Beno Zephine Success Story: ભારતની પ્રથમ નેત્રહીન IFS ઓફિસર બેનો જેફિનની સંઘર્ષગાથા; જાણો કેવી રીતે માતાના અવાજ અને પિતાના ટેકાએ રચી દીધો ઈતિહાસ!

Arati Parmar
4 Min Read

Beno Zephine Success Story: દ્રઢ સંકલ્પ અને હાર ન માનવાનો જઝબો હોય તો મોટી મુશ્કેલી પણ તમારી સામે ટકી શકતી નથી. ચેન્નાઈના એક સામાન્ય પરિવારમાંથી આવતી બેનો જેફિન અઝગીરી (Beno Zephine Azhagiri) નો જન્મ ૧૯ એપ્રિલ ૧૯૯૦ના રોજ થયો હતો. ઘરમાં દીકરીના આગમનથી ખુશીનો માહોલ હતો. દીકરીએ આંખો તો ખોલી પરંતુ ક્યારેય તેનાથી દુનિયા જોઈ શકી નહીં. આમ છતાં માતા-પિતાએ દીકરીને લાડ-કોડથી ઉછેરી. ક્યારેય નેત્રહીન હોવાનો અહેસાસ પણ થવા ન દીધો. આજે તે જ દીકરી IFS ઓફિસર છે. ભારતની પહેલી નેત્રહીન આઈએફએસ ઓફિસર બેનો જેફિનની સક્સેસ સ્ટોરી દેશના યુવાનો માટે પ્રેરણાનું ઉદાહરણ છે.

રેલવેમાં કર્મચારી હતા પિતા, માતા ગૃહિણી

બેનો જેફિનના પિતા લ્યુક એન્થન ચાર્લ્સ ભારતીય રેલવેમાં કર્મચારી રહી ચૂક્યા છે, જ્યારે બેનો જેફિનની માતા મેરી પદ્મજા એક ગૃહિણી છે. બેનોએ શાળાકીય અભ્યાસ ચેન્નાઈમાં આવેલી લિટલ ફ્લાવર કોન્વેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલમાંથી કર્યો હતો. દ્રષ્ટિહીન હોવા છતાં તેમણે ક્યારેય હાર માની નહીં. તેઓ બાળપણથી જ ભણવામાં હોશિયાર રહ્યા છે. શાળામાં વકતૃત્વ સ્પર્ધામાં તેઓ પ્રથમ આવતા હતા. એક ઈન્ટરવ્યુમાં બેનો જેફિનએ કહ્યું હતું કે, ‘મારા પરિવારે ક્યારેય મને દિવ્યાંગ હોવાનો અહેસાસ થવા દીધો નથી. મારું શાળા જીવન ખૂબ જ સારું પસાર થયું અને મારી શાળાના તમામ શિક્ષકોએ મને દરેક વળાંક પર સાથ આપ્યો.’

- Advertisement -

બાળપણમાં જ નક્કી કરી લીધું હતું કે સિવિલ સેવામાં જવું છે

બેનોએ શાળાના દિવસોમાં જ પોતાનું લક્ષ્ય નક્કી કરી લીધું હતું. તેમણે વિચારી લીધું હતું કે આગળ સિવિલ સેવામાં જવું છે. જોકે તેમના માટે આ સરળ નહોતું. તેમણે બ્રેઈલ લિપિ શીખી. તેમાં જ અભ્યાસ કર્યો. શાળામાંથી નીકળ્યા બાદ સ્ટેલા મેરિસ કોલેજ, ચેન્નાઈથી ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ લિટરેચરમાં બેચલર ડિગ્રી મેળવી. પછી લોયોલા કોલેજથી વર્ષ ૨૦૧૩માં માસ્ટર્સની ડિગ્રી મેળવી. તેઓ લોયોલા સ્ટુડન્ટ્સ યુનિયનના સભ્ય અને લોયોલા મહિલા ફોરમના સભ્ય તરીકે સક્રિય રહ્યા.

નેત્રહીનતા સાથે યુપીએસસીની તૈયારી

જ્યારે મોટાભાગના લોકો અવરોધો જુએ છે, ત્યારે બેનો જેફિન અઝગીરી શક્યતાઓ જુએ છે. બેનોનું લક્ષ્ય હજુ અધૂરું હતું, તેમણે કોલેજમાંથી નીકળતા જ દેશની સૌથી કઠિન અને પ્રતિષ્ઠિત પરીક્ષાઓમાંની એક યુપીએસસી સિવિલ સેવા પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી. બ્રેઈલમાં લખાયેલા પુસ્તકો શોધ્યા. કોમ્પ્યુટરમાં એવા સોફ્ટવેર નંખાવ્યા જે અવાજ પર કામ કરે છે, તેમને સાંભળીને ઈન્ટરનેટ દ્વારા સ્ટડી મટિરિયલ કાઢ્યું અને તેનાથી તૈયારી કરી.

- Advertisement -

પિતા બ્રેઈલનું સ્ટડી મટિરિયલ લાવતા, માતા અખબાર-પુસ્તકો વાંચી સંભળાવતા

બેનોને દરેક વળાંક પર પોતાના માતા-પિતાનો સાથ મળ્યો. તેમણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમની માતા પદ્મજા તેમને અખબાર વાંચી સંભળાવતા હતા. કલાકો સુધી પુસ્તકો વાંચી સંભળાવતા હતા. એવો કોઈ દિવસ બાકી નહોતો જ્યારે માતા અખબાર વાંચી ન સંભળાવે. જ્યારે પિતા બ્રેઈલમાં ઉપલબ્ધ સ્ટડી મટિરિયલ લાવતા હતા. આ ઉપરાંત બેનો ટીવી પર સમાચાર સાંભળતા હતા.

જ્યારે બેનો જેફિનએ જીતી લીધી દુનિયા

કોલેજમાંથી નીકળ્યાના આગલા વર્ષે એટલે કે ૨૦૧૪માં બેનો જેફિનએ યુપીએસસી સિવિલ સેવા પરીક્ષા આપી. આ પરીક્ષાનું પરિણામ ૨૦૨૫માં જાહેર થયું. પોતાના પહેલા જ પ્રયત્નમાં બેનોએ યુપીએસસી સિવિલ સેવા પરીક્ષામાં ૩૪૩મી રેન્ક મેળવી. આ તેમના અને તેમના પરિવાર માટે દુનિયા જીતવા થી ઓછું નહોતું. બેનોએ શાળામાં જે સપનું જોયું હતું તે સાચું પડ્યું. તેઓ ઇન્ડિયન ફોરેન સર્વિસ (IFS) ઓફિસર છે.

- Advertisement -

આજે ક્યાં છે IFS ઓફિસર બેનો જેફિન

આઈએફએસ ઓફિસર બેનો જેફિન અઝગીરી આજે ઇન્ડોનેશિયાની રાષ્ટ્રીય રાજધાની જકાર્તામાં ફર્સ્ટ સેક્રેટરી (કોમર્શિયલ એન્ડ પોલિટિકલ) પદે તૈનાત છે. તેમને વર્ષ ૨૦૨૫માં જકાર્તામાં સ્થિત ભારતીય દૂતાવાસમાં પોસ્ટિંગ મળ્યું હતું. આ પહેલા તેઓ ત્રણ વર્ષ ભારતીય હાઈ કમિશન, કુઆલાલંપુરમાં ફર્સ્ટ સેક્રેટરી (માહિતી/રાજકીય/નીતિ આયોજન), ત્રણ વર્ષ વિદેશ મંત્રાલયમાં અન્ડર સેક્રેટરી (નીતિ આયોજન અને સંશોધન વિભાગ) અને ૨ વર્ષ પેરિસમાં થર્ડ સેક્રેટરી (લેંગ્વેજ ટ્રેની) પદે રહી ચૂક્યા છે.

ભારતની પહેલી દ્રષ્ટિહીન વિદેશ સેવા અધિકારી બેનો જેફિન અઝગીરી યુવાનો, મહિલાઓ અને દિવ્યાંગોને પ્રેરિત કરે છે. તેઓ અવારનવાર કહે છે, ‘આપણે એટલા કિંમતી છીએ કે નિરાશાઓને આપણા મનમાં આવવા ન દઈએ.’ ભલે તેમની આંખોમાં રોશની નથી, તેમ છતાં તેઓ યુવાનોને પ્રેરિત કરી સમાજને રોશન કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

Share This Article