JEE Main Result Topper 2025: JEE મેઈન સેશન 1નું પરિણામ આવી ગયું છે, જેમાં 14 વિદ્યાર્થીઓ એવા છે, જેમણે 100માંથી 100 પર્સન્ટાઈલ મેળવ્યા છે. આમાંથી સૌથી વધુ 5 વિદ્યાર્થીઓ રાજસ્થાનના છે. JEE Mains પરીક્ષાના ટોપર્સ વિશે તો બધા જાણે જ છે, પરંતુ અત્યારે તમામ વિદ્યાર્થીઓ એ પણ જાણવા માંગે છે કે આ ટોપર્સનું સીક્રેટ શું છે, જેના કારણે તેમણે જેઈઈ (JEE Mian Exam 2025) જેવી પરીક્ષામાં ટોપ કર્યું છે. તો આજે અહીં અમે આપને આ ટોપર્સના કેટલાક સીક્રેટ જણાવીશું, જે મુજબ તૈયારી કરીને તમે પણ જેઈઈ પરીક્ષામાં 100માંથી 100 પર્સન્ટાઈલ મેળવી શકો છો.
14 વિદ્યાર્થીઓએ 100 NTA સ્કોર મેળવ્યો
જેઈઈ મેઈન પરીક્ષા માટે કુલ 13 લાખ 11 હજાર 544 વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. જેમાંથી 12 લાખ 58 હજાર 136 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી, હવે આ પરીક્ષાર્થીઓમાંથી કુલ 14 વિદ્યાર્થીઓએ 100 NTA સ્કોર મેળવ્યો છે. આ સિવાય 44 સ્ટેટ ટોપર્સની યાદી પણ જાહેર કરવામાં આવી છે. આમાંથી ઘણા ટોપર્સે પોતાના સીક્રેટ શેર કર્યા છે, એટલે કે તેઓએ કેવી રીતે તૈયારી કરી? તેઓ શેમાંથી તૈયારી કરી? વગેરે જેવી બાબતો જણાવી છે.
JEE Main Toppers 2025 Tips: ટોપર ઓમ પ્રકાશે શું કહ્યું?
JEE Main Examના ટોપર ઓમ પ્રકાશ બેહરાએ જણાવ્યું છે કે, તેમણે NCERTના અભ્યાસક્રમ (સિલેબસ) પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેઓનું કહેવું છે કે, વીકલી ટેસ્ટ બાદ તેઓ સેલ્ફ એનાલિસિસ કરતા હતા અને જોતા હતા કે કઈ ભૂલોના કારણે તેમના ઓછા માર્ક્સ આવ્યા છે. ત્યારબાદ આગામી ટેસ્ટમાં તેમનો પ્રયાસ રહેતો હતો કે અગાઉની ટેસ્ટમાં કરેલી ભૂલોનું તેઓ પુનરાવર્તન ન કરે. તેમણે કહ્યું કે, ‘મારી સફળતાની ચાવી એ છે કે હું જે થઈ ગયું તેના પર વધારે ધ્યાન આપતો નહોતો, પરંતુ હું જે થઈ રહ્યું છે તેના પર ધ્યાન આપતો હતો.’
સવાલોની વારંવાર પ્રેક્ટિસ કરો
100 NTA સ્કોર લાવનાર સક્ષમ જિંદાલે પણ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને કેટલીક ટિપ્સ આપી છે. તેમણે જણાવ્યું કે, ગણિત તેમનો પ્રિય વિષય હતો. તેમણે રસાયણશાસ્ત્ર (કેમેસ્ટ્રી)માં NCERT સિલેબસ પર ફોક્સ કરીને તૈયારી કરી હતી. તેમણે કહ્યું કે, તેઓ સવાલોની વારંવાર પ્રેક્ટિસ કરતા હતા, જેનાથી તેમનો આત્મવિશ્વાસ મજબૂત થતો હતો. તેઓનું કહેવું છે કે, JEE મેઈન પરીક્ષામાં NCERT સિલેબસ સિવાય અન્ય કોઈ રેફરન્સ બુક અથવા મટિરિયલની જરૂર પડતી નથી.
હોમવર્કને ગંભીરતાથી લો
JEE Main Topper અર્ણવ સિંહ કહે છે કે તેઓને દરરોજ ક્લાસમાં જે હોમવર્ક મળતું હતું, તેને ગંભીરતાથી પૂર્ણ કરતા હતા. હોમવર્ક કરવાથી તેમની પ્રોક્ટિસ પણ થઈ જતી હતી. સાથે જ ક્લાસમાં ભણાવવામાં આવેલા ટોપિકના ડાઉટ્સ પણ ક્લિયર થઈ જતા હતા. તેઓનું કહેવું છે કે, તમે જેટલા ડાઉટ્સ ક્લિયર કરશો, એટલી જ ટોપિક પર તમારી પકડ મજબૂત બનશે.
