Canada Immigration: નોકરી કે અભ્યાસ માટે કેનેડા જવાનું વિચારતા ભારતીયો માટે ખરાબ સમાચાર છે. કેનેડામાં ઇમિગ્રેશન સિસ્ટમ પર દબાણ હજુ વધવાનું છે, કારણ કે સ્ટડી અને વર્ક પરમિટ જેવા દસ્તાવેજો જારી કરતી સંસ્થા ‘ઇમિગ્રેશન, રેફ્યુજી એન્ડ સિટિઝનશિપ કેનેડા’ (IRCC) (IRCC)એ 3300 જોબ કટની જાહેરાત કરી છે. આની સીધી અસર પરમિટ પ્રોસેસિંગ પર પડશે. IRCC સરકારી ખર્ચમાં કાપ મૂકવા માંગે છે, જેના કારણે લોકોને નોકરીમાંથી દૂર કરવામાં આવશે.
કેનેડાની સરકારના આ નિર્ણયની પબ્લિક સર્વિસ એલાયન્સ ઓફ કેનેડા (પીએસએસી) અને કેનેડા એમ્પ્લોયમેન્ટ એન્ડ ઇમિગ્રેશન યુનિયન (સીઇઆઇયુ)ની ટીકા થઇ છે. આ નિર્ણયના કારણે કર્મચારીઓનું ભવિષ્ય બેહાલ છે અને ઇમિગ્રેશન બેકલોગની સ્થિતિ બગડવાનો ભય પણ વધી ગયો છે. IRCCએ હજુ સુધી જણાવ્યું નથી કે આ નિર્ણયથી કયા પદો પર અસર થશે, પરંતુ વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે કે ફેબ્રુઆરીના મધ્ય સુધી વધુ જાણકારી આપવામાં આવશે.
ઇમિગ્રેશન સંકટ વધુ ખરાબ થશે: PSAC
પીએસએસીની વેબસાઇટ પર સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ શેરોન ડિસોઝાએ જણાવ્યું હતું કે, “આ ધરખમ કાપથી પરિવારો અને વ્યવસાયોને નુકસાન થશે જે આ મહત્વપૂર્ણ જાહેર સેવાઓ પર નિર્ભર છે.” આ ઇમિગ્રેશન કટોકટીને વધુ ખરાબ બનાવશે. સરકારી નોકરીમાં મોટા કાપથી કેનેડાની સૌથી સંવેદનશીલ વસ્તીને હંમેશાં નુકસાન થાય છે અને હજારો કર્મચારીઓને હાલાકીમાં મૂકે છે. આઈઆરસીસીનું કામ નાગરિકતા, કાયમી રહેઠાણ અને પાસપોર્ટ અરજીઓની દેખરેખ રાખવાનું પણ છે.
વિભાગમાં કાપના કારણે સ્ટડી પરમિટ, વર્ક પરમિટ સહિતના જરૂરી દસ્તાવેજોની પ્રક્રિયા કરવામાં વધુ સમય લાગવાનો છે. આ કારણે જો કોઇ કેનેડા જવાનું વિચારી રહ્યું હોય તો પરમિશન મેળવવામાં ઘણો સમય લાગી શકે છે. કેનેડાની સરકાર કેન્દ્રીય બજેટમાં કાપ મૂકી રહી છે અને જેના કારણે લોકોને આઈઆરસીસીમાંથી છૂટા કરવામાં આવી રહ્યા છે. કેનેડા ચાર વર્ષમાં 15 અબજ ડોલર કાપવાની યોજના ધરાવે છે. જો કે આ નિર્ણયોના કારણે કેનેડા આવતા લોકોની મુશ્કેલીઓ વધવાની છે.

