India Tour Of England 2025: આઇપીએલ-2025ની 18મી સીઝન પૂર્ણ થયા બાદ ટીમ ઇન્ડિયા ટેસ્ટ મેચ માટે ઇંગ્લૅન્ડ પ્રવાસે જવાની છે. જેમાં ખેલાડીઓની પસંદગી પર ચર્ચાઓ શરુ થઈ ચૂકી છે. રોહિત શર્મા જ ટીમનો કૅપ્ટન રહેશે તેવો દાવો કરવામાં આવ્યો છે. આ મેચ માટે કુલ 25 ખેલાડીઓને શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા હોવાનું મીડિયા સૂત્રોએ જણાવ્યું છે.
મીડિયા સૂત્રો અનુસાર, ટીમની પસંદગી મે મહિનાના બીજા અઠવાડિયા સુધીમાં થશે. સાઈ સુદર્શનને બેકઅપ ખેલાડી તરીકે, જ્યારે રજત પાટીદાર અને કરુણ નાયરને નંબર 5 અને 6 પર રમાડવા વિચારણા થઈ રહી છે. કુલદીપ યાદવની વાપસીની શક્યતા છે, જે ટીમ માટે મહત્ત્વપૂર્ણ ખેલાડી સાબિત થઈ શકે છે.
મેના બીજા સપ્તાહમાં થશે જાહેરાત
રિપોર્ટમાં દાવો થઈ રહ્યો છે કે, BCCIએ ઇંગ્લૅન્ડ પ્રવાસની ગોઠવણ શરુ કરી દીધી છે. સિલેક્ટર્સ મે મહિનાના બીજા અઠવાડિયા સુધીમાં ખેલાડીઓની પસંદગી કરે તેવી અપેક્ષા છે. ખેલાડી પસંદ કરતી વખતે સૌથી મોટી ચિંતા એ છે કે નંબર 5 કે 6 પર મધ્યમ ક્રમના ટેસ્ટ બેટ્સમેનને શોધવો. એવું માનવામાં આવે છે કે સિલેક્ટર્સ આ ખાલી જગ્યા ભરવા માટે રજત પાટીદાર અને કરુણ નાયર પર નજર રાખી રહ્યા છે. આ બંનેને ભારત ‘એ’ શ્રેણીમાં અજમાવી શકે છે, જે 25 મેના રોજ IPL સમાપ્ત થયાના એક અઠવાડિયામાં શરૂ થશે. ઉલ્લેખનીય છે કે, શ્રેયસ ઐયર અને અક્ષર પટેલને હજુ સુધી આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા નથી.
બીસીસીઆઇના એક સૂત્રે જણાવ્યું હતું કે, ‘રોહિત શર્મા કૅપ્ટન બને તેવી શક્યતા સૌથી વધુ છે કારણ કે બોર્ડને લાગે છે કે ઓસ્ટ્રેલિયા પ્રવાસની જેમ ઇંગ્લૅન્ડ પ્રવાસ દરમિયાન પણ એક મજબૂત કૅપ્ટનની જરૂર પડશે. મિડલ ઓર્ડરની વાત કરીએ તો, ટીમ મેનેજમેન્ટે સરફરાઝ ખાન પર વિશ્વાસ દર્શાવ્યો નથી. નાયર અને પાટીદાર બંને રેડ-બોલના અનુભવી ખેલાડીઓ છે અને સારા ફોર્મમાં છે, તેથી એવી અપેક્ષા છે કે તેમાંથી કોઈ એકને ‘એ’ ટીમમાં સ્થાન મળી શકે છે. ગયા વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં ખરાબ પ્રદર્શનને કારણે ઐયરને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. અંતિમ નિર્ણય હજુ લેવાનો બાકી છે. આ સીરીઝ માટે સાઈ સુદર્શનને ત્રીજા ઓપનિંગ બેટ્સમેન તરીકે ઉતારી શકે છે.
કુલદીપને મળશે તક
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ યાદીમાં બીજું એક મહત્ત્વનું નામ કુલદીપ યાદવ છે. કુલદીપ લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચની ટીમમાંથી બહાર છે, પરંતુ ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન રવિચંદ્રન અશ્વિનના સંન્યાસ બાદ સિલેક્ટર્સ કુલદીપને આક્રમક સ્પિનર તરીકે પસંદ કરી શકે છે. આ પ્રવાસમાં કેટલાક સારા રિઝર્વ ખેલાડીઓને પણ સાથે લેવામાં આવશે, જેમાંથી મોટાભાગના બેકઅપ પેસર્સ હશે, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી પણ વિકલ્પ તરીકે રમશે, સાથે કેટલાક સ્પિનર્સને પણ સામેલ કરાશે. મોહમ્મદ સિરાજ વિશે સિલેક્ટર્સ ચિંતિત છે કારણ કે બુમરાહ અને શમીની ગેરહાજરીમાં, તે મેઇન ફાસ્ટ બોલર તરીકે અસરકારક નથી.
ભારત-ઇંગ્લૅન્ડ ટેસ્ટ સીરિઝ શિડ્યુલ (2025)
20-24 જૂન: પહેલી ટેસ્ટ, હેડિંગ્લે
2-6 જુલાઈ: બીજી ટેસ્ટ, બર્મિંગહામ
10-14 જુલાઈ: ત્રીજી ટેસ્ટ, લોર્ડ્સ
23-27 જુલાઈ: ચોથી ટેસ્ટ, માન્ચેસ્ટર
31 જુલાઈ-4 ઓગસ્ટ: પાંચમી ટેસ્ટ, ધ ઓવલ