EPFO E-PRAAPTI Portal: શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે કહ્યું કે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) ઈ-પ્રાપ્તિ (E-PRAAPTI) પોર્ટલ લોન્ચ કરવા જઈ રહ્યું છે. આના દ્વારા જૂના અને નિષ્ક્રિય ઈપીએફ ખાતાઓ શોધી કાઢવા સાથે તેમને યુએન (UAN) સાથે જોડવા અને ચાલુ કરવામાં મદદ મળશે. આવું થવાથી ઈપીએફઓ સભ્યોને આ ખાતાઓની રકમ મેળવવામાં સરળતા રહેશે.
માંડવિયાએ જણાવ્યું કે, ‘EPF આધાર બેઝ્ડ એક્સેસ પોર્ટલ ફોર ટ્રેકિંગ ઇનઓપરેટિવ એકાઉન્ટ્સ (E-PRAAPTI) માં આધાર આધારિત ઓથેન્ટિકેશન મિકેનિઝમ હશે. આનાથી સભ્યો તેમના જૂના ઈપીએફ એકાઉન્ટને સુરક્ષિત રીતે એક્સેસ કરી શકશે, ભલે તે યુએન સાથે જોડાયેલા ન હોય. સભ્યો આ સુવિધા દ્વારા પોતાની પ્રોફાઇલ અપડેટ કરી શકશે, ત્યારબાદ યુએન સાથે લિંક કરી શકાશે અને ખાતાને ચાલુ કરી શકાશે’.
શું છે ખાસ?
E-PRAAPTI નો મુખ્ય ઉદ્દેશ્ય બંધ પડેલા પીએફ ખાતાઓ શોધવા અને તેમને ચાલુ કરવાનો છે.
ખાતેદાર આધાર દ્વારા સુરક્ષિત રીતે પોતાના જૂના ખાતાઓની માહિતી મેળવી શકશે.
જૂના ખાતાઓને અપડેટ કરીને યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) સાથે જોડવામાં આવશે.
મેમ્બર આઈડી કેટલી જરૂરી?
શરૂઆતના તબક્કામાં આ પોર્ટલ મેમ્બર આઈડી (Member ID) પર આધારિત હશે જેથી સુરક્ષિત રીતે આ સુવિધા શરૂ કરી શકાય. એવામાં તેવા EPFO સભ્યોને તરત લાભ મળશે, જેમની પાસે મેમ્બર આઈડી ઉપલબ્ધ છે. માંડવિયાએ કહ્યું કે, ‘આગળ જતાં E-PRAAPTI નો વ્યાપ તેવા સભ્યો સુધી લઈ જવાની યોજના છે, જેઓ પોતાના જૂના મેમ્બર ID ભૂલી ગયા છે અથવા એક્સેસ કરી શકતા નથી’.
ઈપીએફઓએ 12 અંકોનો યુએન જારી કરવાનું 2014માં શરૂ કર્યું હતું. ઈપીએફઓના લેટેસ્ટ આંકડા મુજબ, લગભગ 32 લાખ ઈપીએફ ખાતા નિષ્ક્રિય છે. એવા પણ ઘણા લોકો છે, જેમણે પહેલા ઘણી નોકરીઓ બદલી અને મેમ્બર આઈડી ભૂલી જવાને કારણે ખાતા એક્સેસ કરી રહ્યા નથી.
ATM થી PF ના પૈસા ટૂંક સમયમાં
પીએમ નરેન્દ્ર મોદી પોતાના ત્રીજા કાર્યકાળની બીજી વર્ષગાંઠ સાથે જોડાયેલા કાર્યક્રમો હેઠળ ઈપીએફઓના સભ્યો માટે ઘણી સુવિધાઓની શરૂઆત કરી શકે છે. જેમાં ઈપીએફઓ સભ્યોને યુપીઆઈ (UPI) અને એટીએમ (ATM) દ્વારા ક્લેમની તરત જ ઉપાડ સહિત ઘણી સુવિધાઓ મળશે. ઈપીએફઓ પોતાની સિસ્ટમના અપગ્રેડેશન માટે EPFO 2.01 હેઠળ સેન્ટ્રલાઇઝ્ડ આઈટી ઇનેબલ્ડ સિસ્ટમ બનાવી રહ્યું છે. મોદીએ ત્રીજા કાર્યકાળમાં વડાપ્રધાન પદના શપથ 9 જૂન 2024 ના રોજ લીધા હતા.
EPFO 2.01 હેઠળ સભ્યો પોતાના ક્લેમની રકમ યુપીઆઈ દ્વારા પોતાના બેંક ખાતામાં તરત જ મેળવી શકશે અને પછી કોઈ પણ એટીએમથી ઉપાડી શકશે.
સેન્ટ્રલાઇઝ્ડ સિસ્ટમ હોવાથી સભ્યો ક્લેમ સેટલમેન્ટ સહિત ઈપીએફઓ સાથે જોડાયેલા કામ દેશમાં કોઈ પણ ઓફિસથી કરાવી શકશે.

