Reliance Market Cap: દેશની સૌથી વધુ માર્કેટ વેલ્યુ ધરાવતી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં છેલ્લા બે દિવસમાં 12%નો ઉછાળો નોંધાયો છે. આ સાથે રિલાયન્સ ફરી એકવાર વિશ્વની ટોચની 100 કંપનીઓની યાદીમાં સામેલ થઈ છે. મુકેશ અંબાણીની આ કંપની આ યાદીમાં સ્થાન મેળવનારી એકમાત્ર ભારતીય કંપની છે.
સોમવારે રિલાયન્સના શેરમાં 11.64%નો વધારો થયો હતો, જ્યારે મંગળવારે 0.55%ના વધારા સાથે શેરબજાર બંધ થયું હતું. આ સાથે કંપનીનું માર્કેટ કેપ આશરે 17.60 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.
companiesmarketcap.com ના આંકડા મુજબ, રિલાયન્સનું માર્કેટ કેપ 187.39 અબજ ડૉલર થઈ ગયું છે. માર્કેટ કેપની દૃષ્ટિએ વિશ્વની ટોચની કંપનીઓની યાદીમાં રિલાયન્સ 99મા ક્રમે પહોંચી છે. લાંબા સમય બાદ કંપનીએ આ યાદીમાં ફરી સ્થાન મેળવ્યું છે.
આ યાદીમાં એનવિડિયા ફરી પ્રથમ ક્રમે પહોંચી છે. તેનું માર્કેટ કેપ 4.990 ટ્રિલિયન ડૉલર છે. આઇફોન બનાવતી એપલ 4.843 ટ્રિલિયન ડૉલરના માર્કેટ કેપ સાથે બીજા ક્રમે આવી ગઈ છે.
અમેરિકાનું વર્ચસ્વ
વિશ્વની ટોચની 100 કંપનીઓની યાદીમાં અમેરિકાનું વર્ચસ્વ જોવા મળે છે. વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતા અમેરિકાની 62 કંપનીઓને આ યાદીમાં સ્થાન મળ્યું છે. જ્યારે ચીનની 10 કંપનીઓ સામેલ છે.
ચાઇના કન્સ્ટ્રક્શન બેન્ક 462.86 અબજ ડૉલરના માર્કેટ કેપ સાથે 26મા ક્રમે છે. બ્રિટનની પાંચ, સ્વિટ્ઝર્લેન્ડ અને ફ્રાન્સની ત્રણ-ત્રણ તથા જાપાન, ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયાની બે-બે કંપનીઓને ટોચની 100માં સ્થાન મળ્યું છે.
ટોચની 10 કંપનીઓમાં કોનું સ્થાન?
ટોચની 10 કંપનીઓમાં પણ અમેરિકાનું વર્ચસ્વ છે. આ યાદીમાં અમેરિકાની આઠ કંપનીઓ સામેલ છે. તેમાં AI ચિપ બનાવતી એનવિડિયા અને એપલ ઉપરાંત માઇક્રોસોફ્ટ, ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટ, એમેઝોન, સ્પેસએક્સ, મેટા પ્લેટફોર્મ્સ અને બ્રોડકોમનો સમાવેશ થાય છે.
આ યાદીમાં તાઇવાનની ચિપ ઉત્પાદક કંપની TSMC 2.099 ટ્રિલિયન ડૉલરના માર્કેટ કેપ સાથે છઠ્ઠા ક્રમે છે. જ્યારે સાઉદી અરામકો 1.687 અબજ ડૉલરના માર્કેટ કેપ સાથે આઠમા ક્રમે છે.

