Canada Work Permit: કેનેડાએ C20 Work Permit ના નિયમો બદલ્યા, ભારતીયો સહિત વિદેશી કર્મચારીઓ માટે મુશ્કેલી વધશે

Arati Parmar
4 Min Read

Canada Work Permit: કેનેડાએ C20 છૂટ હેઠળ મળતા ‘રેસિપ્રોકલ એમ્પ્લોયમેન્ટ વર્ક પરમિટ’ના પાત્રતા માપદંડોમાં ફેરફાર કર્યો છે. આ ફેરફાર બાદ ભારતીયો સહિત વિદેશી કર્મચારીઓ માટે વર્ક પરમિટની શરતો પૂર્ણ કરવી વધુ મુશ્કેલ બની ગઈ છે. અપડેટ કરાયેલી માર્ગદર્શિકા મુજબ, અરજદારોને કેનેડામાં કામ કરવા માટે C20 વર્ક પરમિટ ત્યારે જ મળશે, જ્યારે તેઓ જે કંપનીમાં નોકરી કરવા આવી રહ્યા છે, તે જ કંપનીમાં તેઓને વિદેશમાં પહેલેથી જ નોકરી મળેલી હોય.

સરળ ભાષામાં કહીએ તો, જે કંપનીમાં કામ કરવાનું છે, પહેલા એ જ કંપનીમાં કેનેડાની બહાર નોકરી કરેલી હોવી જોઈએ, ત્યાર પછી જ વર્ક પરમિટ આપવામાં આવશે. ઇમિગ્રેશન, રિફ્યુજી એન્ડ સિટિઝનશિપ કેનેડા (IRCC) દ્વારા 29 જુલાઈ, 2026ના રોજ સુધારેલી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી. તેમાં જણાવાયું છે કે જે વિદેશી કર્મચારીઓની નોકરી માત્ર કેનેડા પહોંચ્યા બાદ શરૂ થવાની છે, તેઓ હવે C20 છૂટ હેઠળ વર્ક પરમિટ માટે પાત્ર રહેશે નહીં.

- Advertisement -

વર્ક પરમિટમાં શું ફેરફાર કરવામાં આવ્યો છે?

નવી માર્ગદર્શિકામાં જણાવાયું છે કે ‘રેસિપ્રોકલ એમ્પ્લોયમેન્ટ વર્ક પરમિટ’ ત્યારે જ મળશે, જ્યારે કર્મચારીને હાલ જે કંપનીમાં કામ કરવાનું છે, તે કંપનીએ તેને વિદેશમાં પહેલેથી જ નોકરી આપી હોય. જૂની માર્ગદર્શિકામાં આવો કોઈ નિયમ નહોતો. નવી માર્ગદર્શિકા મુજબ, જે કર્મચારીઓ કેનેડા પહોંચ્યા બાદ કોઈ કંપની સાથે જોડાય છે, તેઓ વિદેશી કર્મચારી અને કેનેડિયન કંપની વચ્ચે જ્ઞાન અથવા અનુભવના આદાન-પ્રદાનની તક ઊભી કરતા નથી. આ પ્રકારનું આદાન-પ્રદાન પરસ્પર રોજગાર કાર્યક્રમના મુખ્ય હેતુઓમાંનું એક છે.

- Advertisement -

C20 વર્ક પરમિટ શું છે?

C20 છૂટ હેઠળ પાત્ર વિદેશી કર્મચારીઓને Labour Market Impact Assessment (LMIA)ની જરૂરિયાત વિના વર્ક પરમિટ આપવામાં આવે છે.

- Advertisement -

કેનેડામાં સામાન્ય રીતે વિદેશી કર્મચારીની ભરતી પહેલાં સરકાર પાસેથી LMIA મેળવવું ફરજિયાત હોય છે, જેનો અર્થ એ થાય છે કે તે નોકરી માટે દેશમાં કોઈ યોગ્ય વ્યક્તિ ઉપલબ્ધ નથી, તેથી જ વિદેશી કર્મચારીની ભરતી કરવામાં આવી રહી છે.

આ પરમિટ Immigration and Refugee Protection Regulations (IRPR) R205(b) હેઠળ આપવામાં આવે છે, જે એવા રોજગાર માટે વર્ક પરમિટની મંજૂરી આપે છે, જે અન્ય દેશોમાં કેનેડિયન નાગરિકો અથવા કાયમી રહેવાસીઓ માટે પરસ્પર રોજગારની તકો ઊભી કરે છે અથવા જાળવી રાખે છે.

પરસ્પરતા એટલે કે રેસિપ્રોસિટીનો સીધો સંબંધ બે દેશો વચ્ચે જ હોવો જરૂરી નથી. ઉદાહરણ તરીકે, કોઈ મલ્ટિનેશનલ કંપની એ દર્શાવી શકે છે કે તે વિશ્વભરના પોતાના કાર્યાલયોમાં કેનેડિયન નાગરિકોને સમાન તકો ઉપલબ્ધ કરાવે છે.

નવા નિયમથી કોણ પ્રભાવિત થશે?

C20 છૂટનો ઉપયોગ સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત સંસ્થાઓ કરે છે, જેમાં મલ્ટિનેશનલ કંપનીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી સંસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય NGOનો સમાવેશ થાય છે. હાલ તો આવી સંસ્થાઓમાં કામ કરવા આવનારા કર્મચારીઓ આ ફેરફારથી પ્રભાવિત થશે. નિયમોમાં થયેલા આ ફેરફારનો અસર ‘ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ કેનેડા’ (IEC) કાર્યક્રમ હેઠળ આપવામાં આવતા વર્ક પરમિટ પર નહીં પડે, કારણ કે આ કાર્યક્રમ અલગ ઇમિગ્રેશન જોગવાઈ હેઠળ કાર્ય કરે છે.

જો કોઈ વિદેશી નાગરિક C20 છૂટ અથવા કેનેડાના ‘ઇન્ટરનેશનલ મોબિલિટી પ્રોગ્રામ’ (IMP)ની અન્ય કોઈ શ્રેણી હેઠળ પાત્ર ન હોય, તો કંપનીએ ‘ટેમ્પરરી ફોરેન વર્કર પ્રોગ્રામ’ (TFWP) દ્વારા જ તેની નિમણૂક કરવી પડશે. આવા કિસ્સાઓમાં કંપનીએ સૌપ્રથમ LMIA મેળવવું પડશે, જે એ વાતની પુષ્ટિ કરે છે કે તે નોકરી માટે કોઈ યોગ્ય કેનેડિયન નાગરિક અથવા પરમાનેન્ટ રેસિડન્ટ ઉપલબ્ધ નથી.

LMIA મેળવવામાં વધારાનો સમય અને ખર્ચ થાય છે. જ્યાં બેરોજગારીનો દર 6% અથવા તેથી વધુ હોય, તેવા વિસ્તારોમાં કંપની એવા હોદ્દાઓ માટે LMIA માટે અરજી કરી શકશે નહીં, જેમાં પગાર તે વિસ્તારના સરેરાશ વેતનના 120% કરતાં ઓછો હોય.

Share This Article