આ ઉપરાંત પારદર્શી પરીક્ષાની ખાતરી આપતાં નેશનલ એજ્યુકેશન પોલિસી લાગુ કરાશે.

newzcafe
4 Min Read

ભારતીય જનતા પાર્ટીના ચૂંટણીઢંઢેરામાં ઉન્નત ભારત અને જનકલ્યાણની મોદીની ગેરન્ટી


નવી દિલ્હી, તા. 14  : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરની જયંતીના દિવસે આજે ભારતીય જનતા પાર્ટીનો લોકસભા ચૂંટણીઢંઢેરો બહાર પાડયો હતો જેમાં `િવકસિત ભારત’ માટેના તેમના દ્રષ્ટિકોણની રૂપરેખા રજૂ કરાઈ છે. તેમણે લોકોને ભારતની આગામી એક હજાર વર્ષની નિયતિને આકાર આપવા માટે તેમના પક્ષને વધુ એક જનાદેશ આપવા હાકલ કરી હતી. ભાજપના ઢંઢેરામાં 70 વર્ષથી ઉપરના કોઈ પણ વર્ગના બુઝુર્ગને આયુષ્માન ભારત યોજના હેઠળ પાંચ લાખ રૂા. સુધીની મફત સારવાર, ગરીબો માટે ત્રણ કરોડ ઘર, 2029 સુધી ગરીબોને મફત રાશન જેવાં વચન આપવામાં આવ્યાં હતાં. દેશમાં સમાન નાગરિક ધારો (યુસીસી) લાગુ કરવા પણ વચન આપવામાં આવ્યું હતું. 


 


પક્ષના `સંકલ્પપત્ર’ને પોતાની ગેરંટીના દસ્તાવેજ તરીકે લેખાવતાં વડાપ્રધાન મોદીએ તેમની કેન્દ્ર સરકારની 10 વર્ષની સિદ્ધિઓ તારવી હતી અને જણાવ્યું હતું કે ભાજપે અત્યાર સુધીનું દરેક વચન પાળ્યું છે. છેલ્લા 10 વર્ષમાં ભાજપે તેના ઢંઢેરાના દરેક પાસાંને ગેરંટી તરીકે અમલમાં મૂક્યાં છે. ભાજપે ચૂંટણી ઢંઢેરાની પવિત્રતાને બહાલ કરી છે એમ મોદીએ પક્ષના વડામથકે ચૂંટણી ઢંઢેરો બહાર પાડયા બાદ જણાવ્યું હતું. મોદી સાથે મંચ પર જેપી નડ્ડા, રાજનાથ સિંહ, અમિત શાહ અને નિર્મલા સીતારામન હાજર હતા.  `સંકલ્પપત્ર’ `િવકસિત ભારત’ના ચાર મુખ્ય સ્તંભ `યુવા શક્તિ’, `નારીશક્તિ’, ગરીબો અને ખેડૂતોને મજબૂત કરે છે એમ તેમણે 46 મિનિટના પોતાના સંબોધનમાં જણાવ્યું હતું.


 


ચૂંટણી ઢંઢેરામાં `એક રાષ્ટ્ર એક ચૂંટણી’ પહેલને અમલમાં મૂકવા, સમાન મતદારપત્ર બનાવવા, ટ્રેનની મુસાફરીમાં પ્રતીક્ષાયાદી નાબૂદ કરવા, ફાઈવ-જી નેટવર્કનું વિસ્તરણ કરવા અને વિશ્વભરમાં રામાયણ ઉત્સવોનું આયોજન કરવાની વાત કરવામાં આવી હતી.મોદીએ જણાવ્યું હતું કે ભાજપ પક્ષ કરતાં દેશને પ્રાથમિકતા આપીને રાષ્ટ્રના હિતમાં હિંમતભર્યા અને પડકારજનક નિર્ણય લે છે.`નારીશક્તિ ખરડો’ એક કાયદો બની ગયો છે. ભાજપે 370મી કલમ નાબૂદ કરી અને અમે સીએએ (નાગરિકતા સુધારા કાયદો) લાવ્યા એમ મોદીએ કહ્યું હતું.


 


વડાપ્રધાને જણાવ્યું હતું કે ભાજપના `સંકલ્પપત્ર’નો ઉદ્દેશ 140 કરોડ લોકોનાં સપનાઓને હકીકતમાં પરિવર્તિત કરવાનો અને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો છે. મેં લાલ કિલ્લાની પ્રાચીર પરથી જણાવ્યું હતું કે દેશના આવતા 1000 વર્ષના ભવિષ્યને આકાર આપવાનો `યહી સમય હૈ, સહી સમય હૈ’ એમ કહ્યું હતું. હું આ સંકલ્પપત્ર ભારતના  લોકો સમક્ષ `મોદી કી ગેરંટી’ના રૂપમાં રજૂ કરું છું. 140 કરોડ લોકોની મહત્ત્વાકાંક્ષા એ મોદીનું મિશન છે. ચાર જૂને પરિણામ જાહેર થયાં બાદ તરત જ ભાજપના ‘સંકલ્પપત્ર’ પર કામ શરૂ થઈ જશે. સરકારે 100 દિવસના એક્શન પ્લાન પર કામ શરૂ કરી દીધું છે એમ તેમણે કહ્યું હતું. ભાજપે સંકલ્પપત્રને મોદીની ગેરંટી નામ આપ્યું છે, જેમાં મોદી સરકારના છેલ્લા બે કાર્યકાળની સિદ્ધિઓ ઉપરાંત સંભવિત ત્રીજી ટર્મ માટેના સંકલ્પ રજૂ કરાયા છે.  ભાજપે વધુ સંખ્યામાં રોજગાર વધારવાની પણ વાત કરી છે. મહિલાઓ માટે લખપતિદીદી યોજના, મધ્યમવર્ગ માટે મફત વીજળી, સસ્તા રાંધણગેસના બાટલાનું વચન આપ્યું છે. સંકલ્પપત્રમાં ભાજપે કોંગ્રેસ પર નિશાનો સાધતાં દાવો કર્યો કે કોંગ્રેસ જે કરી શકી નથી તે મોદી સરકારે છેલ્લાં 10 વર્ષમાં કરી બતાવ્યું છે.


 


આ ઉપરાંત પારદર્શી પરીક્ષાની ખાતરી આપતાં નેશનલ એજ્યુકેશન પોલિસી લાગુ કરાશે. ખેડૂતો માટે બીજથી બજાર સુધી તેમની આવક વધે તેવા પ્રયાસ કરાશે. શ્રી અન્નને સુપર ફૂડમાં બદલવામાં આવશે. નેનો યુરિયા અને પ્રાકૃતિક ખેતીથી જમીનની સુરક્ષા કરાશે. ખેતી માટે પ્રોત્સાહન આપવામાં આવશે. ટ્રાન્સજેન્ડરોને પણ આયુષ્યમાન યોજનામાં સામેલ કરાશે. ભાજપે મોદીની ગેરંટી હેઠળ ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝુંબેશ તથા સખત પગલાં ચાલુ રાખવાનું વચન આપ્યું છે.


 


વધુમાં વર્કર્સ, ટેક્સી ડ્રાઇવરો, ઓટો ડ્રાઇવરો, ઘરોમાં કામ કરતાં શ્રમિકો, પ્રવાસી મજૂરો, ટ્રક ડ્રાઇવરો સહિતને ઇ-શ્રમ પર જોડી કલ્યાણકારી યોજનામાં સામેલ કરવામાં આવશે. ફૂડ પ્રોસેસિંગ હબ બનાવાશે, ટૂરિઝમને પ્રોત્સાહન અપાશે, તમિલ ભાષાની વૈશ્વિક પ્રતિષ્ઠા વધારવામાં આવશે, હોમ સ્ટે માટે મહિલાઓને આર્થિક મદદ તથા ર036 ઓલિમ્પિકનાં આયોજનની વાત કરવામાં આવી છે.

Share This Article