Gujarat Local Body Elections: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ભાજપનો વિરોધ

Arati Parmar
3 Min Read
Gujarat Local Body Elections

Gujarat Local Body Elections: ગુજરાતમાં આગામી ૨૬ એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે રાજકીય વાતાવરણ ગરમાયું છે. એક તરફ રાજ્યમાં ૭૩૩ બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, જેમાં મોટા ભાગની બેઠકો પર ભાજપનો કબજો છે, તો બીજી તરફ અનેક વિસ્તારોમાં ભાજપના ઉમેદવારોને જનતાના ભારે આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરોમાં પ્રચાર માટે નીકળેલા નેતાઓને લોકોએ આડે હાથ લીધા છે. ક્યાંક કાળાં કપડાં પહેરીને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, તો ક્યાંક સોસાયટીના પ્રવેશદ્વાર પર જ ભાજપના વિરોધના પોસ્ટરો લગાડીને ઉમેદવારોને પ્રવેશવા દેવાની મનાઈ કરી દેવામાં આવી છે.

અમદાવાદ અને સુરતમાં જનતાનો ભારે આક્રોશ

અમદાવાદના અસારવા વિસ્તારમાં રિડેવલપમેન્ટના મુદ્દે નારાજ રહીશોએ ‘કમલનું ફૂલ અમારી ભૂલ’ જેવા સૂત્રો સાથે વિરોધ નોંધાવ્યો હતો. ઇન્ડિયા કોલોની વિસ્તારમાં તો ભાજપના એક કાર્યકરને લોકોએ લાફાવાળી કરી હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. આવી જ રીતે સુરતમાં પણ સ્થિતિ ગંભીર છે. સુરતના અલથાણ અને કતારગામ જેવા વિસ્તારોમાં લોકોએ ઉમેદવારોને સીધો સવાલ કર્યો હતો કે ‘છેલ્લા પાંચ વર્ષમાં તમે ક્યાં હતા?’. ગંદકી, પાણી અને ડ્રેનેજની સમસ્યાઓથી કંટાળેલા લોકોએ હવે ‘કામ નહીં તો વોટ નહીં’નો મિજાજ અપનાવીને સત્તાધારી પક્ષ સામે મોરચો માંડ્યો છે.

- Advertisement -

વડોદરામાં પ્રચાર વચ્ચે ઉમેદવારોને ભગાડ્યા

વડોદરા શહેરમાં પણ ભાજપના ઉમેદવારો માટે સ્થિતિ વિકટ બની છે. વૉર્ડ નંબર ૬ અને ૧૯ માં પ્રચાર માટે પહોંચેલા ઉમેદવારોને લોકોએ ઘેરી લીધા હતા અને પીવાના ગંદા પાણી તેમજ તળાવોની દુર્દશા અંગે પ્રશ્નો કર્યા હતા. વ્રજવિહાર સોસાયટીના રહીશોએ તો સોસાયટીનો મુખ્ય ગેટ બંધ કરી દીધો હતો અને નેતાઓ પાસે પાંચ વર્ષના કામનો હિસાબ માંગ્યો હતો. જ્યારે નેતાઓ સવાલોના જવાબ ન આપી શક્યા ત્યારે તેમણે ત્યાંથી ચાલતી પકડવી પડી હતી. આ વખતે મતદારોમાં જાગૃતિ જોવા મળી રહી છે અને તેઓ માત્ર પક્ષના નામે નહીં પણ કામના આધારે વોટ આપવાની વાત કરી રહ્યા છે.

વિશ્લેષકોનો મત: સુવિધાઓનો અભાવ વિરોધનું મૂળ

રાજકીય વિશ્લેષકોના મતે આ વિરોધ ભલે અત્યારે નાના પાયે દેખાતો હોય, પરંતુ તે જનતાના ઊંડા અસંતોષનું પ્રતીક છે. શહેરોના કદ વધ્યા છે પણ માળખાગત સુવિધાઓ જેમ કે ગટર, રસ્તા અને શુદ્ધ પાણીની ગુણવત્તામાં કોઈ સુધારો થયો નથી. જનતાની મુખ્ય ફરિયાદ એ છે કે તેમના પ્રતિનિધિઓ માત્ર ચૂંટણી સમયે જ દેખાય છે. જો ઉમેદવારો અને પક્ષો સમયસર નહીં સુધરે, તો આ લોકરોષની અસર આગામી પરિણામો પર ચોક્કસપણે જોવા મળી શકે છે. માત્ર ભાજપ જ નહીં, પણ ક્યાંક ક્યાંક નિષ્ક્રિય વિપક્ષ તરીકે કોંગ્રેસ સામે પણ લોકો પોતાનો ઊભરો ઠાલવી રહ્યા છે.

- Advertisement -
Share This Article