Elon Musk Starlink India Launch: એલોન મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ કંપની ‘સ્ટારલિંક’ (Starlink) એ મોટી સફળતા હાંસલ કરી છે. અહેવાલો અનુસાર, સ્ટારલિંકનું સંચાલન કરતી કંપની SpaceX એ જણાવ્યું છે કે તેની પાસે હવે 1 કરોડથી વધુ ગ્રાહકો છે. ડિસેમ્બર 2025 માં ગ્રાહકોની સંખ્યા 90 લાખ હતી, જે હવે 1 કરોડને વટાવી ગઈ છે. દરરોજ અંદાજે 19,000 નવા ગ્રાહકો સ્ટારલિંકની સેવાની પસંદગી કરી રહ્યા છે.
ભારતમાં આ વર્ષે સેવા શરૂ થઈ શકે છે
સ્ટારલિંકની સેવાઓ આ વર્ષે ભારતમાં શરૂ થવાની શક્યતા છે. કંપનીને ગત વર્ષે ભારત સરકાર તરફથી જરૂરી મંજૂરીઓ મળી ગઈ હતી. હવે સ્ટારલિંકે ભારતમાં ગ્રાઉન્ડ સ્ટેશન અને પોતાનું નેટવર્ક સ્થાપિત કરવાનું છે, ત્યારબાદ આ સેવા દેશમાં શરૂ થશે. શરૂઆતમાં મર્યાદિત લોકોને આ સુવિધા આપવામાં આવશે અને ધીમે-ધીમે તેનો વ્યાપ વધારવામાં આવશે. પડોશી દેશો બાંગ્લાદેશ અને શ્રીલંકામાં સ્ટારલિંક ઉપલબ્ધ છે, જ્યારે પાકિસ્તાનમાં હજુ મંજૂરી મળી નથી.
ડાયરેક્ટ ટુ ડિવાઇસ કમ્યુનિકેશનની તૈયારી
સ્ટારલિંક હવે માત્ર તેની કિટ દ્વારા જ નહીં, પરંતુ ‘ડાયરેક્ટ ટુ ડિવાઇસ’ કમ્યુનિકેશન પર પણ કામ કરી રહી છે. અમેરિકામાં ટી-મોબાઇલ સાથે મળીને કંપની સીધા ફોનમાં નેટવર્ક પહોંચાડવાનું કામ કરી રહી છે, જે કટોકટીના સમયે ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે.
સ્ટારલિંક નેટવર્ક કેવી રીતે કામ કરે છે?
SpaceX પાસે પૃથ્વીની નીચલી કક્ષા (LEO) માં હજારો સેટેલાઇટ્સ છે. આ સેટેલાઇટ્સ અવકાશમાંથી પૃથ્વી પર સિગ્નલ મોકલે છે. ગ્રાહકોએ એક કિટ ખરીદવી પડે છે જેમાં છત્રી જેવું ઉપકરણ હોય છે, જે ખુલ્લા આકાશમાંથી સિગ્નલ મેળવી રાઉટર દ્વારા વાઇફાઇ (WiFi) પ્રદાન કરે છે.
સ્ટારલિંક પર લાગતા આક્ષેપો
સ્ટારલિંક પર તેના નેટવર્કના દુરુપયોગના આક્ષેપો પણ થાય છે. તાજેતરમાં ઈરાનમાં ઇન્ટરનેટ શટડાઉન દરમિયાન લોકો સ્ટારલિંકનો ઉપયોગ કરતા પકડાયા હતા. એલોન મસ્કે ઈરાનના લોકો માટે આ સેવા મફત જાહેર કરી હતી.

