Credit Card Rules: ક્રેડિટ કાર્ડનું બિલ ન ભરવાથી મુશ્કેલી: ૩૬% થી ૪૮% વ્યાજ અને બેંકની આકરી કાર્યવાહી – બેંક પૈસા વસૂલવા માટે શું-શું કરી શકે છે, જાણો

Arati Parmar
3 Min Read
Credit Card Rules: આજના સમયમાં ક્રેડિટ કાર્ડ તમને લગભગ દરેક વ્યક્તિ પાસે જોવા મળશે. આ એક કાર્ડની મદદથી શોપિંગ, ટ્રાવેલ, ડાઈનિંગ બધું જ સરળ થઈ જાય છે. પરંતુ જો બિલ સમયસર ન ચૂકવવામાં આવે તો તમારા માટે મુશ્કેલીઓ પણ ઊભી થઈ શકે છે. જો તમે પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા હોવ તો આ જાણી લો કે બિલ ન ચૂકવવાથી કઈ-કઈ મુશ્કેલીઓ તમારા દરવાજા સુધી આવી શકે છે અને બેંક પૈસા વસૂલવા માટે શું-શું કરી શકે છે.
બિલ ચૂકવવામાં વિલંબ પડશે ભારે – સૌથી પહેલા તો સમયસર બિલ ન ચૂકવવાથી એટલે થોડું મોડું બિલ ચૂકવવાથી વ્યાજ લાગે છે. ક્રેડિટ કાર્ડનું વ્યાજ 36થી 48 ટકા વાર્ષિક સુધી હોય છે. એટલે એક મહિનાના વિલંબથી જ હજારો રૂપિયા વધારાના આપવા પડે છે અને દેવું વધતું જાય છે. સાથે જ ક્રેડિટ સ્કોર ઘટે છે. નવી લોન, કાર્ડ અથવા ઘર-વાહન માટે લોન લેવી મુશ્કેલ બની જાય છે. જો લાંબા સમય સુધી બિલ ન ચૂકવવામાં આવે તો દેવું લાખોમાં પહોંચી જાય છે. લોકો વિચારે છે “છોડો નથી ભરવું” પરંતુ આમ કરવાથી વધુ મુશ્કેલીઓ આવી શકે છે.
બેંક લઈ શકે છે આ એક્શન – આવા કિસ્સામાં બેંક ચૂપ નહીં બેસે. પહેલા ફોન કોલ્સ, મેસેજ, ઈમેલ આવે છે. પછી બેંક થર્ડ પાર્ટી રિકવરી એજન્ટ મોકલે છે. આ એજન્ટો ઘરે-ઓફિસે આવે છે, પડોશીઓ સાથે વાત કરે છે. આવી સ્થિતિમાં તમારી પ્રતિષ્ઠા પર પણ સવાલ ઊભા થાય છે. તમને શરમ અનુભવાય છે. જો આનાથી પણ કોઈ વ્યક્તિ ન માને તો બેંક કાનૂની નોટિસ મોકલે છે. વકીલ દ્વારા લીગલ નોટિસ આવે છે કે પૈસા તમારે ભરવા પડશે નહીંતર કોર્ટના ધક્કા ખાવા પડી શકે છે.
સંપત્તિ સીલ કરવાનો આદેશ – નોટિસ આવ્યા બાદ પણ બિલ ચૂકવવામાં ન આવે તો બેંક કોર્ટમાં જાય છે. ત્યાંથી સંપત્તિ કુર્કીનો આદેશ લઈ શકે છે. એટલે તેમારી કોઈ સંપત્તિ સીઝ થઈ શકે છે. બેંકને પૈસા વસૂલવાનો પૂરો અધિકાર છે. ઘણી વખત લોકો વિચારે છે કે આવા કેસમાં ભાગી જાઓ અથવા છુપાઈ જાઓ, પરંતુ સિબિલ ખરાબ થઈ જાય છે. ફરીથી લોન લેતી વખતે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
બેંક સાથે વાત કરો – જો ક્યારેય પૈસાની તંગી થાય અને બિલ ચૂકવવામાં મુશ્કેલી સર્જાય તો બેંક સાથે વાત કરો. તેઓ ઈએમઆઈમાં કન્વર્ટ કરી દે છે અથવા સેટલમેન્ટ ઓફર આપે છે. કેટલાક પૈસા પણ માફ કરી દે છે. પરંતુ બિલ ન ભરવું એ સૌથી ખરાબ વિકલ્પ છે.
Share This Article