DRDO SFDR Technology Test: DRDO ની SFDR સફળતાએ ભારતને અપાવી ગ્લોબલ એજ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વૈજ્ઞાનિકોને પાઠવ્યા અભિનંદન

Arati Parmar
2 Min Read

DRDO SFDR Technology Test: સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ મંગળવારે સોલિડ ફ્યુઅલ ડક્ટેડ રેમજેટ (SFDR) ટેકનોલોજીનું સફળ પરીક્ષણ કર્યું છે. આ સિદ્ધિ સાથે ભારત વિશ્વના તે ગણ્યાગાંઠ્યા દેશોની હરોળમાં સામેલ થઈ ગયું છે, જેઓ આ અત્યાધુનિક ટેકનોલોજી ધરાવે છે. આ ટેકનોલોજી લાંબા અંતરની હવામાંથી હવામાં માર કરતી મિસાઈલોના વિકાસમાં મદદરૂપ થશે અને દુશ્મનો પર વ્યૂહાત્મક સરસાઈ પૂરી પાડશે.

સંરક્ષણ મંત્રીએ DRDO ને બિરદાવ્યું

સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે આ પરીક્ષણ ઓડિશાના કિનારે આવેલા ચાંદીપુરના સંકલિત પરીક્ષણ રેન્જ (ITR) માં કરવામાં આવ્યું હતું. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે SFDR ટેકનોલોજીના સફળ પરીક્ષણ માટે DRDO અને ઉદ્યોગ જગતના પ્રયાસોની પ્રશંસા કરી હતી.

- Advertisement -

ભારત બન્યું ખાસ

મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આ સફળ પ્રદર્શને ભારતને તે પસંદગીના દેશોની શ્રેણીમાં મૂક્યું છે કે જેમની પાસે આ ટેકનોલોજી છે, જે લાંબા અંતરની હવામાંથી હવામાં માર કરતી મિસાઈલો વિકસાવવા સક્ષમ બનાવે છે, જેનાથી હરીફો પર વ્યૂહાત્મક ધાર (ટેક્ટિકલ એજ) પ્રાપ્ત થાય છે.”

નિવેદનમાં ઉમેર્યું હતું કે નોઝલ-લેસ બૂસ્ટર, SFDR મોટર અને ફ્યુઅલ ફ્લો કંટ્રોલર સહિતની તમામ સબ-સિસ્ટમ્સનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું હતું. શરૂઆતમાં ‘ગ્રાઉન્ડ બૂસ્ટર મોટર’ દ્વારા સંચાલિત થયા બાદ તેણે નિર્ધારિત મેક સ્પીડ સુધી સચોટ કામગીરી કરી હતી.

- Advertisement -

લોન્ચિંગમાં સામેલ ટીમોને અભિનંદન

બંગાળની ખાડીના તટ પર ITR ચાંદીપુર દ્વારા તૈનાત કરવામાં આવેલા વિવિધ ટ્રેકિંગ સાધનો દ્વારા પ્રાપ્ત ફ્લાઇટ ડેટા પરથી સિસ્ટમના પ્રદર્શનની પુષ્ટિ કરવામાં આવી છે. આ પરીક્ષણની દેખરેખ DRDO ની વિવિધ પ્રયોગશાળાઓના વરિષ્ઠ વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવી હતી. સંરક્ષણ સંશોધન અને વિકાસ વિભાગના સચિવ અને DRDO ના અધ્યક્ષ સમીર વી. કામતે પણ સફળ પરીક્ષણમાં સામેલ તમામ ટીમોને અભિનંદન પાઠવ્યા હતા.

Share This Article