કોસ્ટગાર્ડ, ગુજરાત ATS અને NCBનું સંયુક્ત ઓપરેશન
પોરબંદર, 28 એપ્રિલ. ગુજરાતના પોરબંદર નજીકથી અરબી સમુદ્રમાંથી આવતા ડ્રગ્સનું મોટું કન્સાઈનમેન્ટ ઝડપાયું છે. સુરક્ષા એજન્સીઓએ શનિવારે રાત્રે અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક પાકિસ્તાની બોટને અટકાવી હતી. બોટમાંથી 86 કિલો ડ્રગ્સ મળી આવ્યું હતું. સુરક્ષાકર્મીઓએ બોટમાં સવાર 14 પાકિસ્તાની નાગરિકોની પણ ધરપકડ કરી હતી. આ પાકિસ્તાનીઓને પોરબંદર લાવીને પૂછપરછ કરવામાં આવી રહી છે.

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ એક ઇનપુટના આધારે પોરબંદર નજીક અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન સુરક્ષા એજન્સીઓએ આંતરરાષ્ટ્રીય સરહદ પાસે એક શંકાસ્પદ પાકિસ્તાની બોટને પકડી હતી. આ બોટની તલાશી લેતા 86 કિલો ડ્રગ્સ મળી આવ્યું હતું. સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાની બોટમાં સવાર 14 પાકિસ્તાની ક્રૂ મેમ્બર્સને પકડી લીધા હતા.
ભારતીય કોસ્ટ ગાર્ડે આ ઓપરેશનને સફળતાપૂર્વક પાર પાડવા માટે જહાજો અને વિમાનો તૈનાત કર્યા હતા. જેમાં ICG જહાજ રાજરતનનો સમાવેશ થાય છે. જેમાં એનસીબી અને એટીએસના અધિકારીઓ હતા, જેમણે શંકાસ્પદ બોટની ઓળખ કરી હતી. જહાજ પર તૈનાત નિષ્ણાતોની ટીમે શંકાસ્પદ બોટની સઘન તપાસ કરી હતી. આ પછી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પાકિસ્તાની બોટના ક્રૂ મેમ્બરને પકડીને પૂછપરછ માટે પોરબંદર લાવવામાં આવ્યો છે.
