High alert on Gujarat coast: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવના પગલે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ચાંપતી ચેતવણી જારી કરવામાં આવી છે. રાજ્યમાં પાકિસ્તાનથી લાગતાં લાંબા દરિયાકિનારા પર કોઈપણ પ્રકારની અણધારી પ્રવૃત્તિ થતી અટકાવવા માટે સુરક્ષા તંત્રે તૈયારીને તીવ્ર બનાવી દીધી છે. પોરબંદર, કચ્છ અને દ્વારકા સહિતના દરિયાઈ વિસ્તારોમાં ખાસ પગલાં લેવામાં આવ્યા છે.
પોરબંદર:
પોરબંદરથી પ્રાપ્ત માહિતી અનુસાર, હાલ લગભગ 1700 જેટલી ફિશિંગ બોટ દરિયામાં છે. સરકાર દ્વારા તમામ માછીમારોને તાત્કાલિક અસરથી પરત બોલાવવાની સૂચના આપવામાં આવી છે. માછીમારી રોકવા અને દરિયાઈ સુરક્ષા વધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી કોઈ અસામાજિક તત્ત્વ દ્વારા દેશની સુરક્ષામાં ખલેલ ન પડે.
કચ્છ:
કચ્છ જિલ્લામાં પણ તંત્રએ એલર્ટ જારી કર્યો છે. દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. માંડવી સહિતના વિસ્તારોમાં સ્થાનિક લોકો અને તંત્ર વચ્ચે સતત સંવાદ જાળવવામાં આવી રહ્યો છે જેથી કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ થતી અટકાવી શકાય.
દ્વારકા:
દ્વારકામાં દરિયાકાંઠે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી છે. કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ દ્વારા દરિયામાં થતી દરેક હલચલ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. સ્થળ પર અવલોકન સાથે ડ્રોન સર્વેલન્સ અને રેડાર સિસ્ટમ પણ સક્રિય કરવામાં આવી છે.
રાજ્ય સરકાર અને સુરક્ષા એજન્સીઓની અપીલ છે કે નાગરિકો શાંતિ જાળવે, ખોટી અફવાઓમાં ન આવે અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરે. તણાવના આ સમયમાં સુરક્ષા એજન્સીઓની સાથે સહયોગ કરવો દરેક નાગરિકની ફરજ છે.

