેક્સિકો અને કેનેડાના માર્કેટમાં વેપાર વધારવાની પહેલ કરી દીધી છે.