IIT Admission 2026: JEE એડવાન્સ્ડ ૨૦૨૬માં પ્રથમ ક્રમાંક મેળવનાર ટોપર શુભમ કુમાર અને વિદ્યાર્થિનીઓમાં ટોપર બનેલી આરોહી દેશપાંડે (ઓલ ઈન્ડિયા રેન્ક ૭૭)એ IIT બોમ્બેમાં કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSE)- B.Tech કોર્સ પસંદ કર્યો છે.
IIT દિલ્હીથી હૈદરાબાદ સુધી ઓપનિંગ-ક્લોઝિંગ રેન્ક
JEE એડવાન્સ્ડમાં ૩૨મો ક્રમાંક મેળવનાર ઉમેદવારે IIT કાનપુર અને ૩૫મો ક્રમાંક મેળવનાર ઉમેદવારે IIT દિલ્હીની પસંદગી કરી છે. IIT મદ્રાસમાં ૬૭મી, IIT રૂરકીમાં ૨૭૭મી, IIT હૈદરાબાદમાં ૩૩૯મી, IIT ગુવાહાટીમાં ૫૮૮મી ઓપનિંગ રેન્ક રહી છે. આ તમામ વિદ્યાર્થીઓએ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ કોર્સ જ પસંદ કર્યો છે.
JEE ટોપર્સની પહેલી પસંદ CSE કોર્સ
જોઈન્ટ સીટ એલોકેશન ઓથોરિટી એટલે કે JoSAA ની પહેલા રાઉન્ડની સીટ એલોટમેન્ટ લિસ્ટ શનિવારે જાહેર કરવામાં આવી છે. IIT બોમ્બેમાં કોમ્પ્યુટર સાયન્સ કોર્સની ૬૧ બેઠકો છે અને અહીં ઓપનિંગ રેન્ક ૧ તથા ક્લોઝિંગ રેન્ક ૬૫ રહી છે. તમામ ૬૫ ટોપર્સ વિદ્યાર્થીઓએ CSE કોર્સ પસંદ કર્યો છે.
કોમ્પ્યુટર સાયન્સ બાદ AI અને ડેટા સાયન્સની માંગ
IITમાં કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSE) સૌથી વધુ માંગ ધરાવતી બ્રાન્ચ છે, જેમાં પ્રવેશ માટે અત્યંત હાઈ રેન્કની જરૂર હોય છે. IIT રૂરકીના એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે કોમ્પ્યુટર સાયન્સ બાદ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ડેટા સાયન્સ કોર્સ વિદ્યાર્થીઓની પસંદ બન્યા છે. કાઉન્સેલિંગ પ્રક્રિયાને વિદ્યાર્થી-મિત્ર બનાવવામાં આવી છે. ટોપ ૧૦૦માં મોટાભાગના વિદ્યાર્થીઓએ કોમ્પ્યુટર સાયન્સ જ પસંદ કર્યું છે.
કોમ્પ્યુટર સાયન્સ કોર્સ માટે IIT મુજબ ઓપનિંગ-ક્લોઝિંગ રેન્ક
| IIT નું નામ | ઓપનિંગ રેન્ક | ક્લોઝિંગ રેન્ક |
| IIT બોમ્બે | ૧ | ૬૫ |
| IIT દિલ્હી | ૩૫ | ૧૨૩ |
| IIT કાનપુર | ૩૨ | ૨૭૬ |
| IIT મદ્રાસ | ૬૭ | ૧૪૯ |
| IIT ખડગપુર | ૨૧૭ | ૫૦૯ |
| IIT રૂરકી | ૨૭૭ | ૫૮૨ |
| IIT હૈદરાબાદ | ૩૩૯ | ૬૪૭ |
| IIT ગુવાહાટી | ૫૮૮ | ૮૧૦ |
| IIT (BHU) વારાણસી | ૮૧૯ | ૧૪૩૬ |
| IIT ઇન્દોર | ૧૧૮૬ | ૧૬૩૯ |
| IIT મંડી | ૨૫૩૨ | ૩૬૦૯ |
વિદ્યાર્થિનીઓના વધુ એડમિશન
JoSAA કાઉન્સેલિંગ દ્વારા દેશની ૧૩૮ પ્રીમિયર ટેકનિકલ સંસ્થાઓ (IITs, NITs, IIITs અને GFTIs)માં એન્જિનિયરિંગ અને આર્કિટેક્ચર કોર્સમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને બેઠકો ફાળવવામાં આવી છે. IITની તમામ ૧૮,૯૫૧ બેઠકો પર ફાળવણી કરવામાં આવી છે. JEE એડવાન્સ્ડના પરિણામોમાં આ વખતે પહેલીવાર ૧૦ હજારથી વધુ મહિલા ઉમેદવારોએ સફળતા મેળવી છે અને તેની અસર એડમિશન લિસ્ટ પર પણ જોવા મળી છે.
આ વખતે IITમાં વિદ્યાર્થિનીઓના સૌથી વધુ એડમિશન થઈ રહ્યા છે. કોમ્પ્યુટર સાયન્સ કોર્સમાં ઓલ ઈન્ડિયા રેન્કિંગમાં ૧૩,૭૦૭ સુધીની રેન્ક મેળવનાર વિદ્યાર્થિનીઓને IIT જમ્મુમાં બેઠક મળી છે. IIT બોમ્બેમાં ૩૯૫, દિલ્હીમાં ૬૮૧, કાનપુરમાં ૧૨૨૩, મદ્રાસમાં ૫૩૯, રૂરકીમાં ૧૯૬૨, ઇન્દોરમાં ૪૩૨૧, હૈદરાબાદમાં ૨૦૬૯ અને BHUમાં ૪૨૭૦ રેન્ક મેળવનાર વિદ્યાર્થિનીઓને પ્રવેશ મળ્યો છે.
પહેલીવાર ફી જમા કરવા માટે મળ્યા ૨ સપ્તાહ
૨૦૨૬માં JoSAAની આયોજક સંસ્થા IIT રૂરકીએ પહેલીવાર ફી જમા કરાવવા માટે વિદ્યાર્થીઓને બે અઠવાડિયા સુધીનો સમય આપ્યો છે અને વિદ્યાર્થીઓના હિત માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. જે વિદ્યાર્થીઓના ૧૨મા ધોરણમાં ૭૫ ટકા માર્ક્સ આવી શક્યા નથી અને જેમણે CBSEમાં રિવ્યુએશન માટે અરજી કરી છે, તેમને પણ શરતી તક આપવામાં આવી છે. વિદ્યાર્થીઓને પહેલા રાઉન્ડના પરિણામ પછી ૨૬ જૂન સુધી ઓનલાઈન ફી જમા કરાવવાની તક આપવામાં આવી છે અને ૨૯ જૂન સુધી ડોક્યુમેન્ટ અપલોડ કરી શકાય છે.

