Warren Buffett Farewell Letter: દુનિયાના પ્રખ્યાત રોકાણકાર વોરેન બફેટ હવે નિવૃત્તિ તરફ આગળ વધી રહ્યા છે. તેઓ હવે પોતાની કંપની બર્કશાયર હેથવેનો વાર્ષિક રિપોર્ટ નહીં લખે. 60 વર્ષ સુધી કંપની સંભાળનાર બફેટે શેરહોલ્ડર્સને એક ‘ફેરવેલ’ પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે પોતાની જિંદગી વિશે વાત કરી છે અને સાથે જ સમાજને વધુ સારો બનાવવા માટે અન્ય લોકોની મદદ કરવાની વિનંતી પણ કરી છે. વોરેન બફેટે પોતાની જિંદગી ઓમાહામાં જ વિતાવી છે. તેઓ વોશિંગ્ટન અથવા ન્યૂયોર્કમાં કેમ સ્થાયી ન થયા, તેનું કારણ પણ તેમણે પોતાના પત્રમાં જણાવ્યું છે.
લગભગ 13 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવનાર બફેટે કહ્યું કે, તેઓ ઇચ્છે છે કે તેમના બાળકો તેમની સંપત્તિનો મોટાભાગનો હિસ્સો તેમના ફાઉન્ડેશન્સ દ્વારા સમાજને પરત આપે. બફેટે લગભગ 12 હજાર કરોડ રૂપિયાના 1800 ‘એ’ શેર દાનમાં આપવાની જાહેરાત પણ આ પત્રમાં કરી છે. બફેટે લખ્યું કે, તેઓ હવે શાંતિથી રહેવા માંગે છે. તેમણે લખ્યું, “95 વર્ષની ઉંમરે જીવવું મારા માટે ચમત્કારથી ઓછું નથી. બાળપણમાં હું લગભગ મરી જ ગયો હતો. 1938માં એક વખત મને ખૂબ જ તીવ્ર પેટમાં દુખાવો થયો. રાત્રે જ હોસ્પિટલ જવું પડ્યું, જ્યાં મારી એપેન્ડિક્સ સર્જરી થઈ.
તેમણે પોતાનું શહેર કેમ ન છોડ્યું?-બફેટે લખ્યું કે, તેમણે 1958માં ઓમાહામાં 31 હજાર ડોલરમાં પહેલું અને એકમાત્ર ઘર ખરીદ્યું. થોડા વર્ષો વોશિંગ્ટન અને ન્યૂયોર્કમાં રહ્યા, પરંતુ જલ્દી જ પાછા ઓમાહા આવી ગયા. બફેટના મતે, “મને જલ્દી સમજાઈ ગયું કે મારું ઘર ઓમાહા જ છે. અહીંના પાણીમાં કદાચ કોઈ જાદુ છે. મિત્રો, પરિવાર, સાદગી અને ઈમાનદારીની જેવી દુનિયા અહીં મળી, તે જ મારી સાચી મૂડી રહી. કોઈ બીજા શહેરમાં હોત તો કદાચ હું આટલું સારું ન કરી શક્યો હોત.”
બધો નસીબનો ખેલ-બફેટે લખ્યું કે, નસીબ તમને સાચી જગ્યાએ જન્મ આપે છે. વૃદ્ધ થવું સિદ્ધિ નથી, નસીબની કૃપા છે. કેટલાક લોકો વિશેષાધિકારો સાથે જન્મે છે, જ્યારે કેટલાકને સંઘર્ષનો ભાગ મળે છે. તેમણે લખ્યું, “હું અમેરિકા માં જન્મ્યો. સ્વસ્થ, ગોરો, પુરુષ અને મધ્યમવર્ગીય પરિવારમાં. આ જેકપોટ હતો.”
ગ્રેગ એબલને ગણાવ્યા હોશિયાર-બફેટે બર્કશાયર હેથવેના સીઇઓ બનનારા ગ્રેગ એબલની ખૂબ પ્રશંસા કરી. તેમણે લખ્યું, “ગ્રેગ એબલ તે જોખમોને ઓળખે છે, જેને ઘણા અનુભવી સીઇઓ અવગણતા હોય છે. હું પણ ઘણી વખત આવા પરિસ્થિતિમાં સમયસર પગલાં નહીં લઈ શક્યો. એક વખત કંપનીઓને કહેવામાં આવ્યું કે, સીઇઓ અને કર્મચારીઓના પગાર જાહેર કરો. પરંતુ આથી પારદર્શિતા નહીં, ઈર્ષા વધી ગઈ.”
ભૂલોથી ન ડરો-બફેટે કહ્યું કે તમે ભૂલોથી ન ડરો. શીખીને આગળ વધો. સાચા નાયકને ઓળખીને અનુસરો. અલ્ફ્રેડ નોબેલે જ્યારે ભૂલથી પોતાનું મૃત્યુલેખ વાંચ્યું તો તેને બદલવાની હઠ પકડી અને નોબેલ પુરસ્કાર શરૂ કર્યો. તમે કોઈ અખબારની ભૂલની રાહ ન જુઓ. આજે જ નક્કી કરો કે તમારી વાર્તા કેવી હોવી જોઈએ. એવી જ જિંદગી જીવો. પૈસા, પ્રસિદ્ધિ અથવા સત્તાથી મહાનતા નથી આવતી. કોઈની મદદ કરીને જ તમે વધુ સારી દુનિયા બનાવી શકો છો. ધ્યાન રાખો, અન્ય લોકો સાથે તેવું જ વર્તન કરો, જેવું તમે તમારા માટે ઇચ્છો છો. સફાઈકર્મી પણ એટલો જ માણસ છે, જેટલો ચેરમેન વોરેન બફેટ.

