Demat accounts decline: વોલેટિલિટી વચ્ચે રોકાણકારોનો શેરબજાર તરફ રસ ઘટ્યો, નવ મહિનામાં નવા ડીમેટ ખાતા 40% ઓછા ખોલાયા

Arati Parmar
2 Min Read

Demat accounts decline: વર્તમાન કેલેન્ડર વર્ષમાં ભારતીય શેરબજારમાં ભારે વોલેટિલિટી વચ્ચે રોકાણકારોના શેરબજાર તરફના આકર્ષણમાં ઘટાડો થયાનું નવા ડીમેટ ખાતાની સંખ્યા પરથી કહી શકાય એમ છે.

વર્તમાન વર્ષના પ્રથમ નવ મહિનામાં એકંદરે ૨.૧૮ કરોડ  નવા ડીમેટ ખાતા ખોલવામાં આવ્યા છે જે ૨૦૨૪ના જાન્યુઆરી થી સપ્ટેમ્બરના નવ મહિનામાં ખોલાયેલા ૩.૬૧ કરોડની સરખામણીએ ૪૦ ટકા ઓછા છે.

ગયા વર્ષના પ્રથમ નવ મહિનાની સરખામણીએ વર્તમાન વર્ષના આ ગાળામાં ૧.૪૦ કરોડ ખાતા ઓછા ખોલાયા છે. ડીમેટ ખાતાની કુલ સંખ્યા ૨૦.૭૦ કરોડ પર પહોંચી છે જે ૨૦૨૧માં ૬.૯૦ કરોડ હતી.

- Advertisement -

સપ્ટેમ્બરના અંતે એનએસડીએલ પાસે ૪.૧૯  કરોડ જ્યારે સીડીએસએલ પાસે ૧૬.૫૨ કરોડ ખાતા હતા.

વર્તમાન વર્ષમાં ભારતીય શેરબજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી છે અને મિડકેપ તથા સ્મોલ કેપમાં મોટા કરેકશન જોવા મળ્યા હતા જેને પરિણામે રિટેલ રોકાણકારોનો શેરબજાર તરફનો રસ ઓસરી ગયાનું જણાય છે.

- Advertisement -

સપ્ટેમ્બરમાં ૨૪.૬૦ લાખ નવા ખાતા ખોલવામાં આવ્યા છે જે મે બાદ સૌથી નીચા છે.  ઓગસ્ટમાં ૨૪.૯૦ લાખ અને જુલાઈમાં ૨૯.૮૦ લાખ નવા ખાતા ખોલાયા હતા.

ભારતીય શેરબજારો હાલમાં દીશાહિન જણાઈ રહ્યા છે ત્યારે નવા રોકાણકારો બજારમાં પ્રવેશ કરવાથી દૂર રહેવાનું પસંદ કરી રહ્યા છે. પ્રથમ નવ મહિનામાં માસિક સરેરાશ ૨૪.૨૦ લાખ નવા ખાતા ઉમેરાયા છે જે ગયા વર્ષે ૪૦ લાખ રહ્યા હતા એમ ડીપોઝિટરીના આંકડા પરથી કહી શકાય એમ છે.

વર્તમાન વર્ષના પાછલા ત્રણ મહિનામાં જાહેર ભરણાંના સૂચિત ધસારાને ધ્યાનમાં રાખતા ડિસેમ્બર ત્રિમાસિકમાં ડીમેટ ખાતા ખોલાવવાની સંખ્યામાં વધારો જોવા મળવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

વર્ષના પ્રારંભમાં આવેલા જાહેર ભરણાંમાં રોકાણકારોને ખાસ વળતર મળી નહીં રહેતા તેની પણ નવા ડીમેટ ખાતા પર અસર જોવા મળી હોવાનું એક એનાલિસ્ટે જણાવ્યું હતું.  વર્તમાન વર્ષમાં ભારતીય ઈક્વિટીસની કામગીરી વૈશ્વિક ઈક્વિટીસની સરખામણીએ નબળી રહી છે.

Share This Article