Gujarat Farmer Suicides: ગુજરાતમાં માવઠાનો કહેર: ૪૨ લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન, છેલ્લા એક મહિનામાં ૬ ખેડૂતોએ આપઘાત કર્યો!

Arati Parmar
4 Min Read

Gujarat Farmer Suicides: ગુજરાતમાં આ વખતે માવઠાએ ખેડૂતોની માઠી દશા કરી છે. ઓચિંતા વરસેલાં વરસાદને લીધે રાજ્યમાં 42 લાખ હેક્ટરમાં ખેતીને નુકશાન પહોંચાડ્યું છે, જ્યારે 16 હજારથી વધુ ગામડાઓને ખેડૂતો અસરગ્રસ્ત થયાં છે. ખેતરોમાં ઊભા પાક ભોંયભેગાં થતાં ખેડૂતોના મોઢાંમાંથી જાણે કોળિયો છીનવી લેવાયો છે. આર્થિક રીતે તબાહ થયેલાં ખેડૂતો મજબૂરવશ થઈ જીવન સંકેલી રહ્યાં છે. છેલ્લાં એકાદ મહિનામાં ગુજરાતમાં કુલ મળીને છ ખેડૂતોએ આપઘાત કર્યો. આના પરથી ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ કેટલી હદે કથળી હશે તેનો અંદાજ લગાવી શકાય છે.

આર્થિક સંકડામણને લીધે ખેડૂતો અંતિમ પગલું ભરવા મજબૂર

માવઠાને લીધે પાક નિષ્ફળ જતાં આર્થિક સંકળામણના ભારથી ગુજરાતમાં વધુ એક ખેડૂતે આપઘાત કર્યો છે. વિસાવદરના ઈશ્વરીયા ગામમાં 42 વષીય ખેડૂત શૈલેષ સાવલિયાએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યુ હતું. આ ખેડૂતે આઠ વીધા જમીનમાં મગફળીની સાથે સાથે ડુંગળી અને તુવેરનું વાવેતર કર્યું હતું. કમોસમી વરસાદ વરસતાં મગફળી અને તુવેરનો પાક ધોવાયો હતો. પાક નિષ્ફળ જતાં હવે કેવી રીતે દેવુ ચૂકવવું અને કેવી રીતે જીવન નિર્વાહ કરવો તે મુદ્દે ખેડૂત શૈલેષભાઈ મૂંઝવણમાં મૂકાયા હતાં. હવે આર્થિક રીતે બેઠાં થવાય તેવી સ્થિતિ નથી તેવું વિચારી તેણે ખેતરમાં ઝેરી દવા પીને મોતને વ્હાલ કર્યું હતું. ચિંતાજનક એ છે કે, પાક નિષ્ફળ જતાં આર્થિક સંકડામણ અનુભવતાં ખેડૂતોએ એક પછી મોતને વ્હાલુ કરી રહ્યાં છે.

અગાઉ રાજકોટ જિલ્લાના કોટડા સાંગણી તાલુકાના અરડોઈ ગામમાં 50 વર્ષિય ખેડૂત દીલીપ વિરિયાએ ઝેરી દવા પીને આપઘાત કરી હતી. જ્યારે વિંછીયા તાલુકાના રેવાણિયા ગામમાં 49 વર્ષિય ગફારભાઈ ઉનડે કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના રબારિકા ગામમાં 65 વર્ષિય વૃદ્ધ ખેડૂતે પણ આપઘાત કર્યો હતો. દેવભૂમિ દ્વારકામાં માનપુર ગામમાં 37 વર્ષિય કરશનભાઇ વાનોરિયાએ પણ આપઘાત કરી મોતને વ્હાલ કર્યું હતું.

રાજ્ય સરકારે 10 હજાર કરોડ રૂપિયાનું કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું છે, પરંતુ હજુ સુધી એકેય ખેડૂતને સહાયની કાણી પાઈ ચૂકવાઈ નથી. કૃષિ સહાય માટે ખેડૂતો ધરમધક્કા ખાઈ રહ્યાં છે પરંતુ સહાય ક્યારે મળશે તે હજુ કંઈ નક્કી નથી. કરોડોનું કૃષિ પેકેજ પણ ખેડૂતોને આર્થિક રીતે મદદરુપ થઈ શકે તેમ નથી.

સરકારે જ ખિસ્સું કાપ્યું 

ખેડૂતોની એવી ફરિયાદ છે કે, મગફળીના બારદાનનું વજન 700 ગ્રામ હોય છે પણ કૃષિ વિભાગ બારદાનનું વજન એક કિલો ગણે છે. જેથી ખેડૂતને બોરી દીઠ 300 ગ્રામ મગફળી વધુ આપવી પડી રહી છે. જો 75 મણ મગફળી ખરીદવામાં આવે તો 72 બોરી દીઠ કુલ મળીને 22 કિલો મગફળી મફતમાં આપવી પડે જેની કિંમત સરેરાશ 1600 રૂપિયા ગણી શકાય. બીજી તરફ, સરકારે દાવો કર્યો છે કે, અત્યાર સુધી ટેકાના ભાવે કુલ 1.05 લાખ મગફળી ખરીદવામાં આવી છે, જેનુ મૂલ્ય 769 કરોડ રૂપિયા થવા જાય છે.  45 હજારથી વધુ ખેડૂતોએ મગફળીનું વેચાણ કર્યું છે છે.

7-12, 8-અના દાખલા મેળવવા ખેડૂતોની દોડધામ

કૃષિ સહાય પેકેજ માટે ખેડૂતોએ દોડધામ મચાવી છે. અરજી સાથે દસ્તાવેજ રજૂ કરવાના હોવાથી ૭-૧૨, ૭ અ ના દાખલા મેળવવા ખેડૂતો ગ્રામ પંચાયત દોડયાં છે જ્યાં લાઇન લાગી છે. તેમાંય સર્વર ડાઉન થતાં દાખલા મેળવતાં ખેડૂતોને આંખે પાણી આવ્યુ છે. સર્વર ડાઉન થતાં ખેડૂતો કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરવામાં મુશ્કેલી વેઠી રહ્યાં છે. આટલી દોડધામ પછી પણ સહાય મળશે કે કેમ તે હજુ નક્કી નથી.

પાટણ, ભાભર સહિત ઉત્તર ગુજરાતમાં ખાતરની ખેંચ 

ખેડૂતોની મુશ્કેલી ઓછી થવાનુ નામ લેતી નથી. હજુ તો કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરવામાં ધાંધિયા થયાં છે. ત્યાં હવે રવિપાકના વાવેતર માટે ખેડૂતોને ખાતર મળતુ નથી. પાટણ-ભાભર સહિત અન્ય વિસ્તારોમાં ખાતરની કૃત્રિમ ખેંચ વર્તાઇ રહી છે. ખાતરના ડેપો પર ખેડૂતોની લાઈનો લાગી છે. કલાકો સુધી ઊભા રહ્યાં પછી માંડ એકાદ બેગ ખાતર મળી રહ્યું છે.

Share This Article