બેંકમાં સરકારી નોકરીની મોટી તક, IBPS ક્લાર્કની 11,403 જગ્યાઓ માટે ઑનલાઇન અરજી શરૂ
IBPS Clerk Recruitment 2026: બેંકમાં સરકારી નોકરી મેળવવાનું સપનું જોતા ઉમેદવારો માટે મોટા ખુશખબર છે. IBPS એ દેશની મોટી સરકારી બેંકોમાં ક્લાર્કના 11,400થી વધુ પદો પર નવી ભરતી જાહેર કરી છે. શોર્ટ નોટિફિકેશન પહેલેથી જ જાહેર કરવામાં આવ્યું હતું. હવે 1 ઑગસ્ટથી IBPS એ પોતાની અધિકૃત વેબસાઇટ પર વિગતવાર જાહેરાત જાહેર કર્યા બાદ ઑનલાઇન અરજી પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે.
IBPS ની આ ભરતી કોમન રિક્રૂટમેન્ટ પ્રોસેસ (CRP CSA XVI) દ્વારા કસ્ટમર સર્વિસ એસોસિએટ (CSA) એટલે કે ક્લાર્કના પદો માટે કરવામાં આવશે. બેંક ઑફ બરોડા, કેનેરા બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, યુકો બેંક, બેંક ઑફ ઇન્ડિયા સહિતની મોટી પબ્લિક સેક્ટર બેંકોમાં નિમણૂક કરવામાં આવશે. આ વખતે ક્લાર્કની પરીક્ષાના પેટર્નમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રિલિમ્સમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. મેઇન્સમાં હવે કુલ પ્રશ્નોની સંખ્યા વધીને 160 થઈ ગઈ છે, જ્યારે ગયા વર્ષે પરીક્ષામાં 155 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેની સાથે સમય મર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો છે.
IBPS ક્લાર્ક ભરતી માટે લાયકાત
શૈક્ષણિક લાયકાત: માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં સામાન્ય ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ. ઉપરાંત ઉમેદવારને કમ્પ્યુટર પર કામ આવડતું હોવું જોઈએ.
વય મર્યાદા: ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષ હોવી જોઈએ. જન્મતારીખ પ્રમાણે જોવામાં આવે તો ઉમેદવારનો જન્મ 2 ઑગસ્ટ 1998 પહેલાં અને 1 ઑગસ્ટ 2006 પછીનો ન હોવો જોઈએ. બંને તારીખોનો પણ સમાવેશ કરવામાં આવશે. અનામત વર્ગમાં SC/STને 5 વર્ષ, OBCને 3 વર્ષ અને PwBDને 10 વર્ષની છૂટ મળશે. અનામતનો લાભ મેળવવા માટે ઉમેદવારોએ સંબંધિત પ્રમાણપત્ર અરજી દરમિયાન અપલોડ કરવું પડશે.
IBPS Clerk Bharti 2026: મહત્વની તારીખો
| પ્રવૃત્તિ | સમયરેખા |
|---|---|
| ભરતી સંસ્થા | ઇન્સ્ટિટ્યૂટ ઑફ બેન્કિંગ પર્સોનેલ સિલેક્શન (IBPS) |
| પદ | કસ્ટમર સર્વિસ એસોસિએટ્સ (CSA) (ક્લાર્ક) |
| ખાલી જગ્યાઓ | 11,403 |
| અરજી શરૂ થવાની તારીખ | 1 ઑગસ્ટ 2026 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 21 ઑગસ્ટ 2026 |
| અરજી ફી ભરવાની તારીખ | 1 ઑગસ્ટથી 21 ઑગસ્ટ 2026 |
| પ્રી એક્ઝામિનેશન ટ્રેનિંગ (PET) | સપ્ટેમ્બર 2026 |
| IBPS ક્લાર્ક પ્રિલિમ્સ પરીક્ષા | ઑક્ટોબર 2026 |
| પ્રિલિમ્સનું પરિણામ | નવેમ્બર 2026 |
| IBPS ક્લાર્ક મેઇન્સ પરીક્ષા | ડિસેમ્બર 2026 |
| પ્રોવિઝનલ એલોટમેન્ટ | માર્ચ 2027 |
IBPS ક્લાર્કનો પગાર કેટલો હોય છે?
બેંક ક્લાર્ક એટલે કે કસ્ટમર સર્વિસ એસોસિએટના પદ પર પસંદગી થયા બાદ ઉમેદવારોને ₹24,050થી ₹64,480 પ્રતિ મહિના સુધીનો બેઝિક પગાર મળશે. ઉપરાંત ઉમેદવારોને અન્ય ભથ્થાં અને વિવિધ સુવિધાઓનો લાભ પણ મળશે, જેના કારણે માસિક પગાર વધુ વધશે.
IBPS ક્લાર્ક પસંદગી પ્રક્રિયા
- પ્રિલિમ્સ પરીક્ષા (ઓબ્જેક્ટિવ ટેસ્ટ)
- મેઇન્સ પરીક્ષા (ઓબ્જેક્ટિવ ટેસ્ટ)
- લોકલ લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ (LLPT)
IBPS ક્લાર્ક પ્રિલિમ્સ પરીક્ષાનું પેટર્ન
IBPSએ ક્લાર્કની પરીક્ષાના પેટર્નમાં કેટલાક નાના ફેરફારો કર્યા છે. જોકે પ્રિલિમ્સનું પેટર્ન પહેલાની જેમ જ રહેશે. માત્ર મેઇન્સમાં કેટલાક પ્રશ્નો વધારવામાં આવ્યા છે.
| ટેસ્ટનું નામ | પ્રશ્નોની સંખ્યા | મહત્તમ ગુણ | સમય |
|---|---|---|---|
| ઇંગ્લિશ લેંગ્વેજ | 30 | 30 | 20 મિનિટ |
| ન્યુમેરિકલ એબિલિટી | 35 | 35 | 20 મિનિટ |
| રીઝનિંગ એબિલિટી | 35 | 35 | 20 મિનિટ |
| કુલ | 100 | 100 | 60 મિનિટ |
મેઇન્સનું પેટર્ન બદલાયું
મેઇન્સમાં હવે 4 વિષયોમાંથી 200 ગુણના 160 પ્રશ્નો પૂછવામાં આવશે. જ્યારે વર્ષ 2025માં 200 ગુણના 155 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ વિભાગમાં 5 પ્રશ્નો વધારવામાં આવ્યા છે. સાથે કુલ સમય મર્યાદામાં પણ 5 મિનિટનો વધારો કરવામાં આવ્યો છે. હવે 120 મિનિટના બદલે 125 મિનિટમાં સમગ્ર પ્રશ્નપત્ર ઉકેલવાનો રહેશે.
| વિષય | પ્રશ્નોની સંખ્યા | મહત્તમ ગુણ | સમય |
|---|---|---|---|
| જનરલ/ફાઇનાન્શિયલ અવેરનેસ | 40 | 50 | 20 મિનિટ |
| જનરલ ઇંગ્લિશ | 40 | 40 | 35 મિનિટ |
| રીઝનિંગ એબિલિટી | 40 | 60 | 35 મિનિટ |
| ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ | 40 | 50 | 35 મિનિટ |
| કુલ | 160 | 200 | 125 મિનિટ |
એપ્લિકેશન ફી
અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા IBPSની વેબસાઇટ પર રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. ત્યારબાદ લૉગિન કરીને અરજી ફોર્મ ભરવું પડશે. અરજી માટે SC/ST/PwBD/ESM/DESM ઉમેદવારોને ₹175 અને અન્ય ઉમેદવારોને ₹850 એપ્લિકેશન ફી ઑનલાઇન ભરવાની રહેશે.

