IEEPA Act Trump Tariff: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે ટ્રમ્પના ટેરિફને રદ કરી દીધા છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે ટ્રમ્પે ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) હેઠળ વૈશ્વિક ટેરિફ લગાવીને પોતાના અધિકારનું ઉલ્લંઘન કર્યું હતું. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ટેરિફ લગાવવાનો અધિકાર અમેરિકી બંધારણ હેઠળ કોંગ્રેસ પાસે છે. આ નિર્ણયની અસર ફેબ્રુઆરી ૨૦૨૫ પછી લાદવામાં આવેલા ટેરિફ પર પડશે.
શું છે IEEPA કાયદો?
ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) ૧૯૭૭ માં પસાર થયેલ એક અમેરિકી કાયદો છે. આ રાષ્ટ્રપતિને વિદેશી જોખમો સાથે જોડાયેલી રાષ્ટ્રીય કટોકટી (નેશનલ ઇમરજન્સી) દરમિયાન આર્થિક વ્યવહારોને નિયંત્રિત કરવાની મંજૂરી આપે છે. આ કાયદો ઇમ્પોર્ટ, એક્સપોર્ટ અને નાણાકીય વ્યવહારોને કંટ્રોલ કરવાનો અધિકાર આપે છે. જોકે, આ કાયદામાં ખાસ કરીને ‘ટેરિફ’ શબ્દનો ઉલ્લેખ નથી.
ટ્રમ્પ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિઓએ IEEPA નો ઉપયોગ પ્રતિબંધો લગાવવા અને વેપારને પ્રતિબંધિત કરવા માટે કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ વૈશ્વિક ટેરિફ લગાવવા માટે IEEPA નો ઉપયોગ કરનારા પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે IEEPA ટેરિફને અધિકૃત કરતું નથી કારણ કે ટેરિફ લગાવવાનો અધિકાર બંધારણ હેઠળ કોંગ્રેસ (સંસદ) પાસે છે.
આ 5 બાબતોમાં IEEPA નો ઉપયોગ થઈ શકે છે:
આર્થિક નિર્ણયો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં.
ઇમ્પોર્ટ-એક્સપોર્ટ પર પ્રતિબંધ મૂકવામાં.
વિદેશી સંપત્તિઓને ફ્રીઝ (જપ્ત) કરવામાં.
ડોલર ટ્રાન્ઝેક્શન અને બેંકિંગને કંટ્રોલ કરવામાં.
વિદેશી રોકાણને નિયંત્રિત કરવામાં.
કેટલી વાર થયો છે IEEPA નો ઉપયોગ?
વર્ષ ૧૯૭૭ માં લાગુ થયા બાદ આ કાયદાનો ઉપયોગ અત્યાર સુધી ૮૨ વખત અલગ-અલગ રાષ્ટ્રીય કટોકટીઓમાં થયો છે.
અમેરિકામાં જાહેર કરાયેલી તમામ રાષ્ટ્રીય કટોકટીઓમાંથી લગભગ ૯૦% આ જ કાયદા હેઠળ હોય છે.
આ કાયદાનો ઉપયોગ પ્રથમવાર વર્ષ ૧૯૭૯ માં રાષ્ટ્રપતિ જિમી કાર્ટરે બંધક સંકટ દરમિયાન ઈરાની સંપત્તિને બ્લોક કરવા માટે કર્યો હતો.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે IEEPA નો ઉપયોગ સૌથી વધુ કર્યો. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન ૨૨ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી, જેમાંથી મોટાભાગની કટોકટીમાં IEEPA નો સહારો લેવામાં આવ્યો હતો.
ચુકાદામાં કોર્ટે શું કહ્યું?
સુપ્રીમ કોર્ટે વૈશ્વિક ટેરિફ માટે IEEPA ના ઉપયોગને ફગાવી દીધો. સુપ્રીમ કોર્ટે ૬-૩ ના ચુકાદામાં કહ્યું કે ટ્રમ્પ પાસે IEEPA હેઠળ વ્યાપક વૈશ્વિક ટેરિફ લગાવવાનો અધિકાર નહોતો. મુખ્ય ન્યાયાધીશ જોન રોબર્ટ્સે લખ્યું કે IEEPA રાષ્ટ્રપતિને કટોકટી દરમિયાન આયાતને નિયંત્રિત કરવાની મંજૂરી આપે છે, પરંતુ ટેરિફ લગાવવાનો અધિકાર આપતું નથી. અદાલતે કહ્યું કે કોંગ્રેસ પાસે ટેરિફ લગાવવાની શક્તિ છે. રોબર્ટ્સે ઉમેર્યું કે ટ્રમ્પ પ્રશાસને IEEPA હેઠળ ટેરિફની મંજૂરી આપતો કોઈ ચોક્કસ કાયદો દર્શાવ્યો નથી.

