Germany IU University Fraud: જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓને છેતરપિંડીનો સામનો કરવો પડ્યો છે, જેના કારણે ગ્રેજ્યુએશનને બદલે હવે તેમને ડિપોર્ટેશન (દેશનિકાલ) સહન કરવું પડી રહ્યું છે. દેશની રાજધાની બર્લિનમાં આવેલી ઈન્ટરનેશનલ યુનિવર્સિટી (IU) માં ભણતા ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય ચોપટ થઈ ગયું છે. એક વિદ્યાર્થીએ કહ્યું કે તેને તેની જિંદગી નર્ક જેવી લાગી રહી છે. આનું મુખ્ય કારણ એ છે કે યુનિવર્સિટીની માન્યતા પર સવાલ ઊભા થયા છે, જેના કારણે અહીં ભણતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ ખરાબ થઈ ગયું છે.
યુરો ન્યૂઝ મુજબ, મહારાષ્ટ્રના રહેવાસી ૨૫ વર્ષીય દીપ શંબરકર જુલાઈમાં બિઝનેસ મેનેજમેન્ટમાં માસ્ટર્સ કરવા માટે બર્લિન આવ્યા. તેમણે અહીંની પ્રાઈવેટ ઈન્ટરનેશનલ યુનિવર્સિટી (IU) માં એડમિશન લીધું. દીપે અભ્યાસ પાછળ ૨૦ હજાર યુરો ખર્ચ્યા છે. તેમણે એજ્યુકેશન લોન પણ લીધેલી છે. તેમણે કહ્યું, ‘મને નથી લાગતું કે યુનિવર્સિટી મારા પૈસા પાછા આપશે.’ તેમના કેટલાક સાથીઓ તો નુકસાન વેઠીને યુનિવર્સિટી છોડી ચૂક્યા છે. માસ્ટર્સની થીસીસ લખવાને બદલે દીપ હવે જર્મન સત્તાવાળાઓ સાથે મથામણ કરી રહ્યા છે.
યુનિવર્સિટીની માન્યતા પર ઊઠ્યા સવાલ
દીપ શંબરકરને બર્લિન ઈમિગ્રેશન ઓફિસ (LEA) તરફથી એક લેટર મળ્યો. આમાં તેમને કહેવામાં આવ્યું છે કે તેમણે ૩ નવેમ્બર સુધીમાં દેશ છોડવો પડશે, નહીં તો તેમને ડિપોર્ટ કરવામાં આવશે. ભારતીય વિદ્યાર્થીએ જણાવ્યું, ‘મને લાગે છે કે આનું કારણ એ છે કે યુનિવર્સિટીના કોર્સ માટે કદાચ યોગ્ય માન્યતા નહોતી. લેટરમાં તેમણે કહ્યું કે યુનિવર્સિટીનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બરાબર નહોતું. યુનિવર્સિટીમાં ખૂબ ઓછા પ્રોફેસર પણ હતા.’ દીપે આની સામે અપીલ પણ કરી છે, પરંતુ તેમાં સફળતા મળવાની શક્યતા પણ ઓછી છે.
ઠગાયા હોવાનો અહેસાસ: ભારતીય વિદ્યાર્થી
અપગ્રેડ (UpGrad) દ્વારા યુનિવર્સિટીમાં ભણતા તનિષ્કે જણાવ્યું કે તેમણે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનું પ્રથમ વર્ષ દિલ્હીમાં જ પૂરું કરી લીધું હતું. તેમને આગળના અભ્યાસ માટે સપ્ટેમ્બરમાં બર્લિન આવવાનું હતું. તેના બદલે હવે તે ભારતમાં જ છે, કારણ કે તેમને વિઝા આપવામાં આવ્યા નથી. તનિષ્કે કહ્યું, ‘મને ઠગાયા હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. સારું થયું મને વિઝા ન મળ્યા, નહીં તો હું પણ ડિપોર્ટ કરવામાં આવ્યો હોત. ભારતમાં મારી પાસે પરિવારનો સપોર્ટ છે. જર્મનીમાં તો વિદ્યાર્થીઓ પાસે કોઈ નથી.’
ભાડે જગ્યા લઈને ચાલી રહી છે યુનિવર્સિટી
દીપ શંબરકરે કહ્યું કે હવે કોર્સને જોતા નિરાશા થાય છે. તેમણે કહ્યું, ‘મને ક્યારેય એવું લાગ્યું નથી કે હું કોઈ યુનિવર્સિટીમાં છું. ત્યાં કેટલાક ક્લાસ હતા, કેટલાક કોર્સ હતા. મેં મારા માટે સાચો ડિગ્રી પ્રોગ્રામ તો પસંદ કર્યો, પરંતુ સાચી યુનિવર્સિટી નહીં.’ ફ્રેન્કફર્ટર એલે પર આવેલું બર્લિન કેમ્પસ કોઈ યુનિવર્સિટી કરતા ઓફિસ જેવું વધુ દેખાય છે. પ્લાઝામાં, જ્યાં એક શોપિંગ સેન્ટર પણ છે, ત્યાં IU એ અનેક માળ ભાડે લીધા છે. યુનિવર્સિટી અહીં એક ઓપ્ટિશિયન અને સુપરમાર્કેટની વચ્ચે સ્થિત લગભગ ૧૧,૭૦૦ ચોરસ મીટરની હોટલની જગ્યાનો ઉપયોગ કરે છે.
અપરાધીઓ જેવો વ્યવહાર: વિદ્યાર્થી
ભારતીય વિદ્યાર્થીએ જણાવ્યું કે યુનિવર્સિટી સાથે સંપર્ક કરવો અત્યંત મુશ્કેલ છે. સંસ્થા તરફથી થોડી ઘણી મદદ પણ મળી છે. દીપે દાવો કર્યો, ‘હવે તેઓ વકીલોને પેમેન્ટ કરી રહ્યા છે જેથી વિદ્યાર્થીઓએ અપીલ દાખલ કરવા માટે પોતાના પૈસા ખર્ચવા ન પડે.’ વિદ્યાર્થીએ કહ્યું કે તે પરેશાન છે અને દબાણ અનુભવી રહ્યો છે. તેણે કહ્યું, ‘સ્થિતિનો સામનો કરવો મુશ્કેલ છે – માનસિક અને શારીરિક બંને રીતે. મારી સાથે અપરાધીઓ જેવો વ્યવહાર થઈ રહ્યો છે.’
નામ ન આપવાની શરતે અન્ય એક વિદ્યાર્થીએ કહ્યું, ‘હું મારી જાતને નિષ્ફળ માનું છું. આ સ્થિતિએ મારી માનસિક સ્થિતિને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. ક્યારેક મને લાગે છે કે મારી જિંદગી પૂરી થવા જઈ રહી છે.’ જોકે આ વિદ્યાર્થી વિઝા પર કાયદેસર રીતે જર્મની આવ્યો હતો અને હજુ પણ ભણી રહ્યો છે, પરંતુ તે પણ ડિપોર્ટેશનની કગાર પર છે. તેણે કહ્યું, ‘મને ભૂખ નથી લાગતી, ખરાબ સપના આવે છે અને ઊંઘ નથી આવતી. મારી જિંદગી નર્ક જેવી લાગે છે.’
ભારતીય વિદ્યાર્થીઓ સાથે કેવી રીતે થઈ છેતરપિંડી?
તમામ વિવાદનું કારણ યુનિવર્સિટીનું ‘હાઈબ્રિડ સ્ટડી મોડલ’ છે. મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓએ અપગ્રેડ જેવી રિક્રૂટમેન્ટ એજન્સી દ્વારા અહીં એડમિશન લીધું. તેમને વચન આપવામાં આવ્યું કે પ્રથમ સેમેસ્ટરનો અભ્યાસ ભારતમાં જ ઓનલાઈન થશે અને ત્યારબાદ આગળના અભ્યાસ માટે વિદ્યાર્થીઓને જર્મની મોકલવામાં આવશે. વિવાદની શરૂઆત એ રીતે થાય છે કે જર્મન રેસિડન્ટ એક્ટના સેક્શન 16b હેઠળ સ્ટુડન્ટ વિઝા ત્યારે જ મળે છે, જ્યારે સ્ટુડન્ટ ફુલ-ટાઈમ કેમ્પસમાં ભણવા આવી રહ્યો હોય. વિદ્યાર્થીઓને તેમ છતાં વિઝા આપવામાં આવ્યા.
જોકે, LEA એ હાલમાં જ કહ્યું કે યુનિવર્સિટીના કોર્સમાં ફેસ-ટુ-ફેસ (રૂબરૂ) અભ્યાસ નથી થઈ રહ્યો. કોર્સનો મોટો ભાગ ઓનલાઈન અથવા રિમોટલી ભણાવવામાં આવ્યો, જેના કારણે અહીંના વિદ્યાર્થીઓને લઈને એવું માની શકાય નહીં કે તેઓ કેમ્પસમાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં તેમને રેસિડન્ટ પરમિટની પણ જરૂર નથી. આ જ કારણ છે કે હવે અહીં ભણવા આવેલા વિદ્યાર્થીઓને કહેવામાં આવી રહ્યું છે કે તેઓ દેશ છોડીને ચાલ્યા જાય. જો તેઓ એવું નથી કરતા તો તેમને ડિપોર્ટ કરવામાં આવશે.
માર્ચ મહિનાથી જ વિદ્યાર્થીઓને દેશ છોડીને જવાનું કહેવામાં આવી રહ્યું છે. દીપ શંબરકરે જણાવ્યું કે ૩૦૦થી વધુ લોકો એવું કરી પણ ચૂક્યા છે. કેટલાક લોકોએ યુનિવર્સિટી બદલી પણ છે, જેમની પાસે પૈસા છે. મોટાભાગના લોકો જતા રહ્યા છે, કારણ કે તેઓ લાચાર હતા. ઈન્ટરનેશનલ યુનિવર્સિટીમાં ૧,૩૦,૦૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ જર્મનીની સૌથી મોટી યુનિવર્સિટીઓમાંથી એક છે. અહીં ૪૫૦૦ની આસપાસ ભારતીયો પણ ડિગ્રી લઈ રહ્યા છે.

