Gold Carat Purity Adulteration: સોનુ અને તેમાંથી બનાવવામાં આવેલા આભૂષણો બધાને પસંદ હોય છે. ખાસ કરીને ભારતીય મહિલાઓ માટે સોનુ ખરીદવું માત્ર સજાવટ માટે જ નહીં, પરંતુ તેને શુભ સંકેત પણ માનવામાં આવે છે. કેટલાક લોકો તો આખા શરીર પર સોનાના ઘરેણાં પહેરીને બધાનું ધ્યાન આકર્ષતા હોય છે. આજના સમયમાં લગ્ન પ્રસંગે અને અન્ય શુભ પ્રસંગોમાં સોનુ ખરીદવું ફરજિયાત બની ગયું છે. વર્તમાન સમયે એક તોલો સોનુ 1.20 લાખ રૂપિયાથી વધુના ભાવે વેચાઈ રહ્યું છે. સોનામાં મિલાવટનો અર્થ છે કે સોનાના દાગીના બનાવવામાં કેટલું સોનુ વેડફાય છે અને તેની શુદ્ધતા કેટલી ઓછી થઈ જાય છે.
સોનાને સામાન્ય રીતે કેરેટ અને મિલાવટની ટકાવારીમાં માપી શકાય છે. 24 કેરેટ શુદ્ધ સોનામાં અન્ય ધાતુઓ મિક્સ કરવાથી તેની મજબૂતી વધે છે. જોકે, આ મિશ્રણમાં ધાતુઓની ટકાવારી મિલાવટને નક્કી કરે છે. જણાવી દઈએ કે 24 કેરેટ સોનુ ખૂબ જ નાજુક હોય છે. જેના કારણે સોનાના ઘરેણાં બનાવવા મુશ્કેલ બને છે.
જેથી તેમાં મજબૂતી લાવવા માટે તાંબુ, ઝીંક, ચાંદી, કેડમિયમ જેવી ધાતુઓ મિક્સ કરવામાં આવે છે. આ ધાતુઓની જેટલી ટકાવારી હોય છે, તેની પર સોનાની શુદ્ધતા નિર્ભર થાય છે. આ ધાતુઓની ટકાવારી વધુ હોય તો તેને 22 કેરેટ સોનુ અને વધુ મિક્સ કરવામાં આવે તો 18 કેરેટ સોનુ કહેવાય છે.
સોનાના ઘરેણાં બનાવતી વખતે તેને કાપવા, જોડવા, ચમકાવવા વગેરેના કારણે સોનાનો થોડો બગાડ થાય છે. 22 કેરેટ સોનામાંથી ઘરેણાં બનાવવા માટે 10 ગ્રામ પર 1 ગ્રામ મિક્સ કરવામાં આવે છે. 10 ગ્રામના સોનાના બિસ્કિટથી કોઈપણ ઘરેણું બનાવવા માટે તેમાં 1 ગ્રામ મિલાવટ થાય છે.
સોનાના ઘરેણાં ઓગાળવા પર તેમાં રહેલ ધાતુઓની બાષ્પીભવન થઈ જાય છે, જેથી તમને મળેલા બિસ્કિટનું વજન તમે આપેલા આભૂષણો કરતાં ઓછું વજનવાળું હોય છે.
રોકાણના દ્રષ્ટિકોણથી જોઈએ તો ઘરેણાંને ઓગાળીને બિસ્કીટમાં ફેરવવા ફાયદાકારક હોય છે. કારણ કે તમે મેકિંગ ચાર્જ વિના ઘરેણાં મેળવી શકો છો. જો સોનુ એક્સચેન્જ કરવું હોય તો સોની પાસે ઓગાળીને ગોલ્ડ બિસ્કિટ કે લગડી આપીને જ્વેલરી લેવી ફાયદાકારક છે.
સોના સાથે સંબંધિત કામ કરનાર જણાવે છે કે, ઘણા લોકો સોનુ વાપરે છે, ખરીદે છે, પરંતુ મિલાવટની બાબતે જાણકારી ન હોવાના કારણે નુક્શાન થઈ શકે છે. જ્યારે સોનાનો ભાવ 1.10 લાખ રૂપિયાથી વધી જાય છે, ત્યારે આ જાણકારીઓને ન જાણવા પર ગ્રાહકોને જ નુક્શાન થાય છે.

