Ujjain Communal Violence: પશ્ચિમી મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના તરાણા નગરમાં ગુરુવાર સાંજે એક યુવા વિશ્વ હિન્દુ પરિષદ (VHP) નેતા પર થયેલા હુમલાએ જોતજોતામાં ઉગ્ર કોમી હિંસાનું સ્વરૂપ ધારણ કરી લીધું. આ નાના એવા નગરમાં મોટા પાયે તોડફોડ, આગચંપી અને કડક પોલીસ કાર્યવાહી જોવા મળી. આ ઘટના એટલા માટે પણ અત્યંત સંવેદનશીલ માનવામાં આવી રહી છે કારણ કે ઉજ્જૈન, પ્રદેશના મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી ડૉ. મોહન યાદવનો ગૃહ જિલ્લો છે. આખરે, આ હિંસા કેમ ભડકી અને પોલીસે અત્યાર સુધી શું એક્શન લીધા… વાંચો આ ઘટનાની ઇનસાઇડ સ્ટોરી.
કેમ ભડકી હિંસા?
ઉજ્જૈન હિંસાની શરૂઆત ગુરુવાર રાત્રે થઈ, જ્યારે સ્થાનિક વિશ્વ હિન્દુ પરિષદના ગૌ સેવા પ્રકોષ્ઠના પ્રમુખ સોહલ ઠાકુર બુંદેલા પર કથિત રીતે લઘુમતી સમુદાયના કેટલાક યુવકોએ હુમલા કરી દીધો. જાણવા મળ્યું છે કે સુખલા ગલી વિસ્તારમાં ઘૂરવા અને એક જ જગ્યાએ ઉભા રહેવા બાબતે પહેલા બોલાચાલી થઈ હતી, જે ટૂંક સમયમાં જ હિંસક અથડામણમાં ફેરવાઈ ગઈ. આ હુમલામાં સોહલ ઠાકુરને ઈજાઓ થઈ છે, જે હાલ હોસ્પિટલમાં દાખલ છે.
૧૩ બસો અને અનેક કારમાં તોડફોડ!
હુમલા બાદ બંને સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પથ્થરમારો શરૂ થયો અને વાહનો તથા મિલકતોને નિશાન બનાવવામાં આવ્યા. બસ સ્ટેન્ડ પાસે ઉભેલી ઓછામાં ઓછી ૧૧ બસોને નુકસાન થયું, જ્યારે અનેક કાર અને મોટરસાઇકલ પણ તોડી નાખવામાં આવી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મોડી રાત્રે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો અને તરાણામાં BNSS ની કલમ ૧૬૩ હેઠળ મનાઈહુકમ (નિષેધાજ્ઞા) લાગુ કરી દેવામાં આવ્યો.
જુમાની નમાજ બાદ ફરી લોકો સામસામે આવ્યા
જોકે, શુક્રવાર બપોરે ખાસ કરીને જુમાની નમાજ બાદ સ્થિતિ ફરી બગડી હતી. બંને પક્ષોના હથિયારધારી યુવકો સામસામે આવી જતાં સ્થાનિક પોલીસ દબાણમાં આવી ગઈ હતી. સ્થિતિ સંભાળવા માટે જિલ્લાના પાંચ થી દસ થાણાઓમાંથી વધારાનું પોલીસ બળ બોલાવવામાં આવ્યું હતું. તાજી અથડામણોમાં ફરીથી વાહનો, ઘરો અને દુકાનોને નિશાન બનાવવામાં આવ્યા. એક સમુદાયની મહિલાઓએ આરોપ લગાવ્યો કે તલવાર, રોડ અને લાકડીઓથી સજ્જ લોકો તેમના મહોલ્લામાં ઘૂસ્યા, ઘરો પર પથ્થરમારો કર્યો અને એક પૂજા સ્થળને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો.
ભીડ સામે લાચાર દેખાઈ પોલીસ
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં પોલીસની હાજરી હોવા છતાં કેટલાક લોકો બંધ ઘરોના તાળા તોડવાનો પ્રયાસ કરતા દેખાયા, જે હિંસાની ગંભીરતા દર્શાવે છે. અન્ય ક્લિપ્સમાં બંને પક્ષના લોકો ખુલ્લેઆમ હથિયારો લહેરાવતા અને એકબીજાને પડકારતા નજરે પડ્યા, જ્યારે પોલીસ ભીડને વિખેરવા માટે સંઘર્ષ કરતી જોવા મળી. શુક્રવારે પોલીસે હુમલાના કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ ઘાયલ VHP નેતાના સમર્થકોએ તરાણા પોલીસ સ્ટેશનની બહાર પ્રદર્શન કર્યું અને ધરપકડ કરાયેલા આરોપીઓને જાહેરમાં ફેરવવાની તથા તેમના મકાનો તોડી પાડવાની માંગ કરી.
૨૦ લોકોની અટકાયત, CM એ આપી ચેતવણી
સ્થાનિક અહેવાલો મુજબ, હિંસામાં ઓછામાં ઓછી ૧૩ બસો અને ૧૦ કારને ખરાબ રીતે નુકસાન થયું છે, એક બસને આગને હવાલે કરી દેવામાં આવી અને ૪ થી ૬ ઘરોને નુકસાન પહોંચ્યું. ઉજ્જૈનના પોલીસ અધિક્ષક પ્રદીપ શર્માએ જણાવ્યું કે, ‘અત્યાર સુધી ૧૫ થી ૨૦ લોકોની અટકાયત કરવામાં આવી છે. CCTV ફૂટેજ અને વીડિયો તપાસવામાં આવી રહ્યા છે. રમખાણોમાં સામેલ કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં.’ બીજી તરફ, દાવોસમાં આયોજિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ૨૦૨૬ થી પરત ફર્યા બાદ મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે કડક ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, ‘હિંસામાં સામેલ કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં.’
આ દરમિયાન, તરાણાના શહેર કાઝી સફીઉલ્લાહ અને સ્થાનિક કોંગ્રેસ ધારાસભ્ય મહેશ પરમારે શાંતિની અપીલ કરી છે. તેમણે કહ્યું કે તરાણામાં કોઈ મોટી કોમી હિંસાનો ઈતિહાસ રહ્યો નથી. ગુરુવારની ગુનાહિત ઘટનાના દોષિતોને કાયદા હેઠળ કડક સજા મળવી જોઈએ, પરંતુ તેના નામે નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવામાં ન આવે. DIG નવનીત ભસીન, કલેક્ટર રોશન સિંહ અને SP પ્રદીપ શર્માએ પોલીસ બળ સાથે તરાણા વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરી હતી.

